મુંબઈ: બોલીવુડ અભિનેતા ગોવિંદા અને અભિનેત્રી કોમલ રાની સ્વર્ણકારના કથિત અફેરની ચર્ચા વચ્ચે હવે તેમની દીકરી ટીના આહુજાની પ્રતિક્રિયા સામે આવી છે. પરિવાર સાથે જોડાયેલા સવાલોથી કંટાળેલી ટીના એક ઇવેન્ટ દરમિયાન પાપારાઝીના સવાલ પર નારાજ થઈ હતી અને કોઈ જવાબ આપ્યા વગર ત્યાંથી ચાલી ગઈ હતી.
ગોવિંદાના અફેરની ચર્ચાથી વ્યથિત બની ટીના
હાલમાં જ મુંબઈમાં યોજાયેલા એક ઇવેન્ટમાં ટીના હાજર રહી હતી. આ દરમિયાન એક પાપારાઝીએ તેમને પરિવારની અંદર ચાલી રહેલી ચર્ચા અને કોમલ રાની દ્વારા તેની માતા સુનીતા આહુજા વિશે કરવામાં આવેલા નિવેદનો અંગે સવાલ કર્યો હતો. સવાલ પૂરો થાય તે પહેલાં જ ટીના બોલી ઉઠી કે, 'પ્લીઝ, આપણે અહીં માત્ર આ જ બાબત વિશે વાત કરીએ. થેન્ક્યૂ.' ત્યાર બાદ તે સ્ટેજ પરથી આગળ વધી ગઈ હતી.
ટીનાએ શું કહ્યું?
હાલમાં ગોવિંદા-કોમલ રાનીના કથિત અફેરની ચર્ચા વચ્ચે ટીના આહુજાનું આ મૌન ઘણું કહે છે. પરિવારની અંગત બાબતો અંગે વધુ સવાલો થાય નહીં તેના માટે તેણે માત્ર “થેન્ક્યૂ” કહીને વાત ટાળી દીધી હતી. બીજી તરફ ગોવિંદા અને કોમલ બંને આ સંબંધને પ્રોફેશનલ ગણાવી રહ્યા હોવાથી આ મામલો હજુ પણ ચર્ચામાં છે.
ટીનાના આ રિએક્શનથી સ્પષ્ટ થયું કે તે પોતાના પરિવારની અંગત બાબતોને જાહેર ચર્ચામાં લાવવા માંગતી નથી. ખાસ વાત એ છે કે તેણે ન તો માતા સુનીતા આહુજાના સમર્થનમાં કોઈ નિવેદન આપ્યું નહોતું કે ના તો કોમલ રાની વિરુદ્ધ કંઈ કહ્યું. તેના બદલે તેણે સવાલ ટાળીને ત્યાંથી ચાલવાનું પસંદ કર્યું હતું.
વિવાદોમાં ગોવિંદાનું લગ્નજીવન
દરમિયાન ગોવિંદા અને કોમલ રાની વચ્ચેના સંબંધોને લઈને છેલ્લા કેટલાક સમયથી સતત ચર્ચા ચાલી રહી છે. કોમલ ગોવિંદાની આગામી ફિલ્મ ‘રૂપા’માં તેની કો-સ્ટાર છે. આ સમગ્ર મામલે સુનીતા આહુજાએ કોમલ રાની પર ગંભીર આરોપો લગાવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. તાજેતરમાં જ બંનેને મુંબઈમાં લાલબાગચા રાજાના દર્શન દરમિયાન સાથે જોવામાં આવ્યા હતા, આ વીડિયો વાયરલ થતા સોશિયલ મીડિયા પર પણ અટકળો વધુ તેજ બની હતી.
બીજી તરફ કોમલે આ પ્રકારની અફવાઓને નકારી કાઢી છે અને સ્પષ્ટ કર્યું છે કે ગોવિંદા સાથે તેની જાહેર હાજરીનો સંબંધ માત્ર ફિલ્મ અને પ્રોફેશનલ કામ સાથે છે. બંનેની સાથે દેખાતી તસવીરો તથા મુલાકાતોને વ્યાવસાયિક સંબંધો સાથે જોડ્યા છે.