Tue Oct 06 2026

Logo

મેટ્રો પ્રોજેક્ટ સાઇટ પર કરન્ટ લાગવાથી મૃત્યુ પામેલા મજૂરના કુટુંબને 34 લાખનું વળતર ચૂકવવાનો આદેશ

2026-10-06 17:46:23
Author: Yogesh D. Patel
મેટ્રો પ્રોજેક્ટ સાઇટ પર કરન્ટ લાગવાથી મૃત્યુ પામેલા મજૂરના કુટુંબને 34 લાખનું વળતર ચૂકવવાનો આદેશ

થાણે: થાણેમાં મોટર એક્સિડેન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) મે, 2021માં મેટ્રો રેલ પ્રોજેક્ટ સાઇટ પર વીજળીનો આંચકો લાગવાથી મૃત્યુ પામેલા 24 વર્ષના મજૂરના કુટુંબને 34.54 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. 

ટ્રિબ્યુનલનાં સભ્ય આર. વી. મોહિતેએ સોમવારે હાઇડ્રા ક્રેનના માલિક અને તેની વીમા કંપનીને અરજી દાખલ કર્યાની તારીખથી રકમની વસૂલાત થાય ત્યાં સુધી વાર્ષિક નવ ટકા વ્યાજ સાથે સંયુક્ત રીતે અને અલગ અલગ રીતે વળતર ચૂકવવાના નિર્દેશ આપ્યા હતા.

અરજી અનુસાર થાણે-ભિવંડી રોડ પર મેટ્રો લાઇન-પાંચ પ્રોજેક્ટ સાઇટ પર 18 મે, 2021ના રોજ આ ઘટના બની હતી, જ્યાં મોહંમદ નાજરે આલમ શેખ મજૂર તરીકે કામ કરતો હતો. હાઇડ્રા ક્રેનથી સિમેન્ટ બ્લોક્સ ખસેડવામાંં આવી રહ્યા હતા ત્યારે શેખ ક્રેન પર ઊભો હતો અને તેણે સિમેન્ટ બ્લોક્સ સાથે જોડાયેલા બૂમ હુક સાથે કનેક્ટ વાયર રોપ પકડી રાખ્યો હતો. ક્રેનના ડ્રાઇવરે બૂમ ઉપર તરફ ઊંચક્યું, જેને કારણે તે ઉપરથી પસાર થતી હાઇ-ટેન્શન ઇલેક્ટ્રિસિટી લાઇનના સંપર્કમાં આવતાં શેખને વીજળીનો આંચકો લાગ્યો હતો.

આ ઘટના બાદ સાઇટ એન્જિનિયર અને ક્રેનના ડ્રાઇવર વિરુદ્ધ ભારતીય દંડસંહિતાની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ટ્રિબ્યુનલે નોંધ્યું હતું કે કર્મચારીને સુરક્ષાનાં સાધનો પૂરાં પાડવાની જવાબદારી માલિકની છે અને સાઇટ પર કામ કરતા કર્મચારીઓ સુરક્ષાનાં સાધનોથી સજ્જ છે કે કેમ તે તપાસવાની અને તેની દેખરેખ રાખવાની જવાબદારી ક્રેનના ડ્રાઇવરની છે. 
ટ્રિબ્યુનલે શેખની માતા, પત્ની અને સગીર ભાઇને 34.54 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. (પીટીઆઇ)