Mon Oct 05 2026

Logo

ચર્ચગેટ-વિરાર લોકલ ટ્રેનમાં ચોરીની શંકામાં યુવકને બેલ્ટથી માર માર્યો, વીડિયો વાયરલ

2026-10-04 20:37:33
Author: Mumbai Samachar Team
ચર્ચગેટ-વિરાર લોકલ ટ્રેનમાં ચોરીની શંકામાં યુવકને બેલ્ટથી માર માર્યો, વીડિયો વાયરલ

મુંબઈ: મુંબઈની પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેનમાં મોબાઈલ ચોરીની શંકાને લઈને એક યુવક સાથે મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા પર મોટા પાયે વાયરલ થયો છે. ચર્ચગેટથી વિરાર તરફ જઈ રહેલી લોકલમાં કેટલાક મુસાફરોએ એક યુવકને મોબાઈલ ચોરીના આરોપમાં પકડી લીધો હતો અને ત્યાર બાદ તેની સાથે મારપીટ કરી હતી.

મળતી માહિતી મુજબ, લોકલમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરનો મોબાઈલ કથિત રીતે ચોરી થયો હતો. મોબાઈલ ચોરીની શંકા જતા કેટલાક મુસાફરોએ એક વ્યક્તિને પકડીને તેની પૂછપરછ કરી હતી. ત્યારબાદ તેની સાથે મારપીટ શરૂ થઈ હતી. આ લોકલ ચર્ચગેટથી વિરાર જય રહી હતી ત્યારે આ ઘટના બની  હોવાની માહિતી રેલવેના સૂત્રોએ આપી હતી. 

વાયરલ થયેલા વીડિયોમાં બે-ત્રણ મુસાફરો યુવકને બેલ્ટથી મારતા જોવા મળે છે. ટ્રેનમાં હાજર અન્ય મુસાફરો પણ આ સમગ્ર ઘટના જોતા જોવા મળે છે. જોકે, જે યુવકને માર મારવામાં આવ્યો તેણે ખરેખર મોબાઈલ ચોરી કર્યો હતો કે નહીં તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ રેલવે પોલીસે ઘટનાની નોંધ લઈને તપાસ શરૂ કરી છે. પોલીસ વીડિયો અને અન્ય માહિતીના આધારે મારપીટમાં સામેલ મુસાફરોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. સાથે જ કથિત મોબાઈલ ચોરી અને ત્યારબાદ થયેલી મારપીટ અંગે પણ તપાસ ચાલી રહી છે.