Sat Oct 17 2026

Logo

ભુજમાં આવાસ યોજનાના હપ્તા પાસ કરવા ₹૪ હજારની લાંચ માંગનારા સમાજ કલ્યાણ કચેરીના બે કર્મીઓ એસીબીની ટ્રેપમાં રંગેહાથ ઝડપાયા

2026-10-04 11:08:00
Author: Mumbai Samachar Team
ભુજમાં આવાસ યોજનાના હપ્તા પાસ કરવા ₹૪ હજારની લાંચ માંગનારા સમાજ કલ્યાણ કચેરીના બે કર્મીઓ એસીબીની ટ્રેપમાં રંગેહાથ ઝડપાયા

બહુમાળી ભવન ખાતે સફળ છટકું ગોઠવાયું: પંડિત દીનદયાળ યોજનાની સહાય માટે લાંચ સ્વીકારતાં કરાર આધારિત બે ઇન્સ્પેક્ટરો સામે કાનૂની સંકંજો

ભુજ: સરકારી યોજનાઓના લાભ મેળવવા માટે સામાન્ય નાગરિકો પાસેથી તોડબાજી કરતાં લાંચિયા તત્વો સામે એન્ટી કરપ્શન બ્યુરોએ સફળ કાર્યવાહી કરી છે. ભુજ સ્થિત બહુમાળી ભવનમાં આવેલી સમાજ કલ્યાણ અધિકારી (વિકસિત જાતિ)ની કચેરીમાં કરાર આધારિત ફરજ બજાવતા બે સમાજ કલ્યાણ નિરીક્ષકોને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાના બાકી હપ્તા જમા કરાવવા પેટે રૂ. ૪,૦૦૦ની લાંચ લેતાં એસીબી ટીમે રંગેહાથ ઝડપી લીધા છે.

મળતી વિગતો અનુસાર, એક જાગૃત નાગરિકના મકાનને સરકારની પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ સત્તાવાર મંજૂરી મળેલી હતી. આ યોજના હેઠળ મળવાપાત્ર મકાન સહાયના વિવિધ હપ્તાઓ ખાતામાં જમા કરાવી આપવાના અવેજ પેટે સમાજ કલ્યાણ અધિકારીની કચેરીના બે કર્મચારીઓએ અરજદાર પાસે રૂ. ૪,૦૦૦ની ગેરકાયદે લાંચની માંગણી કરી હતી. અરજદાર લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ મામલે ભુજ એસીબીનો સંપર્ક સાધી સમગ્ર વિગતવાર ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે ભુજ એસીબી પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. ચૌધરી તથા સ્ટાફે ૩ ઓક્ટોબરના રોજ ભુજ બહુમાળી ભવન ખાતે લાંચનું છટકું ગોઠવ્યું હતું. આયોજન મુજબ અરજદાર લાંચની રકમ આપવા પહોંચ્યા હતા. તે દરમિયાન બંને કર્મચારીઓએ એકબીજાની મિલીભગતથી પંચોની હાજરીમાં લાંચની રૂ. ૪ હજારની રકમ સ્વીકારતાં જ છુપાયેલી ટીમે ત્રાટકીને બંનેને રંગેહાથ દબોચી લીધા હતા અને લાંચની સમગ્ર રકમ કબજે કરી હતી.

ઝડપાયેલા આરોપીઓમાં આસિફ મુસ્તાફા કુરેશી (ઉ.વ. ૨૮), સમાજ કલ્યાણ નિરીક્ષક યોજનાઓ-સ્કોલરશીપ, કરાર આધારિત),
કાનજી અરવિંદ ભટ્ટી (ઉ.વ. ૩૨), સમાજ કલ્યાણ નિરીક્ષક (યોજનાઓ-સ્કોલરશીપ, કરાર આધારિત)

ઝડપાયેલા આ બંને આરોપીઓ સમાજ કલ્યાણ અધિકારીની કચેરી, વિકસિત જાતિ, ભુજ-કચ્છ ખાતે કરાર હેઠળ કાર્યરત હતા. એસીબીએ બંને આરોપીઓની અટકાયત કરી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.

ઉત્સવ વૈદ્ય