Wed Oct 07 2026

Logo

ખ્યાતનામ લેખિકા ઈલા આરબ મહેતાનું નિધનઃ ‘બત્રીસ પૂતળીની વેદના’થી ગુજરાતી સાહિત્યમાં નવો યુગ શરૂ કરેલો

2026-10-07 14:55:12
Author: Mumbai Samachar Team
ખ્યાતનામ લેખિકા ઈલા આરબ મહેતાનું નિધનઃ  ‘બત્રીસ પૂતળીની વેદના’થી ગુજરાતી સાહિત્યમાં નવો યુગ શરૂ કરેલો

ગુજરાતી ભાષાના અગ્રણી સર્જક ઇલા આરબ મહેતાનું દુઃખદ નિધન થયું છે. તેમના પુત્ર ડો. સલિલ મહેતાએ ઇલાબેનના નિધનના સમાચારને સમર્થન આપ્યું છે.

ગુજરાતી ભાષામાં અનેક યાદગાર કૃતિઓના સર્જક ઇલા આરબ મહેતા જાણીતા સાહિત્યકાર ગુણવંતરાય આચાર્યના પુત્રી અને લેખિકા વર્ષા અડાલજાનાં મોટાં બહેન હતા. ‘બત્રીસ પૂતળીની વેદના’ જેવી યાદગાર રચનાના સર્જક ઇલા આરબ મહેતા ગુજરાતી સાહિત્યમા એક નવી તાજગી લાવનારા લેખિકા તરીકે જાણીતા હતા.

ગુજરાતી સાહિત્યના 'નારી રત્ને' ચીરવિદાય લીધી છે. જાણીતા નવલકથાકાર ઈલા આરબ મહેતાનું અવસાન થતાં સાહિત્ય જગતમાં શોક છવાયો છે. તેઓ જાણીતા સાહિત્યકાર ગુણવંતરાય આચાર્યના પુત્રી અને લેખિકા વર્ષા અડાલજાનાં મોટાં બહેન હતા. તેમણે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા હતા. દિવંગત ઇલા આરબ મહેતાના અંતિમ સંસ્કાર 7 ઓક્ટોબર 2016ના રોજ બપોરે 12.30 વાગ્યે સાંતાક્રુઝ હિન્દુ શ્મશાનગૃહ ખાતે કરવામાં આવશે. તેઓ પુત્ર, પુત્રી સહિતના પરિવારના બીજા સભ્યોને પાછળ છોડતા ગયા છે.

કોણ કોણ છે પરિવારમાં?

પરિવારમાં પુત્ર ડૉ. સલિલ, પુત્રી સોનાલી તથા પૌત્ર-પૌત્રીઓનો સમાવેશ થાય છે. તેમના અવસાનથી સાહિત્ય જગતને એક ઊંડી ખોટ પડી છે. તેઓ તેમની પાછળ પરિવાર સહિત સાહિત્યનો જગતનો સમૃદ્ધ વારસો છોડતા ગયા છે.

ઇલા આરબ મહેતાની જીવન ઝરમર

ઇલા આરબ મહેતાનો જન્મ 23 જૂન 1938ના રોજ મુંબઈમાં થયો હતો.  મૂળ જામનગરનાં  ઇલા આરબ મહેતાએ રૂઇયા કૉલેજમાંથી બી.એ. અને ગુજરાતી તથા સંસ્કૃત વિષયો સાથે એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો હતો તથા મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અધ્યાપક તરીકેની સેવા આપી હતી. તેમને પિતા ગુણવંતરાય આચાર્ય પાસેથી સાહિત્યનો વારસો મળ્યો હતો.

ઇલા આરબ મહેતાની જાણીતી કૃતિઓ કઈ કઈ?

જાણીતી કૃતિઓમાં ‘ત્રિકોણની ત્રણ રેખાઓ’, ‘રાધા’, ‘થીજેલો આકાર’, ‘એક હતા દીવાનબહાદુર’, બત્રીસ લક્ષણો, ‘બત્રીસ પૂતળીની વેદના’, ‘પાંચ પગલાં પૃથ્વી પર’, ‘પરપોટાની પાંખ’, વારસદાર, આવતી કાલનો સૂરજ, મૃત્યુ, દરિયાનો માણસ, વસંત છલકે, નાગ પરીક્ષા, ધ ન્યૂ લાઇફ, ઝીલી મેં કુંપળ હથેળીમાં અને વાર્તાસંગ્રહ ‘એક સિગારેટ, એક ધૂપસળી’ સહિતની બીજી કૃતિઓ સામેલ છે.

ઈલા આરબ મહેતાની આઠ નવલકથાઓ નારી કેન્દ્રીત

ઈલા આરબ મહેતાની આઠ નવલકથાઓ નારી કેન્દ્રીત રહી છે. નારી પ્રત્યેની તેમની વિચારધારા બીજાથી સાવ નોખી તરી આવે છે. રાધા', 'આવતીકાલનો સુરજ', 'બત્રીસ પૂતળીની વેદના', 'પરપોટાની આંખ', 'પાંચ પગલા પૃથ્વી પર', 'ધ ન્યુ લાઈફ', 'ઝીલી મેં કૂંપળ હથેળીમાં' - આ બધી જ કૃતિઓમાં ઈલા આરબ મહેતા સ્ત્રી પાત્રોને મુખ્ય સ્થાને સમાજમાં સ્ત્રીને થતા અન્યાય અને અત્યાચાર સામે અવાજ ઉઠાવ્યો છે.