Sun Oct 04 2026

Logo

ભેટમાં આપેલાં પુસ્તક

2026-10-04 09:09:18
Author: Vinod Bhatt
ભેટમાં આપેલાં પુસ્તક

વિનોદ ભટ્ટ

‘લેખકના હસ્તાક્ષરવાળાં પુસ્તકો ગુજરાતીમાં મામૂલી કિંમતે મળી જાય છે...’ એવું એક બહેને આનંદથી નહીં, ખેદથી કહ્યું છે, કેમ કે તેઓ પણ લેખિકા છે. તેઓ ઉમેરે છે કે લેખક દ્વારા કોઈને ભેટમાં આપવામાં આવેલું તેનું જ પુસ્તક જ્યારે પસ્તીમાં વેચી દેવાય ને એ પુસ્તક લેખકના જ હાથમાં આવે ત્યારે લેખકને કેટલો બધો આઘાત લાગતો હશે!... બહેન, આઘાત તો લાગે, મોટા સર્જકને મોટો લાગે ને નાના સર્જકને એથીય વધારે લાગે. બધો આધાર લેખના ‘ઈગો’ પર છે.

જેને બદલે રવીન્દ્રનાથ ટાગોરને નોબેલ પ્રાઈઝ મળેલું એ ટૉમસ હાર્ડીનો એક ટ્રેજિ-કૉમિક કિસ્સો યાદ આવે છે. ટૉમસ હાર્ડીની એક ચોપડી જે તેણે કોઈકને ભેટ આપેલી તે આ રીતે ફૂટપાથ પર રઝળતી હતી. હાર્ડીએ તેની કિંમત પૂછી. પેલાએ કહ્યું: ‘દસ શિલિંગ...’ હાર્ડી આહોભાવથી બોલ્યો: ‘આના પર તો લેખકની સહી છે! આની કિંમત કંઈ દસ શિલિંગ હોય?’ ને પસ્તીવાળાએ લેખની સહીનું નામ સાંભળીને ગભરાટથી જણાવ્યું: ‘એવું હોય તો સાહેબ પાંચ શિલિંગમાં લઈ જાઓ...’

જો કે મારી અંગત વાત કરું તો મારાં પુસ્તકો લોકો હોંશેહોંશે વાંચે એ માટે છૂટા હાથે હું લોકોને ભેટ આપું છું.

કદાચ આ જ કારણે પ્રકાશકો મારાં પુસ્તકો ઉત્સાહથી છાપે છે. મારાં પુસ્તકોનો મોટામાં મોટો ખરીદનાર હું જ હોઉં છું. એટલે મારા અનુભવો પણ હાર્ડીના અનુભવોથી ખાસ અલગ નથી. લગભગ ત્રણેક વર્ષ થયાં હશે એ ઘટનાને એક મિત્રે મને અભિનંદન આપતાં જણાવ્યું: ‘તું તો, દોસ્ત, કવિ કાલિદાસ કરતાંય વધુ લોકપ્રિય છે...’

‘મારો કંઈ વાંક-ગુનો, ભાઈ? સવારસવારમાં હું જ મળ્યો તને?” મેં જાણવા માગ્યું.

‘ના, હું સાચું કહું! તારાં પુસ્તકોનો ફેલાવો કાલિદાસથીય વધારે છે!’ તે ગંભીરતાથી બોલ્યો.

‘ચોખવટ કર...’ મેં ખુલાસો માગ્યો.

‘ગયા રવિવારે હું ગુજરીમાં ગયો હતો. ત્યાં બેઠેલા ચારેચાર પસ્તીવાળાઓના ઢગલામાં તારાં લખેલાં ને તારા જ ઑટોગ્રાફ સાથે ભેટ આપેલાં અડધો ડઝન પુસ્તકો પડ્યાં હતાં, જ્યારે કાલિદાસનું ‘મેઘદૂત’ તો ફક્ત એક જ ફેરિયા પાસે હતું, બોલ!’ તે બોલ્યો.

‘કાલિદાસને કદાચ મારાં જેટલાં સગાંવહાલાંઓ નહીં હોય...’ મેં મારો ખુદના બચાવ કર્યો.

