દેવગઢ બારિયા: ગુજરાતમાં એસીબી દ્વારા સતત ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં ગાંધીનગર એસીબીએ દેવગઢ બારિયાની સરકારી સિવિલ હોસ્પિટલના અધિક્ષક દ્વારા તબીબી વિદ્યાર્થીઓ પાસેથી લાંચ લેવાના કેસમાં કાર્યવાહી કરી છે. એસીબીએ હોસ્પિટલના અધિક્ષક ડૉ. રહીમ મેમણને રૂ. 40 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયા હતા.
હોસ્પિટલના અધિક્ષક દ્વારા લાંચની માંગણી
આ અંગે મળતી માહિતી મુજબ જિલ્લા રેસિડન્સી પ્રોગ્રામ હેઠળ જે.એસ. ચૌહાણ સરકારી સિવિલ હોસ્પિટલ, દેવગઢ બારિયા ખાતે 8 વિદ્યાર્થીઓની નિમણૂક કરવામાં આવી હતી. આ વિદ્યાર્થીઓને સારી ડ્યુટી ફાળવવા તેમજ નોકરી દરમિયાન હેરાન નહીં કરવા હોસ્પિટલના અધિક્ષક દ્વારા લાંચની માંગણી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે.
એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું
તેમજ એસીબી સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી કે 8 વિદ્યાર્થીઓ પાસેથી દરેક વિદ્યાર્થી દીઠ રૂ. 5,000, એમ કુલ રૂ. 40,000ની લાંચ માંગવામાં આવી હતી. જેની બાદ એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતું. તેમજ એસીબી દ્વારા ગોઠવવામાં આવેલા છટકા દરમિયાન આરોપીએ ફરિયાદી પાસેથી રૂ. 40,000ની લાંચ સ્વીકારી હતી. આ લાંચની રકમ સ્વીકારતાની સાથે જ એસીબીની ટીમે આરોપીને રંગે હાથ ઝડપી પાડ્યો હતો.
કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
આ લાંચની રકમ સ્વીકારતા આરોપી ઝડપાયા બાદ એસીબીએ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં લાંચની માંગણી, સ્વીકાર અને અન્ય સંબંધિત હકીકતો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.