Wed Oct 07 2026

Logo

ગરબાના ગ્રાઉન્ડમાં હવે નહીં ચાલે છૂપી ફોટોગ્રાફી! મહિલાઓની મંજૂરી વિના વીડિયો બનાવ્યા તો પોલીસ નહીં છોડે!

2026-10-07 22:35:00
Author: Mumbai Samachar Team
ગરબાના ગ્રાઉન્ડમાં હવે નહીં ચાલે છૂપી ફોટોગ્રાફી! મહિલાઓની મંજૂરી વિના વીડિયો બનાવ્યા તો પોલીસ નહીં છોડે!

AI (પ્રતીકાત્મક તસવીર)


અમદાવાદ: ગરબા ગ્રાઉન્ડમાં મહિલાઓની મંજૂરી વગર છૂપી રીતે ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી કરનારાઓ સામે પોલીસ કાયદાનો પાઠ ભણાવશે. આ માટે પોલીસ તૈયારીઓ કરી લીધી છે. આ વખતે પણ પોલીસની શી ટીમ નોરતાના ટ્રેડિશનલ ડ્રેસમાં ચાંપતી નજર રાખશે.  આ નવરાત્રિએ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેરાત મુજબ ગરબાના સ્થળો, ખાસ કરીને એન્ટ્રી-એક્ઝિટ ગેટ, પાર્કિંગ એરિયા અને અંધારા વાળા રસ્તાઓ પર એન્ટિ-રોમિયો ડ્રાઈવ ચલાવવામાં આવશે. આ મહિલાઓની છેડતી કરનારા, પીછો કરનારા કે અયોગ્ય ટિપ્પણી કરનારા તત્વોને ઝડપી પાડવાનો મુખ્ય હેતુ છે.

મહિલાઓ એલર્ટ રહે
પોલીસે મહિલાઓને પણ સતર્ક રહેવા અપીલ કરી છે. ફક્ત નવરાત્રિમાં સાથે ફરવા માટે સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકોની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારવી નહીં, નવી ઓળખાણ પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરવો અને અજાણી વ્યક્તિ સાથે અવાવરુ સ્થળોએ જવાનું ટાળવું. આ ઉપરાંત, પરિવારનાં સભ્યો સાથે પોતાનું લાઈવ લોકેશન શેર કરવા સલાહ આપવામાં આવી છે. સાદા પોશાકમાં પોલીસ અને સરપ્રાઈઝ પેટ્રોલિંગ પણ કરશે.  છેડતી કરનારાઓ અને રોમિયોગિરી કરનારાઓ પર નજર રાખવા માટે શી ટીમો સાદા કપડાંમાં તૈનાત રહેશે. આ સરપ્રાઈઝ ચેકિંગ માત્ર મોટા પાર્ટી પ્લોટ પૂરતું સીમિત નહીં રહે, પરંતુ શેરી ગરબા, મોહલ્લા, રજિસ્ટર્ડ સોસાયટીઓ અને ખાણી-પીણીની ગલીઓ સુધી લંબાવાશે.

ગરબા ક્લાસિસની મુલાકાતે
આ નવરાત્રિ પહેલાં અને તહેવાર દરમિયાન શી ટીમ ગરબા ક્લાસીસ અને સ્થળોની મુલાકાત લઈને યુવતીઓ સાથે સંવાદ સાધશે, સુરક્ષા માર્ગદર્શન આપશે તેમજ સેલ્ફ ડિફેન્સ અને જાગૃતિના કાર્યક્રમો યોજશે. મોડી રાત્રે મુશ્કેલીમાં મુકાયેલી અથવા વાહન વ્યવસ્થા ન મળતી હોય તેવી મહિલાઓને 112 નંબર પર કોલ કરવા જણાવવામાં આવ્યું છે. ઈમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ અને શી ટીમ મહિલાઓ સુરક્ષિત ઘરે પહોંચે તે સુનિશ્ચિત કરશે. ગરબા સ્થળો પર 112 અને 181 જેવી હેલ્પલાઈન દર્શાવતાં પમ્પલેટ્સનું વિતરણ કરાશે. આ ઉપરાંત, તૈનાત ટુકડીઓ, પકડાયેલા રોમિયો અને લેવાયેલા પગલાંનો દૈનિક રેકોર્ડ રાખવામાં આવશે.

ગ્રામ્ય પોલીસે પણ સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી 
અમદાવાદ ગ્રામ્ય પોલીસે બોપલ, શીલજ, હાથીજણ અને સાણંદના ફાર્મહાઉસ, પાર્ટી પ્લોટ તથા ક્લબ ખાતે સુરક્ષા કડક બનાવી છે. આયોજકો સાથેની બેઠકમાં ગ્રામ્ય એસપી ઓમપ્રકાશ જાટે સુરક્ષા, ટ્રાફિક અને ફાયર સેફ્ટી અંગે ચર્ચા કરી હતી. દરેક ગરબા સ્થળે સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા રોજ તા. 24 પોઈન્ટનું સિક્યુરિટી ઓડિટ કરવામાં આવશે. આયોજકોએ દરરોજ ફાયર, ઈલેક્ટ્રિકલ સેફ્ટી અને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ જમા કરાવવાના રહેશે. મુખ્ય ગરબા સ્થળો પર મહિલા અને બાળકો માટે હેલ્પ ડેસ્ક, સીસીટીવી કંટ્રોલ રૂમ અને મેડિકલ ટીમ રાખવી ફરજિયાત છે. મહિલાઓ માટે અલગ એન્ટ્રી લાઈન, મહિલા બાઉન્સર અને ફીમેલ સિક્યુરિટી ગાર્ડ રાખવાના રહેશે.