Mon Oct 05 2026

Logo

રશિયા-યુક્રેન યુદ્ધની સમાપ્તિ માટે ભારતે પ્રયાસો તેજ કર્યા, અન્ય દેશો કરતાં સારો પ્રસ્તાવ

2026-10-05 20:30:54
Author: Chandrakant Kanoja
રશિયા-યુક્રેન યુદ્ધની સમાપ્તિ માટે ભારતે પ્રયાસો તેજ કર્યા, અન્ય દેશો કરતાં સારો પ્રસ્તાવ

નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલું યુદ્ધ અનેક દેશોની દરમિયાનગિરી પછી પણ હજુ અટક્યું નથી. તેવા સમયે ભારતના પ્રયાસથી આ યુદ્ધનો અંત આવી શકે તેવી શકયતા છે. જેમાં ભારતે બે દેશો વચ્ચે યુદ્ધ અટકાવવા પ્રયાસ શરૂ કર્યા છે. તેમજ યુક્રેનના વિદેશ મંત્રી એન્ડ્રી સિબિહાએ ભારતની યુદ્ધવિરામની દરખાસ્તને અમેરિકા, તુર્કીયે અને ઇજિપ્ત દ્વારા રજૂ કરવામાં આવેલી દરખાસ્તોની સરખામણીમાં સૌથી વધુ પ્રભાવશાળી ગણાવી છે.

સંઘર્ષ સંબંધિત મુખ્ય મુદ્દાઓ પર સૌપ્રથમ સર્વસંમતિ સાધવાનો પ્રયાસ

ભારતના આ પ્રસ્તાવમાં માત્ર હુમલા રોકવાની જ વાત નથી પરંતુ  સંઘર્ષ સંબંધિત મુખ્ય મુદ્દાઓ પર સૌપ્રથમ સર્વસંમતિ સાધવાનો પ્રયાસ પણ છે. આ મુદ્દાઓમાં ઊર્જા માળખાગત સુવિધાઓ પરના હુમલા અટકાવવા, નાગરિકોને નિશાન ન બનાવવા અને કાળા સમુદ્રમાં સામાન્ય કામગીરી પુનઃસ્થાપિત કરવાનો સમાવેશ થાય છે. આ પ્રસ્તાવ ત્યારબાદ કાયમી શાંતિ તરફ આગળ વધવાની વાત કરે છે. જોકે, પ્રસ્તાવની સંપૂર્ણ વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. 

ભારતનો પ્રસ્તાવ બે તબક્કામાં

ભારતના પ્રસ્તાવને બે તબક્કામાં સમજીએ તો પ્રથમ તબક્કામાં એવા મુદ્દાઓ પર સર્વસંમતિ સાધવાનો પ્રયાસ કરવામાં આવશે જેના પર તાત્કાલિક પગલાં લઈ શકાય તેમ છે. ત્યારબાદ, બંને દેશો વચ્ચે કાયમી શાંતિ સ્થાપવા અંગેની ચર્ચાઓને આગળ વધારવાના પ્રયાસો કરવામાં આવશે. 

શાંતિ માટેની અંતિમ યોજના ગણાવવી ઉતાવળભર્યું 

યુક્રેનના વિદેશ મંત્રીના જણાવ્યા અનુસાર, અમેરિકા, તુર્કી અને ઇજિપ્ત દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવોની સરખામણીમાં ભારતનો પ્રસ્તાવ સૌથી વધુ પ્રભાવશાળી છે. જોકે, તેની સંપૂર્ણ વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.આ તબક્કે તેને શાંતિ માટેની અંતિમ યોજના ગણાવવી ઉતાવળભર્યું ગણાશે.

ભારતના પ્રસ્તાવમાં મુખ્ય પાંચ મુદ્દાઓ છે. 

1. ઉર્જા લક્ષ્યો પર હુમલા અટકાવવા: વીજળી અને ઉર્જા સંબંધિત લક્ષ્યોને લક્ષ્ય બનાવતા અટકાવવાના પ્રયાસો.
2. સામાન્ય લોકોની સુરક્ષા: નાગરિકો અને રહેણાંક વિસ્તારો પર હુમલા રોકવા પર ભાર.
3. કાળા સમુદ્રમાં પ્રવૃત્તિઓનું સામાન્યકરણ: સમુદ્રમાં વેપાર અને અન્ય આવશ્યક પ્રવૃત્તિઓને સામાન્ય બનાવવાના પ્રયાસો.
4. વાતચીતનો માર્ગ ખોલવોઃ નાના મુદ્દાઓ પર સમજૂતી કરીને બંને દેશો વચ્ચે વિશ્વાસ વધારવો.
5. સ્થાયી શાંતિ તરફ આગળ વધવું:  પ્રારંભિક કરાર પછી મુખ્ય મુદ્દાઓ પર વાટાઘાટો શરૂ કરવી.

અમેરિકા, તુર્કીયે અને ઇજિપ્તે યુદ્ધને અટકાવવાના વિવિધ પ્રયાસો કર્યા

આ પૂર્વે અમેરિકા, તુર્કીયે અને ઇજિપ્તે પણ રશિયા-યુક્રેન યુદ્ધને અટકાવવાના વિવિધ પ્રયાસો કર્યા છે. જોકે, ભારતની પહેલની વિશેષતા એ છે કે તે તાત્કાલિક યુદ્ધવિરામને લાંબા ગાળાની શાંતિ સાથે એક જ પ્રક્રિયાના ભાગરૂપે જોડે છે. ભારત સૌપ્રથમ અમુક મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગેના તણાવને ઘટાડવા માંગે છે.

યુક્રેને ભારતના પ્રસ્તાવને વ્યાપક અને વ્યવહારુ ગણાવ્યો

ભારતના પ્રસ્તાવમાં ઊર્જા ક્ષેત્ર અને કાળો સમુદ્ર એમ બંનેનો સમાવેશ થાય છે. તેમાં ઊર્જા સુવિધાઓ અને બંદરો પરના હુમલા અટકાવવા તેમજ કાળા સમુદ્રમાં જહાજોની સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. અમેરિકા રશિયા અને યુક્રેનમાં ઊર્જા માળખાગત સુવિધાઓ પરના હુમલા રોકવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. જ્યારે તુર્કીયે અને ઇજિપ્ત કાળા સમુદ્રમાં અનાજ અને કૃષિ ઉત્પાદનોની અવરજવર પુનઃસ્થાપિત કરવાને પ્રાથમિકતા આપી રહ્યા છે. આનો ઉદ્દેશ્ય યુક્રેનમાંથી અનાજની નિકાસ ફરી શરૂ કરવાનો છે. યુક્રેને ભારતના પ્રસ્તાવને વ્યાપક અને વ્યવહારુ ગણાવ્યો છે.