મુંબઈ: સદીના મહાનાયક અમિતાભ બચ્ચન 11 ઓક્ટોબરે 84 વર્ષના થવા જશે. આ ઉંમરમાં પણ તેઓ સુપર એક્ટિવ છે. તેઓ સતત કામ કરી રહ્યા છે અને હાલમાં ‘કૌન બનેગા કરોડપતિ 18’ની શૂટિંગમાં વ્યસ્ત છે. જોકે, વ્યસ્ત વર્ક શેડ્યૂલની અસર હવે તેમની હેલ્થ પર પણ પડી રહી છે.
અમિતાભે પોતાના તાજેતરના બ્લોગમાં કહ્યું હતું કે વર્ક શેડ્યૂલના કારણે તેઓ આરામ કરી શકતા નથી. તેમણે ઊંઘને શરીરના ‘બેસ્ટ રિપેર મિકેનિઝમ’ તરીકે ગણાવી હતી. તેમણે લખ્યું કે રાતની ઊંઘ શરીર માટે ખૂબ જરૂરી છે, પરંતુ તેમના માટે તેના માટે સમય કાઢવો મુશ્કેલ બની રહ્યો છે.
તેમણે કહ્યું કે તેઓ હવે વહેલા સૂવાનો પ્રયાસ કરશે, જેથી સવારે વહેલા ઊઠીને કામ પર જઈ શકે. સતત કામ અને મનમાં ચાલી રહેલા અનેક વિચારોને કારણે પણ તેમને આરામ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.
બિગ બીએ વધુમાં જણાવ્યું કે તેમના મનમાં અનેક વિચારો અને આઈડિયા ચાલી રહ્યા છે. જે લક્ષ્યોને ક્યારેક તેમણે પોતાની મંઝિલ માન્યા હતા, તેને હાંસલ કરવાની ઈચ્છા અને ઉત્સાહ હજુ પણ તેમને આગળ વધવાની શક્તિ આપે છે. આ જ ડ્રાઈવને કારણે તેઓ સતત કામ કરવા માંગે છે. તેમણે મજાકિયા અંદાજમાં કહ્યું હતું કે હવે તેમને બેડ તરફ જવું જોઈએ.
દરમિયાન અમિતાભ બચ્ચનના સ્વાસ્થ્યને લઈને અગાઉ પણ સમાચાર મળ્યા હતા. ‘કૌન બનેગા કરોડપતિ 18’ના સેટ પર તેઓ લપસી પડ્યા હતા અને તેમના ઘૂંટણમાં ઈજા થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે ઘૂંટણમાં ઈજાને કારણે લાંબા સમય સુધી ઊભા રહેવામાં થોડી મુશ્કેલી થઈ રહી છે. જોકે, તેમને ઈજાને ગંભીર ગણાવી નહોતી.
આ બધી મુશ્કેલીઓ છતાં અમિતાભ બચ્ચન કામ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતામાં કોઈ કમી રાખી રહ્યા નથી. તેઓ રોજ પોતાના શૂટિંગનો હિસ્સો પૂરો કરી રહ્યા છે અને ફિલ્મો તથા ટીવી બંનેમાં સક્રિય છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન છેલ્લે રજનીકાંત સાથે ફિલ્મ ‘વેટ્ટૈયન’માં જોવા મળ્યા હતા. આ ઉપરાંત તેઓ ‘કલ્કિ 2898 એડી’ની સિક્વલમાં ફરી જોવા મળશે. આ સિવાય તેઓ કેબીસી 18ને હોસ્ટ કરી રહ્યા છે.