મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનન ફરી એકવાર પોતાની રક્ષાબંધન એડને લઈને થયેલા વિવાદ અંગે ચર્ચામાં આવી છે. જ્વેલરી બ્રાન્ડની રક્ષાબંધન કેમ્પેઇનમાં કૃતિના કપડાંને લઈને સોશિયલ મીડિયા પર ભારે ટીકા થઈ હતી. હવે કરીના કપૂર ખાનના શો ‘વોટ વુમન વોન્ટ સીઝન 6’ માં કૃતિએ આ સમગ્ર વિવાદ અંગે વાત કરતાં કહ્યું કે તેને વિશ્વાસ નહોતો થતો કે તેની ‘ચોલી’ પ્રાઈમ ટાઇમ ન્યૂઝ ડિબેટનો મુદ્દો બની જશે.
વિવાદ પર કૃતિએ મૌન તોડ્યું
રક્ષાબંધન માટે બનાવવામાં આવેલી આ જાહેરાતમાં કૃતિ સેનન ઈન્ડો-વેસ્ટર્ન આઉટફિટમાં જોવા મળી હતી. જાહેરાત સામે કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે વાંધો ઉઠાવ્યો હતો અને પરંપરાગત તહેવાર માટે તેના ડ્રેસને અયોગ્ય ગણાવ્યો હતો. વિવાદ વધ્યા બાદ કૃતિએ સોશિયલ મીડિયા પર મહિલાઓના કપડાંને સંસ્કૃતિ સાથે જોડીને જોવાની માનસિકતા પર સવાલ ઉઠાવ્યો હતો.
અગાઉ તેણે ઇન્સ્ટાગ્રામ પર વિવાદનો જવાબ આપતા જાહેરાતનો બચાવ કર્યો હતો. તેણે મહિલાઓના કપડાના આધારે તેમને જજ કરવાની પ્રથા પર સવાલ ઉઠાવ્યા હતા. તેણે કહ્યું હતું કે આપણે મહિલાઓને ક્યાં સુધી એવું કહેતા રહીશું કે તેને શું પહેરવું જોઈએ, જયારે સંસ્કૃતિ તેના દિલમાં હોય છે, તેની નેકલાઇનમાં નહીં.
કરીના સાથેની વાતચીત દરમિયાન કૃતિએ વિવાદ પર કહ્યું, હવે કરીના કપૂરના શોમાં જૂના વિવાદને યાદ કરતાં કૃતિએ કહ્યું, મને વિશ્વાસ નહોતો થતો કે મારી ચોલી પ્રાઇમ ટાઇમ ન્યૂઝ પર 6 લોકોની પેનલ ચર્ચાનો વિષય બની ગઈ હતી.કૃતિએ આ વાત કહી ત્યારે કરીનાએ પણ આઈ નો કહીને પોતાની પ્રતિક્રિયા આપી હતી. આમ, રક્ષાબંધન એડથી શરૂ થયેલો કપડાં અને પરંપરાનો વિવાદ હવે ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.
વિવાદ બાદ કૃતિએ મહિલાઓના કપડાં, પિતૃસત્તા જેવા મુદ્દાઓને લઈને પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ્સ શેર કરી હતી. ત્યારબાદ તેણે કપડાંને જાતીય હિંસા માટે જવાબદાર ઠેરવવાની માનસિકતા પર સવાલ ઉઠાવતી એક પોસ્ટ પણ શેર કરી હતી. જોકે આ પોસ્ટ્સમાં તેણે સીધી રીતે જીવાની જાહેરાતનો ઉલ્લેખ કર્યો નહોતો.
આ વિવાદ વચ્ચે જીવાએ આખરે જાહેરાત તમામ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવી લીધી હતી. કંપનીએ ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને તહેવારો પ્રત્યે ઉચ્ચ સન્માન અને ઊંડો આદર હોવાની વાત કહી હતી. કંપનીએ સ્પષ્ટતા કરી હતી કે કોઈની લાગણી દુભાવવાનો તેનો ઈરાદો નહોતો અને જો જાહેરાતથી સમાજના કેટલાક વર્ગોની લાગણી દુભાઈ હોય તો તેના સન્માનમાં એડ પાછી ખેંચવામાં આવી છે.