અમદાવાદ: અમદાવાદના એસ.જી હાઇવે અને જુહાપૂરાને જોડતા નવનિર્મિત મકરબા રેલવે ઓવરબ્રિજની ડિઝાઇનમાં ગંભીર ખામીઓ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જેના લીધે બ્રિજના લોકાર્પણ સાથે ટ્રાફિક જામ અને અવ્યવસ્થાની સ્થિતિ સર્જાતા તંત્ર વિરુદ્ધ સવાલો ઉઠ્યા છે.
નોટિસમાં ડિઝાઇન અંગે ખુલાસો માંગવામાં આવ્યો
આ બ્રિજની ડિઝાઇનમાં ખામી સામે આવ્યા બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કાર્યવાહી શરૂ કરી છે. AMC દ્વારા બ્રિજની ડિઝાઇન તૈયાર કરનાર ‘ડેલ્ફ કન્સલ્ટન્સી’ કંપનીને નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસમાં ડિઝાઇન અંગે ખુલાસો માંગવામાં આવ્યો છે. તેમજ આ બ્રિજના છેડા પર ટ્રાફિક વ્યવસ્થામાં સર્જાયેલી સમસ્યા અંગે જવાબ રજૂ કરવા જણાવાયું છે. ડિઝાઇન તૈયાર કરતી વખતે ટ્રાફિક ફ્લો અને કનેક્ટિવિટીને ધ્યાનમાં લેવામાં આવી હતી કે નહીં તે અંગે પણ સ્પષ્ટતા માંગવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
પ્રોજેક્ટના આયોજન પર સવાલો ઉભા થયા
આ અંગેની વિગતો મુજબ મકરબા રેલવે ઓવરબ્રિજનું નિર્માણ એસજી હાઈવે અને જુહાપુરા વિસ્તાર વચ્ચેની અવરજવર સરળ બનાવવા માટે કરવામાં આવ્યું હતું. પરંતુ બ્રિજના લોકાર્પણ બાદ જ ટ્રાફિક જામ, મુખ્ય રોડ બંધ કરવાની ફરજ અને ડાયવર્ઝન જેવી સ્થિતિ સર્જાતા પ્રોજેક્ટના આયોજન પર સવાલો ઉભા થયા છે.
વાહનચાલકો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું
મકરબા રેલવે ઓવરબ્રિજના છેડા પર ચાર રસ્તા તરફની ટ્રાફિક વ્યવસ્થાનું યોગ્ય આયોજન કરવામાં આવ્યું ન હતું. જેના કારણે વાહનોની અવરજવરમાં અડચણ ઊભી થઈ રહી છે. તેમજ બ્રિજના ઈ-લોકાર્પણના બીજા જ દિવસે ટ્રાફિકની સ્થિતિને ધ્યાનમાં રાખીને કોર્પોરેટ રોડના મુખ્ય માર્ગને બંધ કરીને વાહનચાલકો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. હાલમાં મુખ્ય રોડ બંધ કર્યા બાદ બ્રિજની નીચે રેલવે ફાટક નજીક વાહનચાલકો માટે યુ-ટર્નની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, આ વ્યવસ્થાના કારણે પણ વાહનોની અવરજવરમાં ગૂંચવણ સર્જાઈ રહી હોવાની ફરિયાદો સામે આવી છે.