‘આ હિસાબે તારા એ બધાં જ સ્વજનો પરગજુ કહેવાય, જે તને આ રીતે આમપ્રજા સુધી પહોંચાડી રહ્યાં છે’ તે દાઢમાં બોલ્યો.
* * *
પ્રકાશકને બદલે ફૂટપાથ પર જેનાં પુસ્તકો વેચાતાં હોય એવા કોઈ પણ સર્જક માટે એ આમ તો સહેજ પણ રાજી થવા જેવી વાત નથી હોતી, પણ લગભગ દરેક પુસ્તકની નિયતી પ્રમાણે એની એકાદ પ્રત કોઈ શેઠિયાની લાઈબ્રેરીમાં જન્મી હતી એ જ હાલતમાં, માલિકનો પ્રેમાળ સ્પર્શ પામ્યા વગરની પડી હોય છે, તો એ જ પુસ્તકની પાંચસો પૈકી સાડાત્રણસોથી ચારસો નકલો પુસ્તકપ્રેમી પ્રકાશકની વખારમાં નિસાસા નાખતી પડી હોય છે ને એ પુસ્તકની એકાદ કૉપી લાવારિસ બચ્ચાની પેઠે, કોઈ તેને વહાલથી ઊંચકી લે એની રાહ જોતી ફૂટપાથ પર આંખો બિછાવીને બેઠી હોય છે. આ પુસ્તકોમાં પણ જીવ હોય છે એવું ભવિષ્યમાં શોધાશે ખરું, પણ ત્યારે એ શું બોલે છે તે સાંભળવા-સમજવા આપણી પાસે કાન નહીં હોય.
* * *
કેટલાક લોકો પહેલી વાર મળનારને પોતાનું આઇડેન્ટિટી કાર્ડ વળગાડી દે છે, એ રીતે પહેલી જ મુલાકાતમાં પોતાનું પુસ્તક પધરાવી દેવાની ટેવ કેટલાક લેખકોને હોય છે. મારા એક પરિચિત લેખકને એવો શોખ છે કે કોઈ વિજાતીય પાત્ર તેની કલમનાં જરાતરા વખાણ કરે એટલે વહેલી ઉતાવળે પોતાનાં ત્રણ-ચાર પુસ્તકો તીરની જેમ એ પાત્ર તરફ છોડી દે છે. પછીની વાત પછી.

મેં આગળ જણાવ્યું એ પ્રમાણે મારા પ્રકાશકનો હું લાડકો લેખક છું, કમાઉ દીકરો છું. એક વખત મારું પુસ્તક પ્રકાશિત કર્યા પછી એ વેચવાની તેની જવાબદારી બિલકુલ ઘટી જાય છે. અલબત્ત, મારી પત્ની પણ આમાં પ્રકાશકને યથાશક્તિ મદદ કરે છે, કેમ કે તેને એવો છૂપો ભય છે કે પ્રકાશકને ત્યાંથી વહોરેલાં ઢગલાબંધ પુસ્તકોના ભારથી એક દિવસ તેનું ઘર અને મારું બૅન્ક બૅલેન્સ તૂટી પડશે. આથી ક્યારેક કોઈ મને મળવા આવે ત્યારે પત્ની એ માણસની (ઉપસ્થિતિ શબ્દ ભારે છે એટલે) હાજરીમાં જ ઉત્સાહથી મને પૂછવા માંડે છે કે ‘કાન્તિભાઈને તમારું છેલ્લું પુસ્તક ‘એટ્સેટરા’ નથી આપવાનું ?’ 
એટલે પછી આપણે જખ મારીને કાન્તિભાઈને એ. પુસ્તક આપવું પડે, જે તેઓ આપણને ‘ઓબ્લાઇજ’ કરતા હોય એવા ઉદારભાવ સાથે લઈ પણ લે. અગાઉ તેમને આ પુસ્તકની નકલ આપ્યાનું આપણને યાદ હોય, પણ તેમની યાદશક્તિ કાચી પડે. એ પુસ્તક ઉઘાડીને વાંચ્યું હોય તો યાદ આવે ને! 

