Wed Oct 07 2026

Logo

MPSC પરીક્ષાનો વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અસામાજિક તત્વો નથીઃ બોમ્બે હાઈ કોર્ટની કરી મહત્ત્વની ટિપ્પણી

2026-10-07 21:38:59
Author: Mumbai Samachar Team
MPSC પરીક્ષાનો વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અસામાજિક તત્વો નથીઃ બોમ્બે હાઈ કોર્ટની કરી મહત્ત્વની ટિપ્પણી

મુંબઈઃ મુંબઈમાં બોમ્બે હાઈ કોર્ટે MPSC પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ સામે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓના સમર્થનમાં મહત્ત્વની ટકોર કરી હતી. અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અસામાજિક તત્વો નથી, પરંતુ તેમને પોતાની માંગણીઓ માટે આંદોલન કરવાનો હક છે. સાથે જ, કોર્ટે રાજ્ય સરકારને તાકીદ કરી છે કે સરકારી ભરતી પરીક્ષાઓ સંપૂર્ણપણે નિષ્પક્ષ અને ન્યાયી હોવી જોઈએ જેથી યુવાનોનો વિશ્વાસ જળવાઈ રહે.

બોમ્બે હાઈ કોર્ટે જણાવ્યું હતું કે એમપીએસસી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ સામે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અસામાજિક તત્વો નથી, અને ભારપૂર્વક કહ્યું હતું કે જાહેર ભરતી પરીક્ષાઓ નિષ્પક્ષ રીતે યોજાય તે સુનિશ્ચિત કરવાની રાજ્ય સરકારની જવાબદારી છે. મુખ્ય ન્યાયાધીશ મહેશ ચંદ્ર ત્રિપાઠી અને ન્યાયામૂર્તિ અદ્વૈત સેઠનાની ખંડપીઠે નોંધ્યું હતું કે સરકારે ખાતરી આપવી પડશે કે પરીક્ષાઓ "નિષ્પક્ષ, ન્યાયી અને કોઈ પણ ગેરરીતિ વિના" થશે.

મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (એમપીએસસી)ની પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ અને પરીક્ષાને લગતા વિવાદોને લઈને પુણેમાં વિદ્યાર્થીઓ અને અન્ય લોકો દ્વારા કરવામાં આવી રહેલા આંદોલનો સામે ત્યાંના રહેવાસીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર કોર્ટ સુનાવણી કરી રહી હતી. 

બેન્ચે કહ્યું કે, સરકારે આવી પરીક્ષાઓમાં લોકોનો, અને ખાસ કરીને વિદ્યાર્થીઓનો વિશ્વાસ મેળવવા માટે નિષ્ઠાપૂર્વકના પ્રયાસો સુનિશ્ચિત કરવા પડશે. તેણે વધુમાં કહ્યું કે, નારાજ વિદ્યાર્થીઓને આંદોલન કરવાનો અધિકાર છે.

આંદોલનકારીઓ સામે કોઈ કેસ દાખલ ન કરવાના સરકારના નિર્ણયની સરાહના કરતા અદાલતે કહ્યું, "આંદોલનકારીઓ વિદ્યાર્થીઓ છે. તેઓ કોઈ અસામાજિક તત્વો નથી." જોકે, અદાલતે વિદ્યાર્થીઓને તેમના શિક્ષણ અને અભ્યાસ તરફ ધ્યાન આપવા પણ કહ્યું, કારણ કે હવે અદાલતે આ મામલો હાથ પર લીધો છે. તેણે વિદ્યાર્થીઓને તેમના પરિવારોની મુશ્કેલીનો વિચાર કરવા અને તેમની કોલેજોમાં પાછા ફરવા વિનંતી કરી હતી.

બેન્ચે સરકારને ત્રણ અઠવાડિયાની અંદર આગળની યોજના અને અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. બેન્ચ આ મામલાની આગળની સુનાવણી ૨૫ નવેમ્બરે કરશે.
(પીટીઆઈ)