વિદેશમાં એમબીબીએસનું ભણીને ભારતમાં પ્રેક્ટિસ કરવા માટે જરૂરી ટેસ્ટ પાસ કર્યા વગર સર્ટિફિકેટ મેળવી લેવાના મોટા કૌભાંડનો પર્દાફાશ: 15થી 20 ‘ડૉક્ટરો’ની તપાસ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિદેશમાં એમબીબીએસનું ભણીને ભારતમાં તબીબી પ્રેક્ટિસ કરવા માટે જરૂરી ટેસ્ટ પાસ કર્યા વગર સર્ટિફિકેટ મેળવવાના મોટા કૌભાંડનો મહારાષ્ટ્ર સાયબર પોલીસે પર્દાફાશ કર્યો હતો. આ રૅકેટ ચલાવનારા કથિત સૂત્રધાર સહિત બોગસ સર્ટિફિકેટ મેળવનારા બે ‘ડૉક્ટર’ની ધરપકડ કરવામાં આવી હોઈ વધુ 15થી 20 ડૉક્ટરની તપાસ કરવામાં આવી રહી છે.
મહારાષ્ટ્ર સાયબરે ધરપકડ કરેલા ત્રણેય આરોપીની ઓળખ વરુણ પ્રતાપરાવ અખાડે (28), સંકેત પ્રભાકર ઉન્હાળે (26) અને રાહુલ ગોપાલ પાટીલ (35) તરીકે થઈ હતી. તપાસમાં જણાયું હતું કે બુલઢાણા જિલ્લામાં રહેતા આરોપી અખાડે અને ઉન્હાળેએ નકલી સર્ટિફિકેટ પ્રાપ્ત કર્યાં હતાં, જ્યારે નાશિકનો વતની પાટીલ આ રૅકેટનો સૂત્રધાર હતો.
વિદેશમાંથી બેચલર ઑફ મેડિસિન ઍન્ડ બેચરલ ઑફ સર્જરી (એમબીબીએસ)ની ડિગ્રી લઈને આવનારી વ્યક્તિએ ભારતમાં તબીબી પ્રેક્ટિસ કરવા માટે રજિસ્ટ્રેશન કરાવતાં પહેલાં નૅશનલ બોર્ડ ઑફ એક્ઝામિનેશન્સ ઈન મેડિકલ સાસન્સીસ (એનબીઈએમએસ) દ્વારા હાથ ધરાતી ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામિનેશન (એફએમજીઈ) સ્ક્રીનિંગ ટેસ્ટ આપવી પડે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
સાયબરના અધિકારીના કહેવા રજિસ્ટ્રેશન માટે નોંધાયેલી અરજીઓની ચકાસણી દરમિયાન મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલે નિરીક્ષણ કર્યું હતું કે કેટલાક વિદેશી મેડિકલ ગ્રેજ્યુએટ્સે ફરજિયાત ગણાતી એફએમજીઈ સ્ક્રીનિંગ ટેસ્ટ ક્વોલિફાય કરી નહોતી. જોકે તેમ છતાંય તેમની પાસે મેડિકલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ્સ હતાં. પરિણામે કાઉન્સિલ દ્વારા આ મામલે મહારાષ્ટ્ર સાયબરમાં ફરિયાદ કરવામાં આવી હતી, જેને પગલે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન ભારતમાં તબીબી પ્રેક્ટિસ માટે રજિસ્ટ્રેશન કરાવવા જરૂરી મેડિકલ એક્ઝામિનેશન સર્ટિફિકેટ્સ અને દસ્તાવેજો બનાવટી અને નકલી તૈયાર કરી આપવામાં કથિત રીતે સંડોવાયેલા આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ થયો હતો. ટેક્નિકલ એનાલિસીસ, ડિજિટલ રેકોર્ડ્સનું વિશ્ર્લેષણ તેમ જ અન્ય તપાસને આધારે આ રૅકેટમાં સંડોવાયેલાઓને ઓળખી કાઢવામાં આવ્યા હતા અને ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપીએ નાણાં લઈને 15થી 20 જણને બનાવટી એક્ઝામિનેશન સ્કોરકાર્ડ્સ, સર્ટિફિકેટ્સ અને અન્ય સપોર્ટિંગ દસ્તાવેજો પૂરા પાડ્યા હતા. આ 15થી 20 જણ રડાર પર હોઈ તેમની તપાસ કરવામાં આવી રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.