મારા ઓળખીતા-પાળખીતાઓને પણ આની ખબર છે એટલે મારું નવું પુસ્તક બહાર પડ્યાની જાણ થતાં એ પુસ્તક લેવા પ્રકાશકની દુકાને જવાને બદલે સીધા જ તેઓ મારે ત્યાં ધસી આવે છે ને વિનાસંકોચે, હક્કદાવે મારી પાસેથી પુસ્તકો મેળવી પણ લે છે. અમે નાના હતા. ત્યારે સત્યનારાયણની કથા કેવળ પ્રસાદ મેળવવા માટે જ સાંભળવા જતા. અમને - પ્રસાદિયા ભક્તને જમણા હાથમાં સોજીના શીરાનો પ્રસાદ એક વાર મળી ગયા પછી પ્રસાદ વહેંચનાર સામે ડાબો હાથ ધરીને અમે કહેતા કે કાકા (અથવા તો મામા), મારા ભાઈનો આપો ને! બસ, એ જ પદ્ધતિએ મારા એક સ્નેહીએ મને એક વાર કહ્યું હતું કે ‘મારો સાળો ક્યારેક તારું લખાણ વાંચે છે ખરો. આમ તો તેને વાંચવાનો ભારે કંટાળો છે, એટલે તો તે મૅટ્રિકમાં સાત વખત નાપાસ થયેલો, પણ મારે તેને વાંચતો કરવો છે. હસવું આવે એવા ટુચકાની તારી ચાર-પાંચ ચોપડીઓ આપજે ને! બીજાઓનું બોગસ લખાણ વાંચે એ કરતાં તારું વાંચે તો વધારે સારું, નાખી દેતાંય આફ્ટર-ઑલ તું તો આપણો માણસ કહેવાય.’ અને મારા એક સ્નેહી મને મળે છે ત્યારે કહેતા હોય છે કે ‘તારી કચરા જેવી ચોપડીઓ ઘરમાં ધૂળ ખાતી પડી રહે છે એ કરતાં મને આપ ને! બપોરે એનાં બે-ચાર પાનાં ફેરવતાં-ફેરવતાં ઊંઘી જવાશે. તારાં પુસ્તકો પસ્તીવાળાને ત્યાં શોધવા જઉં એ કરતાં તારી પાસે જ કેમ ન માગું?

જોકે મારે નિખાલસપણે એ કબૂલ કરવું જોઈએ કે મારાં પુસ્તકોને પસ્તી સાથે આમ પણ ઘણું જૂનું સગપણ છે એ હું અગાઉ પણ અનેક વાર કહી-લખી ગયો છું, મારાં બે પુસ્તકો મારા એક પ્રકાશકે મારી જ આંખ સામે એક પસ્તીવાળાને જોખીને આપી દીધાં હતાં. ના, આ ‘જોક’ નથી ને વાચકોની સહાનુભૂતિ ઉઘરાવવા પણ આ ઘટના લખી નથી. આ દુર્ઘટના પહેલી વખત ઘટી ત્યારે મને આઘાતનો આંચકો નહોતો લાગ્યો એવું કહીશ તો એ જુઠ્ઠું છે. પરંતુ ભૂકંપના આફ્ટર-શૉક્સની જેમ આ પ્રકારની ઘટનાઓથી હું હવે ટેવાવા માંડ્યો છું. લેખક-કવિઓ સ્વભાવે અતિ સંવેદનશીલ હોય છે. એટલે કુંભકારની હાજરીમાં તેનું જ ઘડેલું માટલું તેની આંખ સામે કોઈ ફોડી નાખે તો તેને લાગે એટલો જ આઘાત કોઈ સર્જકનાં પુસ્તકો પસ્તીવાળો તેની આંખ સામે વેચતો હોય ત્યારે લાગવાનો. આ જ કારણસર કેટલીકવાર તો મારાં પુસ્તકો પસ્તીના ઢગલામાં જોતો ત્યારે મને ક્ષોભ થતો કે કોઈ જોઈ જશે તો? મારી પોતાની જ બે આંખની શરમને લીધે હું એ પુસ્તકો, પસ્તીવાળો માગે એ કિંમતે ખરીદી લેતો. પણ મુશ્કેલી ત્યારે થઈ, જ્યારે મારાં કેટલાંક પુસ્તકો કોઈ ગેરસમજને લીધે યુનિવર્સિટીમાં પાઠયપુસ્તકો થવા માંડ્યા. બે-એક વર્ષમાં પુસ્તક પાઠ્યક્રમમાંથી નીકળ્યાં નથી ને મડદાંની પેઠે વિદ્યાર્થીઓના ઘરમાંથી નીકળીને અવ્વલ મંઝિલે -પસ્તીવાળાને ત્યાં પહોંચ્યાં નથી. ખરીદી-ખરીદીનેય હું કેટલી નકલો ખરીદવાનો ? જાણીબૂઝીને માણસ કેટલો ગરીબ બની શકવાનો!
* * *
મારા કિસ્સામાં તો ધનિક સ્નેહીઓએ જ મારી પાસે ભેટ-પુસ્તકો માગ્યાં છે, કોઈ ગરીબે ક્યારેય માંગ્યા નથી, ગરીબોને આમેય હસવાનું બહુ ફાવતું નથી. પણ - પણ જેમને આપણે ગરીબ માનતા હોઈએ તે આપણી કલ્પનામાં પણ ન આવે એવું ક્યારેક માગે છે ખરા. તદ્દન સાચો કિસ્સો છે. મારે ત્યાં ઝાડુ કાઢનાર સફાઈ - કામદાર યુવાન આવ્યો. મારી પત્નીને તેણે પૂછયું: ‘દાદાજી ક્યાં છે? મારે કામ છે.’ ‘નાહવા ગયા છે. શું કામ છે?’ પત્નીએ પૂછયું. ‘એમની જોડે વાત કરવી છે.’ તેણે જણાવ્યું. હું સ્નાન કરીને બહાર આવ્યો, એટલે તેણે મને સીધું જ પૂછ્યું: ‘મારાં લગન છે એ માટે તમારી મોટરકાર જોઈએ છે, મળશે?’ મેં તેની સામે જોયું. અણધાર્યું આશ્ર્ચર્ય શમતાં મેં તેને કહ્યું: ‘ગાડી તો આપું, લઈ જા, પણ ચલાવશે કોણ?’ ‘મને થોડી થોડી આવડે છે, પણ મારા જ ‘મેરેજ’માં મારાથી કેવી રીતે ચલાવાય?’ તેણે મને ટેક્નિકલ સવાલ કર્યો. 

