Wed Oct 07 2026

Logo

આકાશવાણી ભવનમાં પ્રવેશ મામલે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સામે FIR નોંધાઈ

2026-10-07 11:34:15
Author: Vimal Prajapati
આકાશવાણી ભવનમાં પ્રવેશ મામલે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સામે FIR નોંધાઈ

નવી દિલ્હીઃ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હી પોલીસે લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા વિરુદ્ધ એફઆઈઆર (FIR) નોંધી છે. વિપક્ષી નેતાઓ પર પરવાનગી વગર આકાશવાણી ભવન પરિસરમાં બળજબરીપૂર્વક પ્રવેશ કરવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે.

ચૂંટણી પંચ સામે વિપક્ષનો માર્ચ અને વાતાવરણ ગરમાયું

વિગતે વાત કરવામાં આવે તો, SIR ના વિરોધમાં અને મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે 'ઈન્ડિયા' ગઠબંધન દ્વારા ચૂંટણી પંચ કાર્યાલય તરફ વિરોધ માર્ચ કાઢવામાં આવી હતી. સુરક્ષાદળો દ્વારા બેરિકેડિંગ કરીને રોકવામાં આવતા રાહુલ ગાંધી અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જી બેરિકેડ પર ચઢી ગયા હતા. ત્યારબાદ વિપક્ષી નેતાઓ આકાશવાણી ભવનના સંકુલમાં પ્રવેશીને એક વૃક્ષ નીચે ધરણા પર બેસી ગયા હતા.

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે સ્પષ્ટ કર્યું હતું કે, આકાશવાણી ભવન પરિસરમાં રાત્રિ રોકાણ કે પ્રદર્શનની મંજૂરી નથી. અનિચ્છનીય બનાવ ટાળવા માટે પોલીસે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સાંસદ દીપેન્દ્ર હુડ્ડા સહિતના નેતાઓની અટકાયત કરી હતી. જોકે, થોડા કલાકો બાદ તમામ નેતાઓને મુક્ત પણ કરી દેવામાં આવ્યાં હતા.

કોંગ્રેસ સાંસદ ઈમરાન મસૂદનો પલટવાર

એફઆઈઆર દાખલ થવા અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ સાંસદ ઈમરાન મસૂદે આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી દેશના વિપક્ષના નેતા અને સાંસદ છે. તેઓ કોઈ જગ્યાએ ગેરકાયદેસર રીતે ઘૂસ્યા નથી. આવી પોલીસ કાર્યવાહીથી કોંગ્રેસ કે વિપક્ષ પાછળ નહીં હટે અને કાનૂની તેમજ રાજકીય સ્તરે અંત સુધી લડાઈ ચાલુ રાખશે.