Mon Oct 05 2026

Logo

ભાજપે સ્મિત મચ્છર અને ઉત્તર પ્રદેશમાં સંગઠનાત્મક બદલાવ અંગે કોંગ્રેસ પર પ્રહાર કર્યા

2026-10-04 17:56:26
Author: Chandrakant Kanoja
ભાજપે સ્મિત મચ્છર અને ઉત્તર પ્રદેશમાં સંગઠનાત્મક બદલાવ અંગે કોંગ્રેસ પર પ્રહાર કર્યા

નવી દિલ્હી: ભારતીય પાઈલટ કેપ્ટન સ્મિત મચ્છર અને ઉત્તર પ્રદેશમાં સંગઠનમાં બદલાવ મુદ્દે ભાજપે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. આ અંગે ભાજપ પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ભારતીય પાઈલટ કેપ્ટન સ્મિત મચ્છર સાથે જોડાયેલી ઘટના અંગે કોંગ્રેસના ટોચના નેતાઓએ યોગ્ય પ્રતિક્રિયા નહોતી આપી. તેમજ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસે કરેલો સંગઠનાત્મક બદલાવ અંગે જણાવ્યું કે કોંગ્રેસે એવા નેતાઓને જવાબદારી સોંપી છે જે હંમેશા વિવાદોમાં ઘેરાયેલા રહ્યા છે. 

કોંગ્રેસનું નેતૃત્વ પાયલોટની બહાદુરીને યોગ્ય રીતે સ્વીકારવામાં નિષ્ફળ

આ અંગે ભાજપ પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસનું નેતૃત્વ પાયલોટની બહાદુરીને યોગ્ય રીતે સ્વીકારવામાં નિષ્ફળ રહ્યું છે. સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી પર નિશાન સાધતા ત્રિવેદીએ દાવો કર્યો હતો તેમણે યોગ્ય પ્રતિક્રિયા નહોતી આપી. આ મુદ્દાને કોંગ્રેસ નેતૃત્વની કથિત 'વોટ-બેંકની રાજનીતિ' સાથે જોડતા તેમણે પક્ષ પાસે જવાબની માંગ કરી હતી.

આરાધના મિશ્રા સામે પણ આક્ષેપો કર્યા

ભાજપના પ્રવક્તાએ યુપી કોંગ્રેસના નવનિયુક્ત અધ્યક્ષ આરાધના મિશ્રા સામે પણ આક્ષેપો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે મિશ્રાએ એકવાર કોંગ્રેસ કાર્યકરોને 'ભારત માતા કી જય'ના નારા લગાવતા અટકાવ્યા હતા અને તેના બદલે 'કોંગ્રેસ ઝિંદાબાદ'ના નારા લગાવવા કહ્યું હતું. આ આક્ષેપોને ટાંકીને ત્રિવેદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષની વર્તમાન રાજનીતિ અને મહાત્મા ગાંધીના આદર્શો વચ્ચે મોટું
અંતર ઊભું થયું છે.

ઈમરાન મસૂદ વિવાદાસ્પદ ટિપ્પણી માટે જાણીતા 

તેમજ સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીની જન્મજયંતિના અવસરે કોંગ્રેસ પક્ષે ઈમરાન મસૂદને ઉત્તર પ્રદેશ કોંગ્રેસ એકમમાં મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે મસૂદના ભૂતકાળના એક વિવાદાસ્પદ નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો. ત્રિવેદીએ આક્ષેપ કર્યો હતો કે મસૂદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણીઓ કરવા માટે જાણીતા છે.