ભુજઃ પ્રવાસન અને ઔદ્યોગિક ક્ષેત્રે વૈશ્વિક ફલક પર ઝડપથી વિસ્તરી રહેલા રણપ્રદેશ કચ્છ જિલ્લાના હવાઈ નેટવર્કમાં વધુ એક મહત્વપૂર્ણ કડી ઉમેરાવા જઈ રહી છે. એર ઈન્ડિયા દ્વારા આગામી 25મી ઓક્ટોબરથી ભુજ અને રાજધાની દિલ્હી વચ્ચે વધુ એક દૈનિક ફ્લાઇટ સેવા શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ નવી વિમાની સેવા શરૂ થવાથી ભુજથી દિલ્હી રૂટ પર હવાઈ અવરજવર વધુ સરળ અને ઝડપી બનશે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023માં એર ઈન્ડિયા દ્વારા ભુજ એરપોર્ટ પરથી મર્યાદિત ફ્લાઇટનું સંચાલન કરવામાં આવતું હતું. ત્યારબાદ હવાઈ મુસાફરોની વધતી માંગને ધ્યાને રાખી સેવાનો વ્યાપ વધારવામાં આવ્યો હતો, જેમાં વર્તમાન સમયમાં ભુજથી મુંબઈ માટેની બે અને દિલ્હી માટેની એક નિયમિત સેવા કાર્યરત છે. હવે ૨૫મી ઓક્ટોબરથી દિલ્હી માટે વધુ એક ફ્લાઇટ ઉમેરાતાં એર ઈન્ડિયાની હવાઈ સેવાઓનો આંકડો વધીને ચાર પર પહોંચશે.
સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ, આ નવી ફ્લાઇટ દિલ્હીથી સવારે રવાના થઈ બપોરે ભુજ એરપોર્ટ ખાતે આવી પહોંચશે, ત્યારબાદ એ જ ફ્લાઇટ બપોરના સમયે ભુજથી ઉડાન ભરી સાંજે દિલ્હી પહોંચશે. આ અનુકૂળ સમયપત્રકને કારણે મુસાફરોને દિલ્હીથી આગળ કનેક્ટિંગ ડોમેસ્ટિક તેમજ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પકડવામાં સરળતા રહેશે અને મુસાફરોનો આખો દિવસ બગડ્યા વિના પ્રવાસ સુગમ બની રહેશે.
ઉલ્લેખનીય છે કે,વિશ્વભરના દેશોમાં વેપાર-ધંધાર્થે સ્થાયી થયેલા એનઆરઆઈ કચ્છીઓ પોતાના વતન વાર-તહેવારે તેમજ સામાજિક પ્રસંગોએ મોટી સંખ્યામાં આવતા હોય છે, ત્યારે આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી માટે દિલ્હીની આ વધારાની ફ્લાઇટ તેમના માટે અત્યંત આશીર્વાદરૂપ પુરવાર થશે. આ ઉપરાંત શિયાળાની આગામી સિઝનમાં રણોત્સવ સહિત કચ્છના પ્રવાસન સ્થળોની મુલાકાતે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ તેમજ કચ્છના વિશાળ ઔદ્યોગિક એકમોના સંચાલકો માટે રાષ્ટ્રીય રાજધાની સાથેનો સંપર્ક વધુ સુગમ બનશે. આ જાહેરાતને પગલે સમગ્ર કચ્છના વેપારી અને નાગરિક વર્તુળોમાં ભારે ખુશીની લાગણી વ્યાપી ગઈ છે.
(ઉત્સવ વૈદ્ય)