મુંબઈઃ મધ્ય રેલવેના કલ્યાણ રેલવે સ્ટેશન પર મહિલા કર્મચારીને કથિત રીતે હેરાન કરવાના મામલે ભારે બબાલ થઈ હતી. લગભગ છ મહિનાથી અશ્લીલ સંદેશા મોકલીને હેરાન કરવાનો આરોપ લાગ્યા બાદ મનસે (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)ના કાર્યકરોએ સોમવારે ડેપ્યુટી સ્ટેશન માસ્ટરની ઓફિસમાં જઈ તેને મેથીપાક ચખાડ્યો હતો. પાછળથી મહિલા કર્મચારીની ફરિયાદ બાદ કલ્યાણ સરકારી રેલવે પોલીસે ડેપ્યુટી સ્ટેશન માસ્ટરને કસ્ટડીમાં લઈ કેસ નોંધ્યો અને તપાસ શરૂ કરી છે.
મહિલા કર્મચારીએ આ સમગ્ર મુદ્દે જણાવ્યા મુજબ, ડેપ્યુટી સ્ટેશન માસ્ટર તેને વારંવાર વોટ્સએપ પર અશ્લીલ મેસેજ મોકલતા હતા અને પોતાના ઘરે મળવા માટે પણ બોલાવતા હતા. શરૂઆતમાં મહિલાએ સંદેશાઓને અવગણ્યા હતા, પરંતુ કથિત હેરાનગતિ ચાલુ રહેતાં તેણે સ્ટેશન માસ્ટરને ઓછામાં ઓછા બે વખત ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ સ્ટેશન માસ્ટરે ડેપ્યુટી સ્ટેશન માસ્ટરને તેની હાજરીમાં ઠપકો આપ્યો હોવા છતાં કથિત રીતે હેરાનગતિ અટકી નહોતી.
આખરે કંટાળેલી મહિલા કર્મચારીએ એમએનએસના કાર્યકરોનો સંપર્ક કર્યો હતો. મહિલા સાથે એમએનએસ કાર્યકરો ડેપ્યુટી સ્ટેશન માસ્ટરની ઓફિસે પહોંચ્યા અને વોટ્સએપ પર મોકલાયેલા મેસેજો અંગે તેને સવાલો કર્યા હતા. વાતચીત દરમિયાન મામલો ઉગ્ર બન્યો અને કાર્યકરોએ ડેપ્યુટી સ્ટેશન માસ્ટરને મેથીપાક ચખાડ્યો હતો.
MNS workers assaulted Kalyan Deputy Station Master over a junior woman staffer’s harassment complaint. The official was accused of sending obscene WhatsApp messages and repeatedly asking her to visit his home. #Kalyan #MNS #MumbaiNews #RailwayNews #BreakingNews https://t.co/8gFepwaaGT
— Chetna Raja (@ChetnaRaja) October 6, 2026
ઘટનાની જાણ થતાં કલ્યાણ સરકારી રેલવે પોલીસના કર્મચારીઓએ દરમિયાનગીરી કરી હતી ત્યાર બાદ પોલીસે ડેપ્યુટી સ્ટેશન માસ્ટરને કસ્ટડીમાં લીધો હતો. મહિલા કર્મચારીની ફરિયાદના આધારે તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.
મહિલા કર્મચારીની ફરિયાદમાં કરવામાં આવેલા હેરાનગતિના આરોપોની પોલીસ તપાસ કરી રહી છે, તો બીજી તરફ ફરિયાદ બાદ એમએનએસ કાર્યકરો દ્વારા ડેપ્યુટી સ્ટેશન માસ્ટર સાથે કરવામાં આવેલી મારપીટ પણ આ ઘટનાનો મહત્વનો ભાગ બની છે. હવે પોલીસ તપાસમાં મહિલા દ્વારા કરાયેલા આરોપો અને સ્ટેશન પર થયેલી મારપીટ અંગેની હકીકત સામે આવશે.