ભુજ: આદ્યશક્તિની ઉપાસનાના મહાપર્વ આસો નવરાત્રિ નિમિત્તે કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ ખાતે મા આશાપુરાના દર્શનાર્થે ઊમટી રહેલા લાખો પદયાત્રીઓ તેમજ શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડાં ન થાય તે સુનિશ્ચિત કરવા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લાલ આંખ કરી છે. તંત્ર દ્વારા મંદિર પરિસર અને આસપાસના બજારોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરીને મીઠાઈ તથા પ્રસાદના 31 જેટલા શંકાસ્પદ ખાદ્ય નમૂનાઓ એકત્ર કરી પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.
વિગતો મુજબ, માતાના મઢ ખાતે દર્શને આવતા ભાવિકો મોટા પાયે સ્થાનિક પેઢીઓમાંથી માતાજીના નૈવેદ્ય અને પ્રસાદની ખરીદી કરી સ્વજનો માટે લઈ જતા હોય છે. શ્રદ્ધાળુઓને શુદ્ધ, સાત્વિક અને આરોગ્યપ્રદ આહાર મળી રહે તે ઉમદા હેતુથી ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (ભુજ-કચ્છ)ના ફૂડ સેફ્ટી ઓફિસર એસ. બી. પટેલ તેમજ એમ. એમ. પટેલની ટીમે માતાના મઢ મંદિર સંકુલ તેમજ મુખ્ય બજારમાં આવેલી પ્રસાદ અને ખાદ્યપદાર્થોની દુકાનોમાં સઘન તપાસ ઝુંબેશ ચલાવી હતી.
તપાસ દરમિયાન અધિકારીઓએ વેપારીઓને કડક સૂચના આપી હતી કે, તેઓ ગ્રાહકોને માત્ર ગુણવત્તાસભર, તાજો અને શુદ્ધ પ્રસાદ જ વેચે. સ્થળ પર અસ્વચ્છતા કે બિનઆરોગ્યપ્રદ સ્થિતિ જણાશે તો કાયદેસરના કડક પગલાં ભરવાની ચેતવણી આપવામાં આવી હતી. ટીમ દ્વારા વિવિધ દુકાનોમાંથી પેંડા, મિલ્ક કેક, સાકરિયા, રેવડી, પકવાન, ખાંડ/સાકર, સાટા તેમજ થાબડી પેંડા સહિત કુલ 31 જેટલા ખાદ્યપદાર્થોના સેમ્પલ સીલ કરી પૃથક્કરણ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ ભેળસેળ કે ક્ષતિ જણાશે તો સંબંધિત વેપારીઓ સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે.
આ ઉપરાંત, માતાના મઢ તરફ જતા ધોરીમાર્ગો પર વિવિધ સામાજિક સંસ્થાઓ અને સેવાભાવી મંડળો દ્વારા પદયાત્રીઓ માટે ચલાવવામાં આવતા વિનામૂલ્યે ભોજન અને અલ્પાહારના સેવા કેમ્પોની પણ ફૂડ સેફ્ટી ટીમે રૂબરૂ મુલાકાત લીધી હતી. કેમ્પોના સંચાલકોને રાંધણ પ્રક્રિયામાં સ્વચ્છતા જાળવવા, તાજા ખાદ્ય પદાર્થો અને પીવાના શુદ્ધ પાણીનો ઉપયોગ કરવા જરૂરી તકેદારી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
(ઉત્સવ વૈદ્ય)