Wed Oct 07 2026

Logo

બેસ્ટનું ૧,૩૧૭.૫૦  કરોડની ખાધ સાથેનું બજેટ બસની સંખ્યા વધારવા અને આધુનિકીકરણ પણ ભાર આપવામાં આવશે

2026-10-07 22:56:21
Author: Sapna Desai
બેસ્ટનું ૧,૩૧૭.૫૦  કરોડની ખાધ સાથેનું બજેટ બસની સંખ્યા વધારવા અને આધુનિકીકરણ પણ ભાર આપવામાં આવશે

AI


(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ) ઉપક્રમે બુધવારે નાણાકીય વર્ષ ૨૦૨૭-૨૮ માટેના તેનું ૧,૩૧૭.૫૦ કરોડ રૂપિયાની ખાધ અને  ૬૪૭.૭૯ કરોડ રૂપિયાના  મૂડી ખર્ચની જોગવાઈ સાથેનું બજેટ બહાર પાડ્યું હતું. બેસ્ટના ટ્રાન્સપોર્ટ વિભાગમાં વધી રહેલા ખર્ચ અને તેને કારણે નિર્માણ થનારી ખાધ પ્રશાસન માટે ચિંતાનો વિષય બની ગયો છે.  મુંબઈમાં લગભગ ૧૦ લાખ ઘરોને વીજળી પૂરી પાડનારી દરરોજ લગભગ ૨૫ લાખ મુંબઈગરા માટે રસ્તે બસ દોડાવનાર બેસ્ટ ઉપક્રમે  આગામી નાણાકીય વર્ષના બજેટમાં પોતાના બસ કાફલામાં બસની સંખ્યામાં વધારો અને આધુનિકીકરણ તેમજ પ્રવાસીઓને આપવામાં આવતી સેવાઓમાં સુધારો કરવા માટે અનેક પગલાં સૂચવ્યાં છે.

બેસ્ટના જનરલ મેનેજરનો એડિશનલ ચાર્જ સંભાળતા પાલિકાના એડિશનલ કમિશનર (સિટી) પ્રાજક્તા વર્માએ બેસ્ટ ઉપક્રમની બેસ્ટ સમિતિ સમક્ષ બજેટ રજૂ કર્યું હતું, જેમાં  ૯,૮૭૬.૫૬ કરોડના ખર્ચ સામે  ૮,૫૫૯.૦૬ કરોડની અંદાજિત આવક દર્શાવવામાં આવી છે.  આવક અને ખર્ચામાં રહેલા તફાવતને કારણે બેસ્ટને ૧,૩૧૭.૫૦ કરોડ રૂપિયાની ખાધ સહન કરવી પડવાની છે. કેપિટલ એક્સપેન્ડિચર માટે ૬૪૭.૭૯ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીમાં બેસ્ટ પાસે ૨,૮૩૪ બસોનો કાફલો હતો. બેસ્ટ ઉપક્રમે તબક્કાવાર રીતે બસોના કાફલાને વધારીને ૪,૦૧૬ બસો અને અંતે ૧૦,૦૦૦ બસો સુધી લઈ જવાનો પ્રસ્તાવ મૂક્યો છે. બજેટમાં અદ્યતન બસ ડ્રાઇવિંગ સિમ્યુલેટર્સનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જેનો ઉદ્દેશ્ય જોખમની સમજ, હવામાનને અનુરૂપ વાહન ચલાવવાની ક્ષમતા અને ઈંધણ-કાર્યક્ષમ ડ્રાઇવિંગમાં સુધારો કરવાનો છે. આ પગલાં બેસ્ટ બસો સાથે સંકળાયેલા જીવલેણ અકસ્માતોની શ્રેણી બાદ અકસ્માતો ઘટાડવાના હેતુથી લેવામાં આવી રહ્યા છે.

બજેટમાં રહેલા પ્રસ્તાવ બેસ્ટના વીજળી પુરવઠા વિભાગમાં વધારો (સરપ્લસ) નોંધાવાની ધારણા છે, જ્યારે પરિવહન વિભાગમાં ખાધ રહેવાની અપેક્ષા છે. બજેટ દસ્તાવેજ મુજબ વીજ પુરવઠા વિભાગને  ૨૦૧.૨૧ કરોડ રૂપિયાનો સરપ્લસ થવાનો અંદાજ છે, જેની આવક  ૫,૦૦૭.૫૧ કરોડ રૂપિયા છે, જ્યારે પરિવહન વિભાગને ૩,૫૫૧.૫૫ કરોડ રૂપિયાની આવક અને  ૫,૦૭૦.૨૬ કરોડ રૂપિયાનો ખર્ચ સાથે ૧,૫૧૮.૭૧ કરોડ રૂપિયાની ખાધ થવાની ધારણા છે. બજેટ અંદાજમાં ૨૦૨૭-૨૮ માટે  ૬૪૭.૭૯ કરોડ રૂપિયાના મૂડી ખર્ચની પણ જોગવાઈ છે.

