નવી દિલ્હીઃ આગામી તહેવારોની મોસમમાં જાહેર સ્વાસ્થ્ય સુરક્ષાને ધ્યાનમાં લેતા ખાદ્ય ચીજોનાં નિયામક ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ ઑથોરિટી ઑફ ઈન્ડિયા (એફએસએસએઆઈ)એ રાજ્યોને ખાદ્ય ચીજોમાં થતી ભેળસેળ અને બનવાટી નકલી ખાદ્યપદાર્થોનાં વેચાણને રોકવા માટે રાજ્યોને દેખરેખ રાખવાનો આદેશ આપ્યો છે.
તમામ રાજ્યોનાં એફએસએસએઆઈના ખાદ્ય કમિશનરોને ગત 29મી સપ્ટેમ્બરના રોજ મોકલવામાં આવેલી સલાહકારી સૂચનાઓમાં સંવેદનશીલ સ્થળો પર ધ્યાન કેન્દ્રિત કરવાની આવશ્યકતા પર ભાર મૂકવામાં આવતા નિયમનકારે જણાવ્યું હતું કે આગામી નવરાત્રી અને દિવાળીનાં તહેવારોની શરૂઆત સાથે જ મીઠાઈઓ, ફરસાણ (નાસ્તા), પીણાં, ખાદ્યતેલ, દૂધ અને દૂધની બનાવટો તેમ જ અન્ય ખાદ્ય ચીજોની માગમાં વધારો થતો હોય છે.
આમ અપેક્ષિત માગ વૃદ્ધિને ધ્યાનમાં લેતા ભેળસેળયુક્ત, નકલી અને અસુરક્ષિત ખાદ્ય ઉત્પાદનો જેમ કે દૂધ અને દૂધની બનાવટો, મીઠાઈઓ, નાસ્તા અને ફરસાણ (નમકીન, પાપડ/ફ્રાયમ્સસ ખાદ્ય તેલ પીણાં અને ઘીનાં પ્રસારને રોકાવા માટે સઘન દેખરેખ અને કડક અમલીકરણની કાર્યવાહી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
જાહેર સ્વાસ્થ્ય સુરક્ષા માટે એફએસએસએઆઈએ રાજ્યોનાં કમિશનરોને તહેવારોના સમયગાળામાં તેમના સંબંધિત વિસ્તારોમાં દેખરેખ, તપાસ અને નમૂનાઓ લેવાની કામગીરી કરવા જણાવતા ઉમેર્યું હતું કે એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે જ્યાં પણ `ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ' ઉપલબ્ધ હોય તેનો વ્યૂહાત્મક રીતે મુખ્ય બજારોમાં અને /અથવા ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે ઉપયોગ કરવામાં આવે. આનાથી સ્થળ પર જ પરીક્ષણની સુવિધા ઉપલબ્ધ થશે, સતર્કતા વધશે, જાગૃતિ ફેલાશે અને તહેવારોની મોસમમાં સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય ઉત્પાદનોની ખાતરી આપીને ગ્રાહકોનો વિશ્વાસ વધારી શકાશે.
નોંધનીય બાબત એ છે કે નિયમનકારે છેલ્લાં છ મહિનામાં ખાદ્ય વ્યવસાયના સંચાલકો અને ઈ-કોમર્સ કંપનીઓ સામે વધુમાં નિયમનકારે ખાદ્ય વ્યવસાયના સંચાલકો અને ઈ-કોમર્સ કંપનીઓ સામે કાયદાકીય જોગવાઈઓનાં કડક અમલીકરણની કાર્યવાહીમાં નોંધપાત્ર વધારો કર્યો છે.