મુંબઈઃ ગત 25મી સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહ દરમિયાન દેશની વિદેશી હૂંડિયામણની અનામત 18.343 અબજ ડૉલરના ઘટાડા સાથે 747.557 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ સાપ્તાહિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે પણ અનામત 14.881 અબજ ડૉલરના ઘટાડા સાથે 765.901 અબજ ડૉલરની સપાટીએ રહી હતી.
નોંધનીય બાબત એ છે કે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાની સ્પેશિયલ ક્નસેશનલ સ્વેપ સ્કીમ હેઠળ 130 અબજ ડૉલર એકત્રિત થવાથી ગત ચોથી સપ્ટેમ્બરનાં રોજ પૂરા થયેલા સપ્તાહે દેશની કુલ વિદેશી હૂંડિયામણની અનામત વધીને 785.706 અબજ ડૉલરની ઐતિહાસિક ઊંચી સપાટીએ રહી હતી. જોકે, ત્યાર બાદ અમેરિકા અને ઈરાન વચ્ચેનો ભૂરાજકીય તણાવ વધવાથી ક્રૂડ તેલના ભાવમાં વધારો થવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં થતાં ધોવાણને ખાળવા માટે સમયાંતરે રિઝર્વ બૅન્કની ડૉલરમાં વેચવાલી રહેતાં અનામતમાં વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન સમીક્ષા હેઠળના સપ્તાહમાં દેશની કુલ વિદેશી હૂંડિયામણની અનામતમાં બહોળો હિસ્સો ધરાવતી વિદેશી ચલણી અસ્ક્યામતો 15.57 અબજ ડૉલરના ઘટાડા સાથે 615.411 અબજ ડૉલરના સ્તરે રહી હતી. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે વિદેશી ચલણી અસ્ક્યામતોમાં સપ્તાહ દરમિયાન ડૉલર ઉપરાંત યુરો, પાઉન્ડ અને યેન જેવાં અન્ય મહત્ત્વનાં ચલણો સામે રૂપિયામાં થયેલી વધઘટને પણ ધ્યાનમાં લેવામાં આવતી હોય છે.
વધુમાં સપ્તાહ દરમિયાન દેશની સોનાની અનામત 2.591 અબજ ડૉલર ઘટીને 108.701 અબજ ડૉલરનાં સ્તરે, ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેના સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ 9.7 કરોડ ડૉલર ઘટીને 18.642 અબજ ડૉલર અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેની અનામતો પણ 8.6 કરોડ ડૉલર ઘટીને 4.804 અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું રિઝર્વ બૅન્કે યાદીમાં ઉમેર્યું હતું.