ભુજ: પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના સામખિયાળી ખાતે સાયબર ઠગબાજે ૧૦૦ નંગ ઢોસાના ઓર્ડરનો હવાલો આપી મની ટ્રાન્સફરના વેપારી અને રેસ્ટોરન્ટ સંચાલક બંનેને ભોળવી ઓનલાઈન રૂપિયા ૨,૧૦,૦૦૦ની છેતરપિંડી આચરી હોવાનો અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભોગ બનનાર વેપારીએ સમયસૂચકતા વાપરી તુરંત સાયબર હેલ્પલાઇન પર ફરિયાદ કરતાં રૂપિયા ૫૫,૪૯૮ની રકમ હોલ્ડ કરવામાં સફળતા મળી છે.
ઘટના સંદર્ભે પ્રાપ્ત વિગતો અનુસાર, સામખિયાળીમાં મોબાઇલ તેમજ મની ટ્રાન્સફરની દુકાન ચલાવતા સાજીદ અબ્દુલ માંજોઠી પર અજાણ્યા નંબર પરથી એક ગઠિયાનો ફોન આવ્યો હતો. કોલ કરનારે પોતે સ્થાનિક ‘કૃષ્ણ સુદામા હોટેલ’માંથી હિતેશ બોલતો હોવાની ખોટી ઓળખ આપી અઢી લાખ રૂપિયા અન્ય ખાતામાં તાત્કાલિક ટ્રાન્સફર કરાવવાના હોવાનું જણાવ્યું હતું. દરમિયાન બપોરે દુકાનમાલિક સાજીદભાઈ જમવા ગયા હતા અને દુકાન પર તેમનો કર્મચારી સમીર હાજર હતો.
તે જ સમયે ‘શિવા ફાસ્ટફૂડ ઇડલી’ના સંચાલક બાલા મુરુગન અજાણ્યા શખ્સ સાથે ચાલુ ફોને દુકાને આવી પહોંચ્યા હતા. સામા છેડેથી ફોન પર રહેલા ઠગબાજે દુકાને હાજર સમીરને વિશ્વાસમાં લઈ કહ્યું કે, "મારો માણસ રોકડા પૈસા લઈને તમારી દુકાને આવ્યો છે અને તમારા શેઠ સાથે વાત થઈ ગઈ છે." આટલું કહી ગઠિયાએ આપેલા બેંક ખાતા નંબરો પર સમીરે રૂપિયા ૨,૧૦,૦૦૦ ઓનલાઇન ટ્રાન્સફર કરી આપ્યા હતા.
રૂપિયા જમા થઈ ગયા બાદ સમીરે દુકાને ઊભેલા બાલા મુરુગન પાસે રોકડ રકમની માંગણી કરી ત્યારે આખી છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો. બાલા મુરુગને જણાવ્યું કે, અજાણ્યા શખ્સે જન્મદિવસની પાર્ટી માટે ૧૦૦ નંગ ઢોસાનો ઓર્ડર આપ્યો હતો અને ઓર્ડરના પૈસા આ મની ટ્રાન્સફરની દુકાનેથી લઈ લેવાનું જણાવ્યું હોવાથી તેઓ અહીં આવ્યા હતા. આમ, બંને પક્ષોને સામસામે અંધારામાં રાખી શાતિર ગઠિયાએ રૂપિયા ૨.૧૦ લાખ પડાવી લીધા હોવાનું બહાર આવ્યું હતું.
પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલૂમ પડતાં વેપારીએ તાત્કાલિક ઓનલાઈન પોર્ટલ પર ફરિયાદ નોંધાવી હતી, જેને પગલે તંત્ર દ્વારા ટ્રાન્સફર થયેલી રકમ પૈકી રૂપિયા ૫૫,૪૯૮ તાબડતોબ હોલ્ડ કરાવી લેવાયા હતા. આ સમગ્ર મામલે સામખિયાળી પોલીસે વિધિવત્ ગુનો દાખલ કરી છેતરપિંડી આચરનાર અજાણ્યા ગઠિયાનું પગેરું મેળવવા કવાયત આદરી છે.
(ઉત્સવ વૈદ્ય)