મુંબઈ: પોલીસ કસ્ટડીમાં મારપીટ, ત્રાસ અથવા પોલીસકર્મીના દબાણને કારણે કોઈ વ્યક્તિનું મોત થયું હોવાનું સાબિત થાય તો તેના પરિવારને મહારાષ્ટ્ર સરકાર 5 લાખ રૂપિયાનું વળતર આપશે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં આ નીતિને મંજૂરી આપવામાં આવી છે.
મુખ્ય પ્રધાન કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ પોલીસ કસ્ટડી દરમિયાન પોલીસ અધિકારી અથવા કર્મચારી દ્વારા કરવામાં આવેલા હુમલા, ત્રાસ અથવા દબાણને કારણે મોત થયું હોવાનું સાબિત થયા બાદ મૃતકના પરિવારજનોને આ સહાય આપવામાં આવશે.
નવી નીતિમાં કસ્ટડી દરમિયાન શારીરિક અથવા માનસિક ત્રાસને કારણે કાયમી દિવ્યાંગતા થાય તો પણ વળતરની જોગવાઈ કરવામાં આવી છે. 50 ટકાથી ઓછી કાયમી દિવ્યાંગતા હોય તો 2 લાખ રૂપિયા, જ્યારે 50 ટકાથી વધુ કાયમી દિવ્યાંગતા હોય તો 4 લાખ રૂપિયા વળતર આપવામાં આવશે.
જોકે, તમામ કસ્ટોડિયલ મોતના કેસમાં વળતર આપવામાં આવશે નહીં. વૃદ્ધાવસ્થા અથવા અગાઉથી રહેલી અસાધ્ય બીમારીને કારણે કુદરતી મૃત્યુ, અચાનક કુદરતી આફત, પોતાની ઈચ્છાથી તબીબી સારવાર લેવાનો ઈનકાર, કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતી વખતે થયેલો અકસ્માત, અયોગ્ય માંગણીઓ માટે કરવામાં આવેલી ભૂખ હડતાળના કારણે થયેલા મૃત્યુને આ વળતર હેઠળ આવરી લેવામાં આવશે નહીં.
નીતિમાં વહીવટી બેદરકારી, તબીબી તપાસ, જરૂરી પ્રમાણપત્રો, દિવ્યાંગતાની ચકાસણી, દસ્તાવેજો અને તેમની ચકાસણી તેમજ વળતર માટે દરખાસ્ત રજૂ કરવાની પ્રક્રિયા પણ નક્કી કરવામાં આવી છે. સંબંધિત જિલ્લાના પોલીસ અધિક્ષક અથવા પોલીસ કમિશનર આવા કેસની નોંધ લઈને 30 દિવસની અંદર વળતર માટેની દરખાસ્ત રજૂ કરી શકશે.
આ નીતિમાં જવાબદારી નક્કી કરવા માટે પણ મહત્વની જોગવાઈ કરવામાં આવી છે. કસ્ટોડિયલ ડેથ માટે જવાબદાર સરકારી અધિકારી અથવા કર્મચારી સામે ફોજદારી કેસ નોંધવામાં આવશે. સાથે જ બેદરકારી માટે જવાબદાર અધિકારી અથવા કર્મચારી પાસેથી વળતરની રકમ તેમના વ્યક્તિગત પગાર, પેન્શન અથવા મિલકતમાંથી વસૂલ કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.