પુણે: પુણેના પ્રસિદ્ધ કસબા ગણપતિ મંદિરમાં ઘૂસેલો ચોર દાનપેટી તોડીને તેમાંથી આશરે 60 હજાર રૂપિયા ચોરી ફરાર થયો હતો, એમ પોલીસે જણાવ્યું હતું. કસબા પેઠ વિસ્તારમાં આવેલા 19મી સદીના આ મંદિરમાં સોમવારે મધરાતે ચોરી થઇ હતી અને મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આખી ઘટના કેદ થઇ હતી. આરોપીને પકડવા માટે પોલીસની ત્રણ ટીમ તૈયાર કરવામાં આવી છે. કસબા ગણપતિને શહેરના દેવતા માનવામાં આવે છે.
ડેપ્યુટી પોલીસ કમિશનર કૃષીકેશ રાવલેએ જણાવ્યું હતું કે મંદિરમાં મધરાતે ચોર ઘૂસ્યો હતો અને દાનપેટી તોડીને તેમાંથી આશરે 60 હજાર રૂપિયા ચોર્યા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે સીસીટીવી કેમેરાના ફૂટેજને આધારે આરોપીને ઓળખી કાઢવા અને ચોરી કર્યા બાદ તે કઇ દિશામાં ભાગ્યો હતો તે જાણવાના પ્રયાસ ચાલુ છે. ફરાસખાના પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે ગુનો દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. (પીટીઆઇ)