એઆઈ સ્માર્ટ ગ્લાસને લઈને દુનિયાભરમાં પ્રાઈવસી (Privacy)ની ચિંતા વધી રહી છે. હવે નોર્વે સરકારે જાહેર અને સંવેદનશીલ સ્થળોએ એઆઈ સ્માર્ટ ગ્લાસના ઉપયોગ પર અસ્થાયી પ્રતિબંધ મૂકવાની તૈયારી શરૂ કરી છે. સરકારનું કહેવું છે કે, કેમેરા અને માઈક્રોફોનથી સજ્જ આ ચશ્મા દ્વારા લોકોની જાણ કે સંમતિ વિના ફોટો, વીડિયો અથવા ઓડિયો રેકોર્ડ થઈ શકે છે. જે આગળ જતા સામાન્ય લોકો સાથે સરકાર માટે પણ જોખમી સાબિત થઈ શકે છે. નોર્વે ખાસ કરીને દેશની સુરક્ષાને લઈને ચિંતિત હોય તેવું લાગી રહ્યું છે.
પ્રસ્તાવિત પ્રતિબંધ એવા સ્થળો પર લાગુ થઈ શકે છે જ્યાં લોકો મોટી સંખ્યામાં નિયમિત રીતે એકઠા થાય છે. તેમાં પાર્ક, બીચ, મ્યુઝિયમ, શોપિંગ મોલ અને જાહેર કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બાળકો અને યુવાનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્કૂલ, પ્લેગ્રાઉન્ડ, યુથ ક્લબ અને અન્ય સ્થળોને પણ પ્રતિબંધના દાયરામાં લાવવાની શક્યતા છે.
પ્રાઈવસી માટે વધુ સંવેદનશીલ ગણાતા સ્થળો પર પણ આ નિયમ લાગુ થઈ શકે છે. તેમાં હોસ્પિટલ અને અન્ય હેલ્થકેર સેન્ટર, ડૉક્ટરના ક્લિનિક, સ્વિમિંગ પુલ તથા ચેન્જિંગ રૂમ અને શાવર ધરાવતા જિમ-ફિટનેસ સેન્ટરનો સમાવેશ થઈ શકે છે. સરકાર ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ, જેમ કે યુનિવર્સિટી અને કોલેજોને પણ પ્રતિબંધમાં સામેલ કરવા અંગે વિચાર કરી રહી હોવાનું મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જાણવા મળ્યું છે.
નોર્વેના ડિજિટલાઈઝેશન અને પબ્લિક ગવર્નન્સ પ્રધાન ટોર્ગેઈર મિકેલસને કહ્યું કે, નવી અને શક્તિશાળી ટેક્નોલોજીના આગમન સાથે લોકોની જાણ બહાર તેમના ફોટા પાડવા, વીડિયો બનાવવા અથવા ઓડિયો રેકોર્ડ થવાનું જોખમ વધી રહ્યું છે. સરકાર એવો સમાજ નથી ઈચ્છતી જ્યાં લોકો જાહેર સ્થળોએ પણ સતત છુપાઈને રેકોર્ડ થવાની ચિંતામાં રહે!
જોકે, નોર્વે સરકારનો હેતુ એઆઈ સ્માર્ટ ગ્લાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો નથી. ખાનગી ઉપયોગ અને એવી જગ્યાઓ જ્યાં અન્ય લોકોની સંમતિ વિના રેકોર્ડિંગ થવાનું જોખમ ન હોય ત્યાં તેનો ઉપયોગ ચાલુ રહી શકે છે. સરકાર સંવેદનશીલ જૂથો માટે કેટલીક છૂટ અને સામાજિક રીતે ઉપયોગી એવા મર્યાદિત ઉપયોગની પણ શક્યતા તપાસશે.
હવે સરકાર એ પણ નક્કી કરશે કે પ્રતિબંધમાં કઈ ટેક્નોલોજીનો સમાવેશ કરવો. માત્ર કેમેરા અને ઓડિયો રેકોર્ડિંગવાળા ચશ્મા, કેમેરા સાથે એઆઈ ફીચર્સ ધરાવતા ગ્લાસ કે પછી કેમેરા, ઓડિયો અને એઆઈ ધરાવતા અન્ય વેરેબલ ડિવાઇસને પણ નિયમ હેઠળ લાવવા અંગે સમીક્ષા કરવામાં આવશે. નોર્વે સરકાર આ માટે સંસદમાં બિલ શક્ય તેટલી વહેલી તકે રજૂ કરવાની તૈયારીમાં છે.
આ સાથે જ નોર્વે એક એક્સપર્ટ ગ્રુપ બનાવશે, જે બોડી-વોર્ન ટેક્નોલોજી અંગે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને કાયમી રાષ્ટ્રીય નિયમો માટે ભલામણ કરશે. એટલે હાલનો પ્રતિબંધ અસ્થાયી રહેશે અને તેનો હેતુ સરકારને ટેક્નોલોજી, પ્રાઈવસી અને જાહેર સુરક્ષા વચ્ચે સંતુલન માટે યોગ્ય કાયમી નિયમો તૈયાર કરવાનો સમય આપવાનો છે.