Tue Oct 06 2026

Logo

CEC જ્ઞાનેશ કુમારની મુશ્કેલી વધશે! 20 વર્ષ જૂના કેસમાં કેરળ સરકારે આપ્યા વિજિલન્સ તપાસના આદેશ

2026-10-04 12:18:00
Author: Vimal Prajapati
CEC જ્ઞાનેશ કુમારની મુશ્કેલી વધશે! 20 વર્ષ જૂના કેસમાં કેરળ સરકારે આપ્યા વિજિલન્સ તપાસના આદેશ

તિરુવનંતપુરમ: ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર (CEC) જ્ઞાનેશ કુમારની કાનૂની અને રાજકીય ચિંતાઓમાં મોટો વધારો થયો છે. તેમની સામે 20 વર્ષ જૂના ગંભીર ભ્રષ્ટાચાર અને ગેરરીતિના કેસમાં કેરળ સરકારે વિજિલન્સ તપાસનો કડક આદેશ આપ્યો છે. કોંગ્રેસ નેતાની ફરિયાદને પગલે બે દિવસ પહેલાં જ આ કેસની તમામ મહત્વની ફાઈલો મંગાવવામાં આવી હતી, ત્યારબાદ કેરળના ગૃહ મંત્રી રમેશ ચેન્નિથલાએ સતર્કતા વિભાગને ઊંડાણપૂર્વક તપાસ કરવા સૂચના આપી છે.

શું છે 20 વર્ષ જૂનો સમગ્ર વિવાદ?

આ મામલો વર્ષ 2006નો છે. 1988 બેચના કેરળ કેડરના આઈએઈએસ (IAS) અધિકારી જ્ઞાનેશ કુમાર તે સમયે કેરળના લોક નિર્માણ વિભાગ (PWD)માં સચિવ તરીકે ફરજ બજાવતા હતા. કેરળ સ્ટેટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ અંતર્ગત હાથ ધરાયેલા MC રોડ પ્રોજેક્ટમાં સામેલ PATI-BEL કન્સોર્ટિયમ સાથે જોડાયેલા મલેશિયન સિવિલ એન્જિનિયર લી સી બીને આત્મહત્યા કરી લીધી હતી. મલેશિયન એન્જિનિયરે આત્મહત્યા કરતા પહેલાં લખેલી સુસાઈડ નોટમાં તત્કાલીન PWD સચિવ જ્ઞાનેશ કુમારના નામનો ઉલ્લેખ કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

20 વર્ષ બાદ હવે તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો

કોંગ્રેસ નેતા મલયિનકીજ વેણુગોપાલ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં એવો આક્ષેપ કરાયો છે કે તે સમયે ઉચ્ચ સ્તરેથી ભારે બાહ્ય દબાણ લાવીને મૂળ તપાસને ગેરમાર્ગે દોરવામાં આવી હતી. આ ફરિયાદને ધ્યાને લઈને ગૃહ પ્રધાન રમેશ ચેન્નિથલાએ વિજિલન્સ ડાયરેક્ટરને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે, બહારથી લાવવામાં આવેલા દબાણ અને અનિયમિતતાઓના તમામ આક્ષેપોની તટસ્થ તપાસ કરવામાં આવે અને મળેલા નિષ્કર્ષના આધારે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવે!

 

ચૂંટણી પંચમાં આંતરિક વિવાદો વચ્ચે નવું સંકટ

જ્ઞાનેશ કુમાર હાલમાં ભારતીય ચૂંટણી પંચના સર્વોચ્ચ પદ (CEC) પર ફરજ બજાવી રહ્યાં છે. જોકે, તાજેતરમાં મતદાતા યાદીઓ અને SIR મુદ્દે ચૂંટણી કમિશ્નરો વિકેશ જોશી અને સુખબીર સિંહ સંધૂ સાથેના કેટલાક મતભેદો અને સવાલોને કારણે તેઓ પહેલેથી જ ચર્ચામાં હતા. એવામાં કેરળ કેડરના આ અધિકારી સામે બે દાયકા જૂની ફાઈલ ફરી ખુલતા અને કેરળ સરકારે વિજિલન્સ વિભાગ પાસે ઝડપથી રિપોર્ટ માંગતા, જો તેઓ આ કેસમાં કસૂરવાર ઠરશે તો તેમના પદ અને ભવિષ્ય સામે ગંભીર સવાલો ઊભા થઈ શકે છે.