Wed Oct 07 2026

Logo

સુરેન્દ્રનગરમાં સાસરિયાંએ યુવતીને ઝાડ સાથે બાંધી પ્રેમી પાસે રેપ કરાવ્યો, વીડિયો પણ બનાવ્યો ને.........

2026-10-07 09:59:26
Author: Mumbai Samachar Team
સુરેન્દ્રનગરમાં સાસરિયાંએ યુવતીને ઝાડ સાથે બાંધી પ્રેમી પાસે રેપ કરાવ્યો, વીડિયો પણ બનાવ્યો ને.........

સુરેન્દ્રનગરમાં પ્રેમી સાથે ભાગી ગયેલી પરિણીતા પર શુદ્ધિકરણના નામે સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે છે. આ મામલે પોલીસે બે મહિલા સહિત 9 લોકોની ધરપકડ કરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સુરેન્દ્રનગરમાં રહેતો એક યુવક પરિણીત મહિલાને ભગાડી ગયો હતો. આ બાબતની જાણ થતાં મહિલાના પતિ તેમજ પરિવારજનો દ્વારા બન્નેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન બન્ને જણા પકડાઈ જતાં બન્નેને ઢોરમાર મારવામાં આવ્યો હતો. આટલું જ નહીં, શુદ્ધિકરણના નામે ભાગી જનારી પરિણીતા પર તેની મરજી વિરુદ્ધ સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતુ.

અન્ય પુરુષ સાથે ભાગી ગયેલી મહિલાને પાછી લાવી પરિવારે ઘરમાં પૂરી દીધી હતી. ત્યાર બાદ ફરી પરિણીતા જતી રહી હતી. જેથી પરિવાર ફરી તેને અને જેની સાથે રહેતી હતી તે પુરુષને પાછો લાવ્યા હતા. ત્યાર બાદ મહિલાને ઝાડ સાથે બાંધી દીધી અને જેની સાથે ભાગી હતી તેની પાસે જ પતિ સહિતના સંબંધીઓએ દુષ્કર્મ કરાવ્યું હતું. માત્ર એટલું જ નહીં, તેનો વીડિયો પણ શૂટ કર્યો હતો. આ વીડિયોના આધારે જ પોલીસે 9 આરોપીઓને ઝડપી લીધા છે. આ અતિ ઘૃણાસ્પદ ઘટનામાં આંચકાજનક વાત તો એ છે કે, આ અત્યાચાર આચરવામાં બે મહિલા પણ સામેલ હતી.

આ 9 આરોપીઓની ધરપકડ

પોપટ સરવૈયા, રમેશ સરવૈયા, જયંતી સરવૈયા, ભરત સરવૈયા, જીતુ સરવૈયા, પપ્પુ પરમાર, કલા સરવૈયા, ગીતાબેન સરવૈયા, લીલાબેન સરવૈયા

શુદ્ધિકરણ કરવાના નામે પરિણીત મહિલા અને પ્રેમી સાથે અમાનવીય કૃત્ય

પોલીસના જણાવ્યા પ્રમાણે, બે દિવસ પૂર્વે સુરેન્દ્રનગર શહેરમાં એક પરિણીત મહિલાના શુદ્ધિકરણ કરવાના નામે પરિણીત મહિલા સાથે તેના પ્રેમીને બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધવાની ફરજ પાડવામાં આવી હતી. તેમજ તે બાબતનો વિડીયો મોબાઇલ ફોનમાં ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. જે વાયરલ વીડિયો સુરેન્દ્રનગર પોલીસના ધ્યાને આવતા સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસે સૌપ્રથમ ભોગ બનનાર મહિલાની ઓળખ કરી હતી. તેમજ મહિલાની ઓળખ કર્યા બાદ મહિલાએ સુરેન્દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 70(1), 115 (2), 127(3), 142, 3(5) તેમજ આઇટી એક્ટ સહિતની કલમ અંતર્ગત પરિણીત મહિલાના પતિ સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સમગ્ર મામલે ગણતરીની કલાકોમાં સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ દ્વારા પરિણીત મહિલાના પતિ તેમજ બે મહિલા સહિત કુલ નવ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

કૌટુંબિક અદાવત અને અત્યાચાર

મહિલા પોતાના પતિને છોડીને અન્ય પુરુષ સાથે રહેવા ગઈ હતી. પતિ અને તેના પરિવારજનોએ આ બાબતની અદાવત રાખી મહિલાને ઘરમાં તાળા મારી ગેરકાયદેસર રીતે બાંધી રાખી હતી. મહિલા તક મળતાં ત્યાંથી ભાગી જતાં આરોપીઓએ તેનો પીછો કરી પકડી લીધી હતી.

શુદ્ધિકરણના નામે અમાનવીય કૃત્ય

આરોપીઓ મહિલા અને પુરુષને શુદ્ધિકરણ વિધિના બહાને સુરેન્દ્રનગર લાવ્યા હતા. ત્યાં લાકડાના ધોકા અને લાતોથી માર મારી મહિલાને ઝાડ સાથે બાંધી દીધી હતી. મહિલા સાથે ગયેલા પુરુષ પાસે જ મહિલા સાથે કુકર્મ કરાવી અમાનવીય વર્તન આચર્યું હતું.

પોલીસ કાર્યવાહી અને તપાસ

એએસપી વેદિકા બિહાની નેતૃત્વમાં પોલીસે સામાજિક આગેવાનોની માહિતી આધારે પીડિતાને શોધી કાઢી હતી. પોલીસે આ ઘટનમાં આરોપીઓ વિરુદ્ધ ગોંધી રાખવી, અપહણ, દુષ્કર્મ,અને ઈજા પહોચાડવા જેવા વિવધ ગુનાની કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

પોલીસ દ્વારા વિગતવાર સ્પષ્ટતા

એએસપી અને તેમની ટીમે મહિલાની પૂછપરછ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલી મહિલા આરોપીઓએ આ ગુનામાં અન્ય આરોપીઓને સહયોગ આપ્યો હતો. હાલ તમામ આરોપીઓની પૂછપરછ કરી તેમનો ગુનાહિત ઇતિહાસ તપાસવામાં આવી રહ્યો છે.