Wed Oct 07 2026

Logo

રિઝર્વ બૅન્કના નીતિવિષયક નિર્ણય પશ્ચાત ડૉલર સામે રૂપિયો 40 પૈસા ખાબક્યો

2026-10-07 20:38:39
Author: Ramesh Gohil
રિઝર્વ બૅન્કના નીતિવિષયક નિર્ણય પશ્ચાત ડૉલર સામે રૂપિયો 40 પૈસા ખાબક્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ આજે ત્રણ દિવસીય નાણાનીતિની સમીક્ષાની બેઠકના અંતે સાઈક્લિકલ ધોરણે ફુગાવામાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં લેતા વ્યાજદર 25 બેસિસ પૉઈન્ટ વધારીને 5.5 ટકા કરવાની સાથે નીતિવિષિયક વલણ જે તટસ્થ હતું તે ક્રમશ કડક નાણાનીતિ અપનાવતા સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે 40 પૈસા ખાબકીને 96.375ની સપાટીએ બંધ રહ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું. 

આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 96.35ના બંધ સામે સાધારણ નરમાઈ સાથે 96.37ની સપાટીએ ખૂલ્યા બાદ ઉપરમાં 96.34 સુધી મજબૂત થયો હતો, પરંતુ રિઝર્વ બૅન્કનાં નીતિવિષયક નિર્ણયની જાહેરાત પશ્ચાત્‌‍ નીચામાં 96.84 સુધી ગબડીને અંતે ગઈકાલના બંધ સામે 40 પૈસાના કડાકા સાથે 96.75નાં મથાળે બંધ રહ્યો હતો. 

એકંદરે આજે રિઝર્વ બૅન્કે ફુગાવામાં વધારાની ચિંતા વ્યક્ત કરવાની સાથે કડક નાણાનીતિ અપનાવવાની સાથે એશિયન બજારમાં રૂપિયાએ બીજો સૌથી મોટો ઘટાડો નોંધાવ્યો હતો. વધુમાં આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડ તેલના ભાવમાં પણ ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હોવાથી ફુગાવાલક્ષી દબાણ વધવાથી રૂપિયામાં ઘટાડો વેગીલો બન્યો હોવાનું એચડીએફસી સિક્યોરિટીઝનાં રિસર્ચ એનાલિસ્ટ દિલીપ પરમારે જણાવતાં ઉમેર્યું હતું કે હવે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં 96.97ની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી અને 96.30ની સપાટી ટેકાની સપાટી પુરવાર થાય તેવી શક્યતા જણાય છે. 

આજે રિઝર્વ બૅન્કે બૅન્ચમાર્ક નીતિવિષયક દર ફેબ્રુઆરી, 2023 પછી પહેલી વખત 25 બેસિસ પૉઈન્ટ વધારીને 5.50 ટકા કર્યા હતા અને પશ્ચિમ એશિયાની કટોકટીને ધ્યાનમાં લેતા ફુગાવામાં વધારાની શક્યતાને ધ્યાનમાં લેતા નીતિવિષયક વલણ પણ બદલ્યું હતું. 

દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.45 ટકા વધીને 102.28 આસપાસ અને બે્રન્ટ ક્રૂડ તેલના વાયદામાં ભાવ 1.34 ટકા વધીને બેરલદીઠ 101.93 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી અનુક્રમે 429.11 પૉઈન્ટ અને 173.05 પૉઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યા હોવાથી તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 2961.30 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી ગબડતા રૂપિયાને વધુ ઢાળ મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.