Tue Oct 06 2026

Logo

યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ સામે ગાંધીધામમાં વેપારીઓનો અનોખો વિરોધ: કાળાં કપડાં પહેરી માત્ર રોકડ વ્યવહાર સ્વીકાર્યા

2026-10-04 12:06:00
Author: Mumbai Samachar Team
યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ સામે ગાંધીધામમાં વેપારીઓનો અનોખો વિરોધ: કાળાં કપડાં પહેરી માત્ર રોકડ વ્યવહાર સ્વીકાર્યા

ભારતનગરમાં ડિજિટલ પેમેન્ટ બંધ કરી વેપારીઓએ નોંધાવ્યો વિરોધ: સરકાર અને બેંકો નિર્ણય પરત ખેંચે તેવી એસોસિએશનની માંગ

ભુજ: યુપીઆઈ વ્યવહારો પર સંભવિત ચાર્જ વસૂલવાના નિર્ણય સામે કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામના વ્યાપારી વર્ગમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે. શહેરના ભારતનગર વિસ્તારમાં વેપારી એસોસિએશન દ્વારા કાળાં કપડાં પહેરી, તમામ ડિજિટલ વ્યવહારો બંધ રાખી માત્ર રોકડ નાણાં સ્વીકારી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ભારતનગર વેપારી એસોસિએશનના આહવાનને પગલે આજે વિસ્તારના તમામ વેપારીઓ કાળાં વસ્ત્રો પહેરીને પોતાની દુકાનો અને વ્યવસાય પર હાજર રહ્યા હતા. વેપારીઓએ એકસૂરે નિર્ણય કર્યો હતો કે, ગ્રાહકો પાસેથી કોઈપણ પ્રકારના ડિજિટલ કે યુપીઆઈ પેમેન્ટ સ્વીકારવામાં આવશે નહીં અને માત્ર કેશ દ્વારા જ ચીજવસ્તુઓનું વેચાણ કરાશે. દુકાનો પર અચાનક યુપીઆઈ સ્વીકારવાનું બંધ કરાતાં ખરીદી માટે આવેલા ગ્રાહકોમાં પણ ભારે આશ્ચર્ય સાથે કેટલીક અગવડતા જોવા મળી હતી.

આ વિરોધ પ્રદર્શન અંગે ભારતનગર વેપારી એસોસિએશનના મંત્રી સુનિલ પારવાણીએ જણાવ્યું હતું કે, એક તરફ સરકાર દ્વારા દેશભરમાં ડિજિટલ ઇન્ડિયા અને કેશલેસ વ્યવહારોને પ્રોત્સાહન આપવાની વાતો કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ યુપીઆઈ પર ચાર્જ વસૂલવાનો નિર્ણય નાના-મોટા તમામ વેપારીઓ તેમજ સામાન્ય જનતા માટે આર્થિક રીતે નુકસાનકારક સાબિત થશે. વેપારીઓની આ એકજૂટ લડત રંગ લાવશે અને સરકાર તેમજ બેંકો દ્વારા આ અયોગ્ય નિર્ણય તત્કાળ પાછો ખેંચવામાં આવશે તેવો તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ઉત્સવ વૈદ્ય