Wed Oct 07 2026

Logo

એનટીપીસી વ્યવસાયીક ખનનકર્તા પાસેથી એકથી દોઢ કરોડ ટન કોલસાની ખરીદી કરશે

2026-10-07 20:33:56
Author: Ramesh Gohil
એનટીપીસી વ્યવસાયીક ખનનકર્તા પાસેથી એકથી દોઢ કરોડ ટન કોલસાની ખરીદી કરશે

નવી દિલ્હીઃ પાવરનું ઉત્પાદન કરતી જાહેર ક્ષેત્રની કંપની એનટીપીસી ઈંધણની આવશ્યકતા પૂરી કરવા વર્તમાન નાણાકીય વર્ષમાં કોલસાની ખાનગી ખાણ ધરાવનારા પાસેથી એકથી દોઢ કરોડ ટન કોલસાની ખરીદી કરવાની વિચારણા કરી રહી છે.

સૂત્રોના જણાવ્યાનુસાર આ પગલાનો મુખ્ય ઉદ્દેશ કોલસાના જથ્થાની ગંભીર સ્થિતિ વચ્ચે ઈલેક્ટ્રિસિટીનાં ઉત્પાદન માટે કોલસાની ઉપલબ્ધિતા વધારવાનો હોવાનું સૂત્રોએ જણાવતાં ઉમેર્યું હતું કે કંપની વર્તમાન નાણાકીય વર્ષમાં કોમર્શિયલ માઈનર્સ પાસેથી એકથી દોઢ કરોડ ટન કોલસાની ખરીદી કરશે અને આ સંદર્ભે એનએલસી સાથે પણ વાત થઈ હોવાનું તેમણે ઉમેર્યું હતું. એનટીપીસીના એકમ 75થી 76 ટકા પીએલએફ (પ્લાન્ટ લોડ ફેક્ટર)થી ચાલી રહ્યા છે. 

કોમર્શિયલ માઈન્સ તરફથી શિપમેન્ટ ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળની ખાણો તરફથી આવશે. અત્રે નોંધનીય બાબત એ છે કે પ્લાન્ટ લોડ ફેક્ટર (પીએલએએફ) એ થર્મલ પાવર એકમ તેની કુલ ક્ષમતા પૈકી કેટલી અસરકારક ક્ષમતાથી ચાલી રહ્યા છે તેનો નિર્દેશ આપે છે. 

દેશનાં સૌથી મોટા પાવર જનરેશન ખેલાડી એનટીપીસીની વર્તમાન નાણાકીય વર્ષ માટે કોલસાની માગ આગલા નાણાકીય વર્ષની સરખામણીમાં 11 ટકા વધીને અંદાજે 30 કરોડ ટનની રહેવાનો અંદાજ છે, જેમાં ગત સાલ કૉલ ઈન્ડિયા લિ. અને એસસીસીએલ સંયુક્તપણે 21.59 કરોડ ટન પુરવઠો પૂરો પાડ્યો હતો, જ્યારે 64 લાખ ટન કોમર્શિયલ માઈન્સે અને 4.77 કરોડ ટન કેપ્ટિવ સ્રોત મારફતે પુરવઠો પૂરો પાડવામાં આવ્યો હતો. 

નાણાકીય વર્ષ 2025માં એનટીપીસીની કોલસાની માગ 28 કરોડ ટનની હતી જેમાંથી 4.49 કરોડ ટનની માગ કેપ્ટિવ સ્રોત તરફથી, 1.16 કરોડ ટનની માગ કોમર્શિયલ માઈન્સ તરફથી અને 22.67 કરોડ ટનની માગ કૉલ ઈન્ડિયા લિ. અને એસસીસીએલ મારફતે સંતોષાઈ હતી. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે 90 ગિગા વૉટની સ્થાપિત ક્ષમતા સાથે એનટીપીસી કોલ ઈન્ડિયા લિ.ની અગ્રણી કોલસાની ખરીદદાર કંપની છે અને લાંબા ગાળાનાં ફ્યુઅલ સપ્લાય એગ્રિમેન્ટ મારફતે કોલસાનો સ્રોત મેળવી રહી છે. 

પ્રાપ્ત અધિકૃત આંકડાકીય માહિતી અનુસાર ગત પાંચમી ઑક્ટોબરનાં રોજ 191 એકમો જેની કુલ ક્ષમતા 225 ગિગા વૉટની છે તે પૈકી 90 એકમો કોલસાની ગંભીર સ્ટોકની સ્થિતિનો સામનો કરી રહ્યા છે. તેઓ પાસે કુલ આવશ્યક 6.117 કરોડ ટન કોલસાના સ્ટોક સામે 2.058 કરોડ ટન કોલસાનો સ્ટોક હોવાનું જાણવા મળ્યું છે.