નવી દિલ્હીઃ ગત સપ્ટેમ્બર મહિનામાં દેશમાં પેસેન્જર વાહનોનું રિટેલ વેચાણ વર્ષાનુવર્ષ ધોરણે 32.1 ટકા વધીને 4,27,213 યુનિટની સપાટીએ રહ્યું હતું. તેમ જ ઑટોમોબાઈલનું કુલ વેચાણ પણ 31.82 ટકા વધીને 25,36,920 યુનિટની સપાટીએ રહ્યું હોવાનું ફેડરેશન ઑફ ઈન્ડિયન ઑટોમોબાઈલ ડિલર્સ (ફાડા)એ તાજેતરની આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.
ફેડરેશનનાં જણાવ્યાનુસાર ગત સપ્ટેમ્બર મહિનામાં દ્વીચક્રી વાહનોની માગ વર્ષાનુવર્ષ ધોરણે 33.08 ટકા વધીને 17,90,188 યુનિટ (13,45,153 યુનિટ)ની સપાટીએ રહી હતી, જ્યારે ત્રિચક્રી વાહનોની માગ 22.25 ટકા વધીને 1,32,570 યુનિટ (1,08,444 યુનિટ)ની સપાટીએ રહી હતી. તેમ જ વેપારી વાહનોનું રિટેલ વેચાણ પણ 37.62 ટકા વધીને 1,03,557 યુનિટનાં સ્તરે રહ્યું હોવાનું યાદીમાં ઉમેર્યું હતું.
ભારતીય ઑટોમોબાઈલ રિટેલ ક્ષેત્રે ગત સપ્ટેમ્બર મહિનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ મહિનો રહ્યો છે અને ઉદ્યોગે રિટેલ વેચાણ વર્ષાનુવર્ષ ધોરણે 31.82 ટકાની વૃદ્ધિ સાથે 25,36,920 યુનિટનું થયું છે. જોકે, ગત સાલ બાવીસમી સપ્ટેમ્બરનાં રોજ જીએસટીના દરમાં ઘટાડો થવા પૂર્વે ખરીદદારોએ ખરીદી મુલતવી રાખી હોવાથી અમુક અંશે ગત સાલના નીચા બેઝની અસર પણ જોવા મળી હોવાનું ફાડાના પ્રમુખ સાઈ ગિરધરે જણાવ્યું હતું.
ફાડા દ્વારા વર્ગિકૃત કરવામાં આવેલી છ શ્રેણી પૈકી પાંચમાં સપ્ટેમ્બર મહિનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ રહેવાની સાથે કોઈપણ નાણાકીય વર્ષનાં પહેલા છ માસિક સમયગાળાની દૃષ્ટિએ પણ શ્રેષ્ઠ રહેતાં 20.77 ટકાની વૃદ્ધિ સાથે વેચાણ 1,55,12,319 યુનિટનું થયું હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે ઑગસ્ટના રિટેલ વેચાણની સરખામણીમાં 4.69 ટકાનો વધારો થયો હતો અને ગત સપ્ટેમ્બર મહિનાના નીચા બેઝનાં અસામાન્ય આંકડાઓ એક તરફ રાખીએ તો પણ નાણાકીય વર્ષનાં પ્રથમ પાંચ મહિનામાં વેચાણમાં લગભગ 17 ટકા વૃદ્ધિદર જોવા મળ્યો છે.
ફેડરેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્ટેમ્બરમાં શહેર અને ગ્રામીણ વિસ્તારમાં અનુક્રમે 32.11 ટકા અને 32.09 ટકાની વૃદ્ધિ સાથે શ્રેષ્ઠ વેચાણ પુરવાર થયું છે. વધુમાં ગત ઑગસ્ટ મહિનામાં વૈકલ્પિક ઈંધણ ધરાવતા વાહનોનું વેચાણ પેટ્રોલ કરતાં વધી ગયા બાદ સપ્ટેમ્બર મહિનામાં રસાકસી તીવ્ર બનતાં વૈકલ્પિક ઈંધણનાં વાહનોનાં 41 ટકા વેચાણ (23.11 ટકા સીએનજી, 9.44 ટકા હાઈબ્રિડ અને 8.45 ટકા ઈલેક્ટ્રિક) સામે પેટ્રોલ વાહનોનું વેચાણ 41.27 ટકા રહ્યું હતું. આમ ઑગસ્ટ મહિનો પરિવર્તનનો મહિનો ગણી શકાય, પરંતુ નિર્ણાયક નહીં કેમ કે સપ્ટેમ્બર મહિનામાં પેટ્રોલ અને વૈકલ્પિક ઈંધણ અસરકારક રીતે સમાનતા પર રહ્યા છે.
તાજેતરમાં વાહનોના વેચાણમાં જોવા મળેલી વૃદ્ધિ મુખ્યત્વે ગત સાલનાં જીએસટી 2.0નાં સુધારાને આભારી છે. જોકે, તાજેતરમાં કંપનીઓ દ્વારા વધારવામાં આવેલા ભાવને કારણે ગ્રાહકોની પોસાણક્ષમતા પર માઠી અસર પડી હોવાથી આગામી ત્રિમાસિકગાળા દરમિયાનની માગ સામે જોખમ ઊભા થયા હોવાની ડિલરો ચિંતા વ્યક્ત કરી રહ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.