અમરેલીઃ સૌરાષ્ટ્રના દિગ્ગજ પાટીદાર નેતાનું નિધન થયું છે. તેમણે ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીને હરાવ્યા હતા. અમરેલીના પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુમ્મરનું 67 વર્ષની વયે નિધન થયું હતું. તેઓ કેન્સરની બીમારીથી પીડાતા હતા.
વિરજીભાઈ ઠુમ્મર ગુજરાત અને વિશેષ કરીને સૌરાષ્ટ્રના રાજકારણમાં પાટીદાર સમાજના એક પ્રભાવશાળી અને લડાયક આગેવાન તરીકે જાણીતા હતા. સામાન્ય પ્રજા, સહકારી માળખું અને ધરતીપુત્રોના પક્ષે અડીખમ ઊભા રહેનાર નેતા તરીકે તેમણે આગવી ઓળખ સ્થાપિત કરી હતી. સહકારી ક્ષેત્રના સુધારા હોય કે ખેડૂતોના હિતોનું રક્ષણ, તેમણે ગુજરાત વિધાનસભાથી લઈને છેક દિલ્હીની સંસદ સુધી પ્રજાના પ્રશ્નોને મજબૂતીથી વાચા આપી હતી.
તેમની રાજકીય સક્રિયતામાં સૌથી મહત્વનું પાસું તેમનું ધારદાર વક્તૃત્વ અને નીડર નિવેદનો રહ્યા હતા. સિંચાઈના પાણી, વીજળી, પાક વીમો અને પોષણક્ષમ ભાવો જેવા પાયાના ખેડૂત પ્રશ્નો માટે તેઓ સરકાર સામે સતત આંદોલનાત્મક વલણ ધરાવતા હતા. વિપક્ષના સક્ષમ નેતા તરીકે તેમણે શાસક પક્ષ ભાજપની નીતિઓ, વહીવટી ખામીઓ અને પ્રજાલક્ષી મુદ્દાઓ પર હંમેશા તીખા અને તાર્કિક પ્રહારો કરી સત્તાપક્ષને ભીંસમાં રાખ્યો હતો.
વિરજીભાઈ ઠુમ્મરની રાજકીય કારકિર્દી
ધારાસભ્યથી લઈને સંસદસભ્ય સુધીની તેમની સફર સંસદીય કામગીરી અને લોકપ્રતિનિધિત્વથી ભરેલી રહી હતી. વર્ષ 1990થી 1998 સુધી સતત ગુજરાત વિધાનસભાના સભ્ય (ધારાસભ્ય) તરીકે ચૂંટાઈને આવ્યા હતા અને પ્રજાના પ્રશ્નોનું વિધાનસભાના ફ્લોર પર સફળ નેતૃત્વ કર્યું હતું. 1990થી 1995 દરમિયાન વિધાનસભાની અત્યંત મહત્વની એવી 'સરકારી ખાતરીઓ અંગેની સમિતિ' તેમજ જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. 1995થી 1998 દરમિયાન ગુજરાત વિધાનસભાની જાહેર ઉપક્રમ સમિતિના અધ્યક્ષ તરીકે રાજ્યના સરકારી સાહસોની નાણાકીય શિસ્ત અને કામગીરી પર દેખરેખ રાખી હતી.વર્ષ 2004માં યોજાયેલી 14મી લોકસભાની ચૂંટણીમાં તેઓ અમરેલી લોકસભા બેઠક પરથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સાંસદ તરીકે ચૂંટાઈને દિલ્હી સંસદમાં પહોંચ્યા હતા હતા.
વિરજીભાઈ ઠુમ્મરના લોકસેવા અને રાજકારણના વારસાને તેમની પુત્રી જેની ઠુમ્મર આગળ ધપાવી રહ્યા છે. તેમણે સંગઠન સ્તરે સક્રિય રહીને ગુજરાત પ્રદેશ મહિલા કૉંગ્રેસના પ્રમુખ તરીકે મહત્વની જવાબદારી સંભાળી છે અને મહિલા કાર્યકરોને સંગઠિત કર્યા છે. પિતાના રાજકીય ગઢ ગણાતા અમરેલી ક્ષેત્રમાં લોકપ્રિયતા મેળવી તેઓ વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં અમરેલી બેઠક પરથી કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઊતર્યા હતા. જોકે ભરત સુતરિયા સામે તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો.
अमरेली के पूर्व सांसद एवं कोंग्रेस के वरिष्ठ नेता श्री विरजीभाई ठुम्मर जी के निधन का समाचार अत्यंत दुःखद और आघातजनक है। सार्वजनिक जीवन में लंबे समय तक लोगों के मुद्दों को मजबूती से आवाज़ देने वाले विरजीभाई का निधन पूरे गुजरात और कोंग्रेस परिवार के लिए एक बड़ी क्षति है। उनकी सादगी, सेवाभाव और जनसेवा के प्रति अटूट निष्ठा सदैव स्मरणीय रहेगी। ईश्वर दिवंगत आत्मा को परम शांति प्रदान करें और शोकाकुल परिवारजनों, स्नेहजनों तथा असंख्य समर्थकों को इस अपार दुःख को सहन करने की शक्ति प्रदान करें। भावपूर्ण श्रद्धांजलि। ॐ शांति।
— Amit Chavda (@AmitChavdaINC) October 7, 2026