મેં તેને સામે પૂછ્યું: ‘તો, તું એવું ઈચ્છે છે કે તારા વરઘોડામાં હું કાર ચલાવું?’ 

તે શરમાઈને જતો રહ્યો. તેના ગયા પછી ગીધુકાકા મારા પર ગિન્નાતાં બોલ્યા:

 ‘તું તો સાવ મોળિયો છે! તારી પાસે એ છોકરાએ ગાડી માગી ને તેં હા પણ પાડી દીધી?’

‘જુઓ કાકા, એ છોકરાને કેટલી બધી શ્રદ્ધા હશે કે આ માણસ ના નહીં પાડે...’ મેં બચાવ કર્યો.

‘આ રીતે વેવલો થઈશ તો કાલે ઊઠીને કોઈ ઓળખીતો તારી પાસે સફારી સૂટ માગવા આવશે, કહેશે કે એક લગ્નમાં જવું છે, આપણા બંનેનું બૉડી લગભગ સરખું છે, મને ફિટ આવી જશે. આપો ને! તો કોઈ વળી તારું ટીવી લેવા આવશે, તેનું ટીવી રિપેરિંગમાં ગયું છે ને કિકેટ મૅચો છોડવી પાલવે તેમ નથી. તમારા બેડરૂમમાં ટીવી. વપરાયા વગરનું પડી રહ્યું છે. અઠવાડિયાનો સવાલ છે, લઈ જઉં! અને કોઈ પાળખીતાના ફ્રીજનું બારણું બરાબર વસાતું નથી એટલે કૂલિંગ જોઈએ એવું નથી આવતું, દૂધ-દહીં અને દાળ-શાક બગડી ન જાય એ માટે તમારા ફ્રીજમાં મૂકવા દેશો, પ્લીઝ ?... આવું વારંવાર થશે તો તું શું કરીશ?’ કાકાએ પૂછ્યું.

‘એ શક્યતા બહુ ઓછી છે, કાકા...’ મેં આત્મવિશ્ર્વાસથી જણાવ્યું: ‘કેમ કે માણસજાત આમ તો બહુ જ સ્વમાની હોય છે. અપવાદ બાદ કરતાં ગમે તેની પાસે એ ફાવે તે નથી માગતી... મારી પાસે મારાં પુસ્તકો લોકો એટલા માટે માગે છે કે હું ભલે એમને મા સરસ્વતીનો પ્રસાદ સમજતો હોઉં, પણ માગનાર માટે તો એ પુસ્તકો માત્ર પસ્તી જ છે, એનાથી વધારે કશું જ નહીં...’

‘આ ચપડગંજુ જોડે કયા લેવલે વાત કરવી એ જ મને સમજાતું નથી...’ એમ બબડતા ગીધુકાકા ચાલવા માંડ્યા...                                                                                                     ઉ