મુંબઈ: બોલિવૂડ અભિનેતા સંજય દત્તે ફરી એકવાર પોતાના લોકપ્રિય પાત્ર ‘મુન્નાભાઈ’ના અંદાજમાં રાજકીય અને સામાજિક મુદ્દાઓ પર વ્યંગ કર્યો છે. શેખર સુમનના શો ‘શેખર ટુનાઈટ’ના ગાંધી જયંતિ વિશેષ એપિસોડમાં સંજય દત્તને પાંચ મિનિટ માટે પોતાને ભારતના વડાપ્રધાન તરીકે કલ્પના કરીને દેશની જનતાને સંબોધવા કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેણે મુન્નાભાઈની આગવી ભાષા અને અંદાજમાં રમૂજી પરંતુ ગંભીર સંદેશ આપ્યો હતો.
સૌથી પહેલાં સંજય દત્તે ભારતની વર્તમાન સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે ભારતના લોકો ખૂબ જ પ્રેમાળ, મોટા દિલવાળા અને મહેમાન આવકાર્ય લોકો છે, પરંતુ હવે તેમને પોતાના દેશમાં પહેલાં જેવી શાંતિ અનુભવાતી નથી. તેણે ભગવાન શિવને પ્રાર્થના કરી કે દેશમાં ફરીથી એ શાંતિના દિવસો પાછા આવે.
‘મુન્નાભાઈ’ સ્ટાઇલમાં વડાપ્રધાન બનેલા સંજય દત્તે કહ્યું કે, ચાલો દેશમાં કંઈક તો ચાલી રહ્યું છે. મારા પ્રિય દેશવાસીઓ હું વડાપ્રધાન બનીને ખુશ થયો. આટલો મોટો દેશ છે. આટલા બધા લોકો છે અને આપણા બધાની જવાબદારી મારા પર. આગળ તેણે કહ્યું પરંતુ ચિંતા ન કરશો તે દેશની ખુશી મનાવવા વિદેશ નહીં જાય, પરંતુ દેશના લોકો વચ્ચે જ રહેશે. તેણે મજાકિયા અંદાજમાં કહ્યું કે વડાપ્રધાન અને જનતા વચ્ચે કનેક્શન જાળવવા માટે જનતાની વચ્ચે રહેવું જરૂરી છે. આ વાતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસો પર કરાયેલા પરોક્ષ વ્યંગ તરીકે પણ જોવામાં આવી રહી છે.
ગાંધીજીના ત્રણ વાંદરાઓ અંગે પણ ખાસ વાત કરી
સંજય દત્તે મહાત્મા ગાંધીના ત્રણ વાંદરાઓનો ઉલ્લેખ કરીને તેમાં એક ‘ચોથો વાંદરો’ ઉમેરવાની વાત કરી હતી. તેમના મતે માત્ર ખરાબ ન જોવું, ખરાબ ન સાંભળવું અને ખરાબ ન બોલવું પૂરતું નથી; જો કોઈ ખરાબ બાબત દેખાય તો તેને સુધારવાની જવાબદારી પણ હોવી જોઈએ. તેણે સવાલ ઉઠાવ્યો કે જો ત્રણેય વાંદરા આંખ, કાન અને મોં બંધ કરીને બેસી જાય તો દેશ કેવી રીતે ચાલશે?
આ દરમિયાન અભિનેતાએ જાહેર સ્થળોએ નેતાઓના ફોટા લગાવવાની બાબત પર પણ વ્યંગ કર્યો હતો. તેણે કહ્યું કે જો તે વડાપ્રધાન બને તો જ્યાં-જ્યાં વડાપ્રધાનના ફોટા લગાવવામાં આવ્યા છે ત્યાં તેને ઓછા કરશે અને દેશનો ફોટો વધુ દેખાવો જોઈએ. પોતાના ફોટાની જગ્યાએ મહાત્મા ગાંધીનો ફોટો લગાવવાની વાત કરતાં તેણે કહ્યું કે ગાંધીજીના વિચારોને જોવું વધુ મહત્વનું છે, માત્ર નેતાનો ફોટો જોઈને જનતાને શું મળશે?
ટ્રમ્પને આપ્યો ટેરીફનો સુજાવ
સંજય દત્તે આ પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ પોતાના ‘મુન્નાભાઈ’ અંદાજમાં સંદેશ આપ્યો હતો. તેણે ટ્રમ્પને ‘ટ્રમ્પ મામૂ’ કહીને દુનિયામાં પહેલેથી જ ઘણી મિસાઇલો હોવાનું જણાવ્યું અને હવે થોડો પ્રેમ ‘એક્સપોર્ટ’ કરવાની સલાહ આપી હતી. કોઈને ધમકી આપવાને બદલે તેને ઘરે બોલાવીને ચા પીતા-પીતા વાતચીતથી સમસ્યા ઉકેલવાની વાત તેણે કરી હતી. તેણે અંતમાં રમૂજી અંદાજમાં કહ્યું કે ‘ટ્રમ્પ મામૂ, અપુન આ રેલા હૈ જાદૂ કી ઝપ્પી દેને.’