બજેટમાં ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ ચાલુ રાખવાનો પણ પ્રસ્તાવ છે, જેમાં રીઅલ-ટાઇમ બસ ટ્રેકિંગ, અપગ્રેડેડ પેસેન્જર ઇન્ફર્મેશન અને ઑટોમેટિક વ્હીકલ લોકેશન સિસ્ટમ્સ, મોબાઇલ-આધારિત ટિકિટિંગ, રૂટ અને શેડ્યૂલ મેનેજમેન્ટ અને સેન્ટ્રલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનો સમાવેશ થાય છે. પ્રવાસીઓની માગણી, રૂટ પર રહેલી ભીડ અને ઉપલબ્ધ ડેટાને આધારે બસ સર્વિસનું આયોજન કરવામાં આવશે. 

મુંબઈમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે બેસ્ટ ઉપક્રમે હેરિટેજ અને હોપ-ઓન હોપ-ઓફ ટૂરિસ્ટ સેવાઓ માટે ઓપન-ટોપ ડબલ-ડેકર બસો રજૂ કરવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. આ બસ સેવા દ્વારા મુંબઈના ઐતિહાસિક અને હેરિટેજ પર્યટન સ્થળોને જોવાની સુવિધા ઉપલબ્ધ થશે.

બસની સંખ્યામાં વધારો કરાશે
બેસ્ટના કાફલામાં સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધીમાં ૨,૮૩૪ બસ ગાડીઓ હતી.  ફ્લીટ વિસ્તરણ પ્રસ્તાવ હેઠળ આગામી સમયમાં બસની સંખ્યા ૪,૦૧૬ અને તબક્કાવાર ૧૦,૦૦૦ સુધી કરવાની છે. જે અંતર્ગત  કેન્દ્રની પીએમ-ઈડ્રાઈવ સ્કીમ દ્વારા ૧,૫૦૦ મીડી બસો હસ્તગત કરવામાં આવશે, જ્યારે ૨૦૦ મીડી સીએનજી બસો માટે ટેન્ડર આમંત્રિત કરવામાં આવ્યા છે.

મોબાઈલ ઍપ ટિકિટિંગની સુવિધા
પ્રવાસીઓને બસની ટિકિટ માટે  કંડકડરની રાહ જોવાને બદલે ડિજિટલ ટિકિટિંગ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની છે. બેસ્ટ ઉપક્રમ ઓએનડીસી નેટવર્ક દ્વારા ક્યૂઆર-કોડ-આધારિત મોબાઈલ ટિકિટિંગ સિસ્ટમને ઓએનડીસી પ્લેટફોર્મ પર ૨૧,એપ્રિલ ૨૦૨૬માં લોન્ચ કર્યું હતું. પ્રવાસીઓ હાલમાં બેસ્ટની બસની ટિકિટ ‘વન ટિકિટ’ મોબાઈલ ઍપ પરથી ખરીદી શકે છે. હવે બેસ્ટ ઉપક્રમ આગામી સમયમાં બસની ટિકિટને ચાર્ટર, ફોનપે, પેટીએમ, વોટ્સએપ, રેડબસ, રેપિડો અને નમ્મા યાત્રી જેવા પ્લેટફોર્મ પર વિસ્તૃત કરવાની યોજના ધરાવે છે. 

ઍક્સિડન્ટ રોકવા ડ્રાઈવરોને તાલીમ અપાશે
બજેટમાં ઍક્સિડન્ટ  ઘટાડવાના ઉદ્દેશ્યથી ડ્રાઇવરોને જોખમની ધારણા, મુશ્કેલ હવામાન પરિસ્થિતિઓ અને ઇંધણ-કાર્યક્ષમ ડ્રાઇવિંગમાં તાલીમ આપવા માટે દિંડોશી તાલીમ કેન્દ્રમાં અદ્યતન બસ ડ્રાઇવિંગ સિમ્યુલેટર સ્થાપિત કરવાનો પ્રસ્તાવ છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ખાસ કરીને ખાનગી ઓપરેટરો પાસેથી ભાડે લેવામાં આવેલી બેસ્ટ બસોએ કેટલાક ગંભીર જીવલેણ અકસ્માતો જોયા છે.

વીજ પુરવઠાનું આધુનિકીકરણ
વીજળી પુરવઠા વિભાગને વધુ સધ્ધર બનાવવા  બેસ્ટે તેના વિતરણ નેટવર્કને મજબૂત બનાવવા, ટ્રાન્સફોર્મર અને કેબલ બદલવા અને અદ્યતન વિતરણ વ્યવસ્થાપન અને આઈટી/ઓટી સિસ્ટમ્સ લાગુ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. બજેટમાં  સાયબર ધમકીઓ અને નબળાઈઓનું નિરીક્ષણ કરવા માટે એક સુરક્ષા કામગીરી કેન્દ્ર સ્થાપવાનો પણ પ્રસ્તાવ છે, ત્યારબાદ આઈએસઓ ૨૭૦૦૧ પ્રમાણપત્ર મેળવવા તરફ પગલાં લેવામાં આવશે.