Wed Oct 07 2026

Logo

અબડાસાના રાયધણજરમાં રોયલ્ટી કરતાં વધુ બેન્ટોનાઇટનો જથ્થો પકડાયો: ખાણ-ખનિજ તંત્ર દ્વારા ₹૫૧ લાખનો દંડ

2026-10-07 11:48:14
Author: Mumbai Samachar Team
અબડાસાના રાયધણજરમાં રોયલ્ટી કરતાં વધુ બેન્ટોનાઇટનો જથ્થો પકડાયો: ખાણ-ખનિજ તંત્ર દ્વારા ₹૫૧ લાખનો દંડ

Chat GPT Image


ભુજ: અબડાસા તાલુકાના રાયધણજર ગામે લીઝવાળા પ્લોટમાં નિયત રોયલ્ટી કરતાં વધુ પ્રમાણમાં ગેરકાયદે બેન્ટોનાઇટ ખનિજનો મોટો સંગ્રહ કરાયો હોવાનું બહાર આવતાં સ્થાનિક ગુનાશોધક શાખા અને ખાણ-ખનિજ વિભાગે સંયુક્ત કાર્યવાહી હાથ ધરીને લીઝ સંચાલક સામે રૂપિયા ૫૧,૦૮,૪૩૨નો આકરો દંડ ફટકાર્યો છે.

પશ્ચિમ કચ્છ એલસીબી કચેરી તરફથી જાહેર કરાયેલી સત્તાવાર વિગતો અનુસાર, એલસીબીની ટીમ અબડાસા પંથકમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે રાયધણજર ગામની સીમમાં આવેલી ખનિજ લીઝમાં કાયદેસરની મંજૂરી કરતાં વધુ ખનિજનો સ્ટોક એકત્ર કરી રાખવામાં આવ્યો છે. આ બાતમીના આધારે એલસીબીની ટીમે ખાણ-ખનિજ વિભાગના સ્ટાફને સાથે રાખી સ્થળ પર દરોડો પાડ્યો હતો.

સ્થળ પર હાજર અલી અસગર હાલેપોત્રાની હાજરીમાં ખનિજના અધિકૃત દસ્તાવેજો તેમજ ક્લોઝિંગ સ્ટોકની ઝીણવટભરી ચકાસણી હાથ ધરાઈ હતી. ભૌતિક માપણી અને દસ્તાવેજોના તાલે મેળવતાં માલૂમ પડ્યું હતું કે, ત્યાં કોઈ પણ પ્રકારના માન્ય પાસ કે પરમિટ વિના રોયલ્ટી કરતાં ૯,૫૯૫.૧૦ મેટ્રિક ટન જેટલો વધારાનો બેન્ટોનાઇટ ખનિજનો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હતો. ગેરકાયદે સંગ્રહ સાબિત થતાં ખાણ-ખનિજ વિભાગ દ્વારા નિયમોનુસાર કાયદેસર કાર્યવાહી હાથ ધરીને કુલ રૂપિયા ૫૧,૦૮,૪૩૨નો દંડ ફટકારવામાં આવ્યો હતો.

સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તેમજ પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા દ્વારા સરહદી જિલ્લામાં ગેરકાયદે ખનિજચોરી અને સંગ્રહખોરી અટકાવવા અપાયેલી સૂચનાના પગલે એલસીબી પીઆઈ એ.એમ. મકવાણાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.બી. જાદવ, એમ.એચ. શિણોલ, હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગઢવી અને પ્રવીન્દ્રસિંહ ચૌધરી સહિતના સ્ટાફે આ સફળ કામગીરી પાર પાડી હતી.

ઉત્સવ વૈદ્ય