વોશંગ્ટનઃ ભારતીય મૂળના ફિલ્મ નિર્માતા અરાફાત શેખની અમેરિકામાં અટકાયત કરવામાં આવી છે. અમેરિકાના ડલ્લાસ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે પહોંચતાની સાથે યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ(આઇસીઇ)એ શેખની અટકાયત કરી હોવાના અહેવાલ છે. તેમની મુક્તિની માંગ કરતાં એક અભિયાન દ્વારા આ માહિતી બહાર આવી હતી.
ફ્રી અરાફત શેખ અભિયાન મારફત વર્જિનિયાના એલેક્ઝાન્ડ્રિયામાં રહેતા શેખની ૨૪ સપ્ટેમ્બરના રોજ આઇસીઇ દ્વારા અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
અભિયાનમાં દાવો કરવામાં આવ્યો છે કે શેખ જ્યોર્જિયા સ્ટેટ યુનિવર્સિટીમાં ફિલ્મનો અભ્યાસ કરવા માટે સ્ટુડન્ટ વિઝા પર અમેરિકામાં છે અને તેમની ઇમિગ્રેશન અરજી હજુ પણ પેન્ડિંગ છે.
આ ઓનલાઇન અભિયાનમાં દાવો કરવામાં આવ્યો છે કે વિમાનમાંથી ઉતરતાની સાથે જ શેખની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે શેખ તેમના ઇમિગ્રેશન ડોક્યુમેન્ટ્સ બતાવી રહ્યા હતા ત્યારે આઇસીઇના એજન્ટોએ તેમને કસ્ટડીમાં લીધા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે આઇસીઇ ફેડરલ ઇમિગ્રેશન કાયદાઓ લાગુ કરતી અમેરિકન એજન્સી છે. આ એજન્સી ઇમિગ્રેશન ઉલ્લંઘનની શંકાના આધારે અથવા ઇમિગ્રેશન સ્ટેટસ અથવા અરજીઓની સમીક્ષા કરવા દરમિયાન પ્રવાસીઓની અટકાયત કરી શકે છે.