અમદાવાદઃ ગુજરાતમાં નવરાત્રી નિમિત્તે ગરબાનું ભવ્ય આયોજન થાય છે. મોટા ગ્રાઉન્ડમાં હજારોની સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ઘુમે છે. સુરત, વડોદરા અને અમદાવાદના નવરાત્રી આયોજનો દેશભરમાં પ્રખ્યાત છે. જોકે આ આયોજનોમાં ખેલૈયાઓની સુરક્ષા માટે સરકારે ખાસ નિયમો બનાવ્યા છે, પરંતુ અહેવાલો અનુસાર નિયમોનું પાલન થઈ રહ્યું નથી.
મળતી માહિતી અનુસાર સુરત શહેરપોલીસ પાસે 23 જેટલા કોમર્શિયલ અને 4 ખુલ્લા મેદાન માટે પાસ વગરના આયોજનની અરજીઓ પહોંચી ચૂકી છે. પરંતુ ફાયર વિભાગ સમક્ષ હજુ સુધી એકપણ આયોજકે સેફ્ટી અંગેનું બાંહેધરી પત્રક રજૂ કર્યું નથી. આથી નવરાત્રી આડે માત્ર ત્રણ દિવસ બાકી રહ્યા હોવા છતાં હજુ સુધી ફાયર વિભાગ તરફથી એકપણ આયોજકને મંજૂરી મળી નથી, તેમ સૂત્રો જણાવે છે.
સૂત્રો જણાવે છે કે ફાયર વિભાગના ઓનલાઈન પોર્ટલ પર હજુ પણ એક પણ અરજી આવી નથી. હજુ નવરાત્રિના ડોમ સહિતની કામગીરી ચાલતી હોવાથી અંતિમ દિવસે અરજીઓ કરવામાં આવે તેવી શક્યતા છે.
બીજી બાજુ શહેરના પૉશ વિસ્તારોની જાણીતી ગરબીઓની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. પાસ વેચાઈ ગયા અને સ્ટેજ વગેરેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અહીં નવ દિવસ હજારો ખેલૈયાઓ આવશે ત્યારે તેમની સુરક્ષા મોટો સવાલ બન્યો છે.
સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગે અઠવાડિયા પહેલાં જ તમામ મોટા આયોજકોને કડક માર્ગદર્શિકા આપી હતી અને બાંહેધરી પત્રક રજૂ કરવા તાકીદ કરી હતી. હવે છેલ્લી ઘડીએ દોડધામ થશે તેવુ અધિકારીઓ જણાવી રહ્યા છે.