નવી દિલ્હી: દેશમાં હવામાનની બેવડી અસર જોવા મળી રહી છે. એક તરફ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું દેશના મોટાભાગના વિસ્તારોમાંથી વિદાય લઈ રહ્યું છે, તો બીજી તરફ દક્ષિણ ભારત અને પહાડી રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર, સમગ્ર ગુજરાત, મધ્યપ્રદેશ અને ઉત્તર ભારતના બાકીના વિસ્તારોમાંથી ચોમાસાએ સત્તાવાર રીતે વાપસી કરી લીધી છે.
ગુજરાત અને ઉત્તર ભારતમાંથી મનસૂનની વિદાય
હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે વાત કરવામાં આવે તો, ચોમાસું હવે ગુજરાત અને મધ્યપ્રદેશ ઉપરાંત બિહાર, ઝારખંડ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાંથી પણ સંપૂર્ણ રીતે વિદાય લઈ ચૂક્યું છે. ચોમાસાની વિદાય સાથે જ આ વિસ્તારોમાં વાતાવરણ શુષ્ક થવા લાગ્યું છે. ચોમાસાની વિદાય વચ્ચે પણ દેશના દક્ષિણ અને પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદનો પવન જોવા મળી રહ્યો છે. દક્ષિણ ભારતમાં કેરળ, તમિલનાડુ, પુડુચેરી, કરાઇકલ અને માહેમાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
વધારે વિગતે વાત કરવામાં આવે તો, આસામ, મેઘાલય, મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા અને આંધ્રપ્રદેશમાં વાવાઝોડા અને વીજળીના ચમકારા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. પહાડી રાજ્યોની વાત કરવામાં આવે તો, તારીખ 5 થી 9 ઓક્ટોબર દરમિયાન હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના અલગ-અલગ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે તારીખ 6 થી 8 ઓક્ટોબર દરમિયાન જમ્મુ-કાશ્મીર, લડાખ અને ગિલગિટ-બાલતિસ્તાનમાં વરસાદ પડી શકે છે.
દિલ્હી-NCR અને ઉત્તર પ્રદેશમાં હવામાન કેવું રહેશે?
મધ્ય ભારતમાં તારીખ 6 અને 7 ઓક્ટોબરે છત્તીસગઢ અને પૂર્વ મધ્ય પ્રદેશમાં વાવાઝોડું આવવાની શક્યતા છે. દિલ્હી-NCR: રાષ્ટ્રીય રાજધાનીમાં હાલ વાતાવરણ મુખ્યત્વે શુષ્ક અને તડકાવાળું રહેશે. જોકે, IMD મુજબ તારીખ 6 અને 7 ઓક્ટોબર દરમિયાન દિલ્હી, હરિયાણા અને ચંડીગઢમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. સમગ્ર ઉત્તર પ્રદેશમાં 9 ઓક્ટોબર સુધી હવામાન શુષ્ક રહેવાની ધારણા છે. પૂર્વ કે પશ્ચિમ ઉત્તર પ્રદેશ માટે હવામાન વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારનું Alert જાહેર કરવામાં આવ્યું નથી.