Tue Oct 06 2026

Logo

ભુજમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે બુકી ઝડપાયા: ₹૧૦.૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત

2026-10-06 15:17:10
Author: Mumbai Samachar Team
ભુજમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે બુકી ઝડપાયા: ₹૧૦.૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત

હોસ્પિટલ રોડ પર કારમાં બેસી માસ્ટર આઈડી વડે સટ્ટો રમાડતા માધાપરના બે શખ્સો સામે જુગારધારા હેઠળ ગુનો

ભુજ: ભુજ શહેરના વ્યસ્ત ગણાતા હોસ્પિટલ રોડ પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ પર મોબાઇલ ફોનમાં માસ્ટર આઈડી મારફતે સટ્ટો રમી તેમજ રમાડી રહેલા માધાપરના બે શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી બે સ્માર્ટફોન તેમજ એક કાર મળી કુલ રૂપિયા ૧૦,૭૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, ભુજના હોસ્પિટલ રોડ પર એક કારમાં બેસી કેટલાક શખ્સો ક્રિકેટ મેચ પર ગેરકાયદે સટ્ટા બેટિંગનું નેટવર્ક ચલાવી રહ્યા હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી જેના આધારે પોલીસે સ્થળ પર આકસ્મિક દરોડો પાડી શંકાસ્પદ હાલતમાં ઊભેલી જીજે-૧૨ એફસી-૭૭૨૭ નંબરની કારને કોર્ડન કરી તપાસ હાથ ધરી હતી.

પોલીસ તપાસ દરમિયાન કારમાં સવાર શખ્સો આઈસીસી સીડબલ્યુસી લીગ-૨ અંતર્ગત નામીબિયા અને યુએઈ વચ્ચે રમાઈ રહેલી વન-ડે મેચ પર ઓનલાઈન માસ્ટર આઈડી દ્વારા હાર-જીતનો જુગાર રમી રહ્યા હોવાનું પકડાઈ ગયું હતું.

પોલીસે ઘટનાસ્થળેથી સટ્ટો રમતા ગૌતમ બળવંત રાવલ (રહે. માધાપર) તેમજ નિખિલ ચંદ્રકાંત ઠક્કર (રહે. જૂનાવાસ, માધાપર) નામના બે બુકીઓની અટકાયત કરી હતી. પોલીસે બંને આરોપીઓ પાસેથી સટ્ટાના વ્યવહારમાં ઉપયોગમાં લેવાયેલા બે મોબાઇલ ફોન (કિંમત રૂ. ૭૦,૦૦૦) તેમજ રૂપિયા ૧૦ લાખની કિંમતની સ્વિફ્ટ કાર મળી કુલ રૂપિયા ૧૦,૭૦,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ સમગ્ર મામલે બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરી, આ સટ્ટા રેકેટની માસ્ટર આઈડી કોની પાસેથી મેળવવામાં આવી હતી અને તેની સાથે અન્ય કયા પંટરો સંકળાયેલા છે તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

ઉત્સવ વૈદ્ય