નવી દિલ્હીઃ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની આગેવાનીમાં વિપક્ષી નેતાઓના વિરોધ પ્રદર્શન અને ચૂંટણી પંચ સાથે તાકીદની મુલાકાતની માંગ વચ્ચે ચૂંટણી પંચે પોતાનું નિવેદન આપ્યું છે. ચૂંટણી પંચે જણાવ્યું છે કે તેમને કોઈ પણ રાજકીય પક્ષના પ્રતિનિધિમંડળને મળવામાં કે તેમની સાથે ચર્ચા કરવામાં સહેજ પણ વાંધો નથી, પરંતુ એના માટે પૂર્વ નિર્ધારિત પ્રક્રિયા અને પ્રોટોકોલનું પાલન કરવાનું અનિવાર્ય છે.
પૂર્વ મંજૂરી વગર ચૂંટણી પંચ સાથે બેઠક થઈ શકે?
ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે વાત કરવામાં આવે તો મંગળવારે સાંજે 4 વાગ્યા સુધી કોઈ પણ રાજકીય પક્ષ તરફથી બેઠક માટે સત્તાવાર સમય માંગવામાં આવ્યો ન હતો. તેથી કોઈ બેઠક નિર્ધારિત થઈ શકી નહોતી. ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી હતી કે વર્ષ 2025માં નક્કી કરવામાં આવેલા પ્રોટોકોલ મુજબ કોઈ પણ રાજકીય પક્ષે પોતાના અધિકૃત પ્રતિનિધિ મારફતે પહેલાંથી સમય મેળવવાનો રહે છે, પરંતુ અત્યારે વિપક્ષ દ્વારા ચૂંટણી પંચ પાસે કોઈ માંગણી કરવામાં આવી નહોતી.
દિલ્હી પોલીસ દ્વારા પંચને માહિતી મળી હતી કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં સાંસદોનું પ્રતિનિધિમંડળ આવેદનપત્ર સોંપવા માંગે છે. પંચ આ વિનંતી પર વિચાર કરી રહ્યું હતું, ત્યારે જણાવાયું કે રાહુલ ગાંધી 'ઈન્ડિ' ગઠબંધનના અંદાજે 240 સાંસદ સાથે સંસદ ભવનના એનેક્સી ખાતે પંચ સાથે બેઠક કરવા માંગે છે. ચૂંટણી પંચે આ માંગણીને નિયમોથી વિપરીત અને અસામાન્ય ગણાવીને અસ્વીકાર કર્યો હતો, કારણ કે નિયમ મુજબ આવી બેઠકો માત્ર ચૂંટણી પંચના કાર્યાલય પરિસરમાં જ થઈ શકે છે.
Election Commission of India Press Note Date 🗓️ — 6 October 2026 Read more 👉 https://t.co/q6CXhdZCdz #ECI https://t.co/QI0l1wOFlr
— Election Commission of India (@ECISVEEP) October 6, 2026
સાંસદોને બેઠક માટે ચૂંટણી પંચે વિકલ્પ આપ્યો
આ મુદ્દાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે એક વિશેષ વ્યવસ્થાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તે મુજબ, પંચના સૌથી સિનિયર કાર્યકારી અધિકારીને સંસદ ભવન એનેક્સી ખાતે મોકલીને સાંસદો પાસેથી આવેદનપત્ર સ્વીકારવાની તૈયારી દર્શાવવામાં આવી હતી. જોકે, વિપક્ષી સાંસદો આ પ્રસ્તાવ પર સહમત થયા નહોતા. નોંધનીય છે કે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત વિપક્ષના અનેક નેતાઓ ચૂંટણી પંચથી મળવાની માંગ સાથે આકાશવાણી ભવન પરિસરમાં ધરણા પર બેઠા હતા.
વિપક્ષનો આક્ષેપ હતો કે પંચ સમય આપી રહ્યું નથી. બાદમાં દિલ્હી પોલીસે પ્રદર્શન કરી રહેલા નેતાઓની અટકાયત કરી પરિસરમાંથી હટાવ્યા હતા. જો કે, ચૂંટણી પંચે સ્પષ્ટ કહ્યું છે કે, તેઓ લોકશાહી અને સંસદીય મર્યાદાઓનું સંપૂર્ણ સન્માન કરે છે અને નિયમાનુસાર વિનંતી મળ્યે કોઈપણ સમયે ચર્ચા માટે તૈયાર છે.