Wed Oct 14 2026

Logo

જાહ્નવી કપૂરના સપોર્ટમાં આવ્યા જુનિયર એનટીઆર અને ચિરંજીવીઃ AI મોર્ફ્ડ વીડિયોને ગણાવ્યો શરમજનક

2026-10-04 17:04:19
Author: Mumbai Samachar Team
જાહ્નવી કપૂરના સપોર્ટમાં આવ્યા જુનિયર એનટીઆર અને ચિરંજીવીઃ AI મોર્ફ્ડ વીડિયોને ગણાવ્યો શરમજનક

હૈદરાબાદ: જુનિયર એનટીઆર અને જાહ્નવી કપૂરની ફિલ્મ ‘દેવરા: પાર્ટ 1’ના લોકપ્રિય ગીત ‘ચુટ્ટામલ્લે’ના એઆઈ-મોર્ફ્ડ વીડિયો મામલે હવે મેગાસ્ટાર ચિરંજીવીએ પણ નારાજગી વ્યક્ત કરી હતી. આ પહેલા જુનિયર એનટીઆરે પણ વીડિયો સામે આકરો વિરોધ નોંધાવી તેને શરમજનક ગણાવ્યો હતો. તેણે વીડિયો બનાવનારા અને ફેલાવનારા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરી હતી. 

એઆઈના ઉપયોગે વધારી સ્ટાર્સની ચિંતા 
ચિરંજીવીએ સોશિયલ મીડિયા પર લાંબી પોસ્ટ શેર કરીને એઆઈના ખોટા ઉપયોગ પર ચિંતા વ્યક્ત કરી છે. તેણે મહિલાના અપમાનજનક અને મોર્ફ્ડ વીડિયો બનાવવા માટે એઆઈનો ઉપયોગ કરવાની ઘટનાને ક્રૂર, શરમજનક અને સંપૂર્ણપણે અસ્વીકાર્ય ગણાવી છે. તેણે કહ્યું કે આ માત્ર કોઈ એક વ્યક્તિ કે ફિલ્મ સાથે જોડાયેલો મુદ્દો નથી. આજે કોઈ અન્ય વ્યક્તિ તેનો ભોગ બની છે, પરંતુ આવતીકાલે આ પ્રકારની ઘટના કોઈની પણ સાથે બની શકે છે.

શું કહ્યું ચિરંજીવીએ?
ચિરંજીવીએ વધુમાં કહ્યું હતું કે આવા કન્ટેન્ટને માત્ર મજાક કે મનોરંજન કહીને નજરઅંદાજ કરી શકાય નહીં. તેમના મતે, આવું કન્ટેન્ટ બનાવનારા તેમજ જાણીજોઈને તેને ફેલાવનારા લોકોને કાયદા હેઠળ જવાબદાર ઠેરવવા જોઈએ. તેણે આ મામલો તેલુગુ ફિલ્મ ચેમ્બર, પ્રોડ્યુસર્સ કાઉન્સિલ અને સંબંધિત ફિલ્મ ઇન્ડસ્ટ્રી સંસ્થાઓ સમક્ષ ઉઠાવવાની વાત કરી છે. 

ચિરંજીવી ખાસ કમિટી અને સપોર્ટ સેલ બનાવવાની ભલામણ પણ કરશે. આ ટીમ સાયબર ક્રાઇમ અધિકારીઓ સાથે મળીને કામ કરશે, અસરગ્રસ્ત લોકોને મદદ કરશે, મોર્ફ્ડ કન્ટેન્ટ હટાવવાની કામગીરીમાં સંકલન કરશે અને જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં મદદ કરશે. તેણે કહ્યું કે આ પ્રયાસ માટે સમગ્ર તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એકસાથે આવવાની જરૂર છે અને કલાકારો, ટેક્નિશિયન, એસોસિએશન, દર્શકો તથા ચાહકોની પણ તેમાં ભૂમિકા છે.

ચાહકોને અપીલ કરી 
મેગાસ્ટારે કેન્દ્ર અને રાજ્ય સરકારોને પણ એઆઈના દુરુપયોગ સામે કડક અને અસરકારક પગલાં ભરવાની અપીલ કરી છે. સાથે જ તેણે ચાહકોને ખાસ અપીલ કરી કે આવા વીડિયો જોવા, ડાઉનલોડ કરવા કે શેર કરવા નહીં, ભલે હેતુ તેની ટીકા કરવાનો જ કેમ ન હોય. તેના બદલે સંબંધિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને સાયબર ક્રાઇમ અધિકારીઓને આવા કન્ટેન્ટની જાણ કરવા તેણે જણાવ્યું છે.

આ મામલે જુનિયર એનટીઆરને અભિનેતા વિજય દેવરકોંડાનો પણ સાથ મળ્યો હતો. બંનેએ એઆઈ ટેક્નોલોજીના દુરુપયોગની ટીકા કરી હતી અને જવાબદાર લોકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી હતી. હવે ચિરંજીવી પણ આ મુદ્દે ખુલ્લેઆમ સામે આવતા તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એઆઈ-મોર્ફ્ડ કન્ટેન્ટ સામે સામૂહિક કાર્યવાહીનો મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો છે.  

‘ચુટ્ટામલ્લે’ ગીત વિશે 
‘ચુટ્ટામલ્લે’ ગીતની વાત કરીએ તો તે જુનિયર એનટીઆર અને જાહ્નવી કપૂરની ‘દેવરા: પાર્ટ 1’નું લોકપ્રિય ગીત છે. આ ગીતને અનિરુદ્ધ રવિચંદરે કમ્પોઝ કર્યું છે, જ્યારે તેના શબ્દો રામાજોગૈયા શાસ્ત્રીએ લખ્યા છે અને શિલ્પા રાવે તેને અવાજ આપ્યો છે. ગીતમાં જુનિયર એનટીઆર અને જાહ્નવી કપૂર જોવા મળે છે.