Wed Oct 07 2026

Logo

કાળા સમુદ્રમાં રશિયન હુમલામાં બચેલા ત્રણ ભારતીયની તબિયત સ્થિર, દૂતાવાસે આપી મદદની ખાતરી

London   2026-10-07 20:57:16
Author: Mumbai Samachar Team
કાળા સમુદ્રમાં રશિયન હુમલામાં બચેલા ત્રણ ભારતીયની તબિયત સ્થિર, દૂતાવાસે આપી મદદની ખાતરી

લંડનઃ કાળા સમુદ્રમાં રશિયાના ડ્રોન હુમલાનો ભોગ બનેલા તુર્કીયેના માલવાહક જહાજ 'એમવી રોયાદ મમાદોવ' પરથી બચાવી લેવાયેલા ત્રણ ભારતીય નાગરિકોની તબિયત હાલ સ્થિર છે. દૂતાવાસે તેમને તમામ પ્રકારની સહાય પૂરી પાડીને સુરક્ષિત રીતે ભારત પરત લાવવાની સંપૂર્ણ ખાતરી આપી છે.

કાળા સમુદ્રમાં રશિયાના ડ્રોન હુમલા બાદ તુર્કીયેના માલવાહક જહાજમાંથી બચાવવામાં આવેલા ત્રણ ભારતીય નાગરિકોની હાલત સ્થિર છે. તેમને રોમાનિયાથી સુરક્ષિત અને વહેલાસર રવાના કરવા માટે તમામ જરૂરી મદદ કરવાની ખાતરી આપવામાં આવી હોવાનું ભારતીય મિશને જણાવ્યું હતું.

રોમાનિયામાં ભારતીય દૂતાવાસના એક પ્રતિનિધિએ મંગળવારે જહાજમાંથી જીવિત બચેલા ત્રણ ભારતીય સાથે મુલાકાત કરી હતી. દૂતાવાસે જણાવ્યું કે તેમાંથી બે નાગરિકો એક હોટલમાં રોકાયા છે. જ્યારે ત્રીજા વ્યક્તિની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

મિશને સોશિયલ મીડિયા પર જણાવ્યું કે ત્રણેયની હાલત સ્થિર છે. આ ત્રણેય ભારતીય નાગરિકોને સોમવારે બચાવી લેવામાં આવ્યા હતા. મિશને કહ્યું કે દૂતાવાસે તેમને રોમાનિયાથી સુરક્ષિત અને વહેલાસર વાપસી માટે તમામ જરૂરી મદદ અને સમર્થન આપવાની ખાતરી આપી છે.

દૂતાવાસે જણાવ્યું કે પ્રતિનિધિ વધુ મદદ માટે સ્થાનિક પોલીસ અધિકારીઓ, શિપિંગ કંપનીના એજન્ટ અને ઘાયલ ભારતીયની સારવાર કરી રહેલા તબીબોને પણ મળ્યા હતા. અત્રે નોંધનીય છે કે આ અઠવાડિયાની શરૂઆતમાં કાળા સમુદ્રમાં એમવી રોયાદ મમાદોવ જહાજ પર હુમલો થયો હતો, જેમાં બે વિદેશી ખલાસીઓના મોત નીપજ્યા હતા. જ્યારે કેટલાક ક્રૂ સભ્યો ઘાયલ થયા હતા. જો કે હુમલામાં મોતને ભેટેલા લોકોની રાષ્ટ્રીયતા અંગે તત્કાલ વિગતો મળી શકી નથી. રશિયા-યુક્રેન સંઘર્ષ વચ્ચે કાળો સમુદ્ર અશાંતિનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે.