Mon Oct 05 2026

Logo

હોટલ ન મળી તો બસ ડેપો પર વિતાવી રાત, નૈનીતાલ-શિમલા-બદરીનાથ સુધી જામ.. પ્રવાસીઓથી પહાડ ઉભરાયા

2026-10-04 13:20:25
Author: Mumbai Samachar Team
હોટલ ન મળી તો બસ ડેપો પર વિતાવી રાત, નૈનીતાલ-શિમલા-બદરીનાથ સુધી જામ.. પ્રવાસીઓથી પહાડ ઉભરાયા

ગાંધી જયંતિ, ત્યારબાદ શનિવાર અને રવિવાર હોવાને કારણે લાંબા વીકેન્ડની રજાઓમાં પહાડો પર પ્રવાસીઓનો એવો પ્રવાહ ઉમટ્યો કે ઘણા પ્રવાસન શહેરોમાં વ્યવસ્થાઓ ખોરવાતી નજરે પડી. નૈનિતાલમાં પરિસ્થિતિ એવી બની કે હોટલો, હોમસ્ટે અને ગેસ્ટ હાઉસ ફૂલ થઈ ગયા.

મોડી રાત સુધી પ્રવાસીઓ હાથમાં સામાન લઈને રૂમની શોધમાં ભટકતા રહ્યા. જ્યારે ક્યાંય રોકાવાની જગ્યા ન મળી ત્યારે કેટલાક પ્રવાસીઓએ બસ સ્ટેન્ડ પર જ રાત વિતાવવી પડી. આ સાથે જ શિમલાથી મનાલી અને બદ્રીનાથ યાત્રાના માર્ગ સુધી રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ.

નૈનિતાલમાં રૂમ ન મળ્યો, બસ સ્ટેન્ડ પર વીતી રાત

નૈનિતાલમાં લાંબા વીકેન્ડ પર અંદાજે 12 હજાર પ્રવાસીઓના આગમનથી શહેરની વ્યવસ્થા પર દબાણ વધી ગયું. સવારથી જ રસ્તાઓ પર વાહનોની સંખ્યા વધતી ગઈ. ભવાલીથી કૈંચી ધામ, ગરમપાની અને ખેરના તરફ અનેક કિલોમીટર સુધી ગાડીઓની કતારો લાગી ગઈ.

ભીડની અસર માત્ર રસ્તાઓ પર જ જોવા ન મળી. નૈનિતાલની હોટલો, હોમસ્ટે અને ગેસ્ટ હાઉસ લગભગ સંપૂર્ણપણે ફૂલ થઇ ગયા. રાત્રે લગભગ 1 વાગ્યા સુધી ઘણા પ્રવાસીઓ મોલ રોડ પર પોતાના સામાન સાથે રૂમની શોધ કરતા દેખાયા. ખૂબ પ્રયત્ન કરવા છતાં જ્યારે રોકાવાની જગ્યા ન મળી, તો કેટલાક પ્રવાસીઓને બસ સ્ટેશનમાં જ રાત વિતાવવી પડી.

શહેરના હલદ્વાની રોડ, ભવાલી રોડ અને કાલાઢૂંગી રોડ પર પણ વાહનોની ગતિ ધીમી રહી. મોલ રોડ, ઝૂ રોડ અને શેરવાની માર્ગ પર પણ ટ્રાફિક જામ જેવી સ્થિતિ બની રહી. જો કે, નૈની ઝીલ, પ્રાણીસંગ્રહાલય, સ્નો વ્યુ અને હિમાલય દર્શન જેવા પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓની ભીડથી જામ રહ્યો.

શિમલામાં 3 કિલોમીટરની સફર એક કલાકમા

હિમાચલ પ્રદેશની રાજધીની શિમલામાં પણ લોંગ વીકેન્ડ પર મોટી સંખ્યામાં પર્યટક પહોંચ્યા. હરિયાણા, પંજાબ, ચંદીગઢ અને દિલ્હીથી આવેલા પ્રવાસીઓના કારણે શહેરના રસ્તાઓ પર વાહનોને કારણે જામની સ્થિતી બની. તારાદેવીથી શિમલા સુધી અનેક જગ્યાઓ પર લાંબી લાઇનો જોવા મળી.

હાલત એવી રહી કે આશરે ત્રણ કિલોમીટરનું અંતર કાપવામાં પણ લોકોને એક કલાક સુધીનો સમય લાગ્યો. શહેરના મુખ્ય પાર્કિંગ હાઉસ ફૂલ થઈ ગયા અને પ્રવાસીઓને ગાડીઓ પાર્ક કરવા માટે જગ્યા શોધવામાં પણ મુશ્કેલી પડી.

શિમલાના ડીએસપી ટ્રાફિક ચંદ્ર શેખરના જણાવ્યા અનુસાર, શહેરમાં દર અઠવાડિયે 80 હજારથી વધુ ગાડીઓની આવન-જાવન થાય છે. છેલ્લા 24 કલાકમાં જ 17 હજારથી વધુ વાહનો શહેરમાં આવ્યા, જેમાં 7 હજારથી વધુ ગાડીઓ પ્રવાસીઓની હતી. ટ્રાફિક સંભાળવા માટે વધારાના પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.