Tue Oct 06 2026

Logo

વૈશ્વિક પડકારોના સમયમાં આરઓડીટીઈપી સ્કીમનું વિસ્તરણ નિકાસકારોને મદદરૂપઃ સીઆઈઆઈ

2026-10-03 20:25:38
Author: Ramesh Gohil
વૈશ્વિક પડકારોના સમયમાં આરઓડીટીઈપી સ્કીમનું વિસ્તરણ નિકાસકારોને મદદરૂપઃ સીઆઈઆઈ

નવી દિલ્હીઃ તાજેતરમાં સરકારે રેમિસન ઑફ ડ્યૂટીઝ ઍન્ડ ટેક્સિસ ઓન એક્સપોર્ટેડ પ્રોડક્ટ્સ (આરઓડીટીઈપી) સ્કીમને આગામી 31મી ડિસેમ્બર સુધી વિસ્તારિત કરી હોવાથી હાલના વૈશ્વિક પડકારો અને સ્પર્ધાત્મક વાતાવરણમાં નિકાસકારોને મદદરૂપ થશે, એમ સીઆઈઆઈનાં સંજય બુધિયાએ આજે જણાવ્યું હતું. 

નોંધનીય બાબત એ છે કે આ સ્કીમ વર્ષ 2021માં અમલી બનાવવામાં આવી હતી. જેમાં નિકાસકારોને પ્રોડક્ટનાં ઉત્પાદનથી લઈને વિતરણ સુધીની પ્રક્રિયા દરમિયાન ભરેલા ટેક્સ, ડ્યૂટી અને લેવીનું રિફંડ આપવામાં આવે છે. જોકે, આ વેરાનું કેન્દ્ર, રાજ્ય કે સ્થાનિક સ્તરેથી કોઈ વળતર ન મળ્યું હોવું જોઈએ. આ સ્કીમ હેઠળ 0.3થી 3.9 ટકા સુધીનું રિફંડ આપવામાં આવે છે. 

સીઆઈઆઈની નિકાસ પરની રાષ્ટ્રીય સમિતિના અધ્યક્ષ અને પેટ્ટોન ઈન્ટરનેશનલનાં મેનેજિંગ ડિરેક્ટર સંજય બુધિયાએ જણાવ્યું હતું કે આ સ્કીમના વિસ્તરણથી વધુ નિશ્ચિતતાની ખાતરી મળશે, જેનાથી સ્પર્ધાત્મક નિકાસ ભાવ નક્કી કરી શકાશે અને લાંબાગાળાના કોન્ટ્રાક્ટ મેળવી શકાશે.

વાસ્તવમાં સરકારે નિકાસકારોને ટેકો આપવા માટે સ્કીમનું સમયસર વિસ્તરણ કર્યું હોવાથી નિકાસકારો હાલનાં વૈશ્વિક વેપાર સામેના પડકારોમાં સ્પર્ધાત્મકતા જાળવી શકશે. જોકે, ઉદ્યોગ વતી સીઆઈઆઈએ સરકારને આ સ્કીમની મુદ્દતને 30મી સપ્ટેમ્બર, 2026ના રોજ પૂરી થયા બાદ પાંચ વર્ષનાં લાંબા સમયગાળા સુધી લંબાવવાની ભલામણ કરી હતી અને નિકાસ સહાય માટે લાંબાગાળાની નીતિગત વ્યવસ્થાની સરકાર પાસે અપેક્ષા રાખવામાં આવી રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું. 

પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર વર્તમાન નાણાકીય વર્ષમાં ગત એપ્રિલથી ઑગસ્ટ દરમિયાન દેશની નિકાસ 17.85 ટકા વધીને 215.91 અબજ ડૉલરના સ્તરે અને આયાત 18.21 ટકા વધીને 363 અબજ ડૉલરનાં સ્તરે રહી છે. જોકે, સરકારે વર્તમાન નાણાકીય વર્ષ 2027 માટે ગૂડ્સ અને સર્વિસીસની નિકાસનો લક્ષ્યાંક ગત સાલના 863 અબજ ડૉલર સામે એક ટ્રિલ્યન ડૉલરનો મૂક્યો છે.