મુંબઈ: અજય દેવગનની ‘દૃશ્યમ 3: ધ કન્ક્લૂઝન’ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે, છતાં ‘હનુમાન અંશ’ નો જાદુ ઓછો થયો નથી. નીમ કરોલી બાબા પર આધારિત ડૉ. વિશાલ ચતુર્વેદીની આ ભક્તિ-ડ્રામા ફિલ્મે રિલીઝના 58મા દિવસે પણ શાનદાર પકડ જાળવી છે. શોઝની સંખ્યા ઘટી હોવા છતાં એક લાખ દર્શકો સિનેમાઘરોમાં પહોંચ્યા હતા. આ ફિલ્મે દુનિયાભરમાં 419 કરોડ રૂપિયાથી વધારે ગ્રોસ કલેક્શન કરી ચુકી છે. બીજી તરફ 'દ્રશ્યમ 3' એ સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્નાની 'ધ વન' ને જાટકો આપ્યો છે. નવી રિલીઝ થયેલી ફિલ્મ 'પ્રેમ કીટાણુ' પછડાઈ છે.
શોભિનવ સત્ય સ્ટારર ફિલ્મ 'હનુમાન અંશ' ના શોઝ ફિલ્મ 'દ્રશ્યમ 3' ના રિલીઝના લીધે ત્રણ ગણા ઘટી ગયા છે. ‘હનુમાન અંશ’ પહેલાં 4,000થી વધુ શોઝમાં ચાલી રહી હતી, પરંતુ ‘દૃશ્યમ 3’ની રિલીઝ બાદ હવે તેના માત્ર 1,339 શોઝ બાકી રહ્યા છે. તેમ છતાં 58મા દિવસે 'હનુમાન અંશે' 2.10 કરોડ રૂપિયાની નેટ કમાણી કરી, એક દિવસ પહેલા એટલે કે 'દ્રશ્યમ 3' ની રિલીઝ વચ્ચે 57મા દિવસે ફિલ્મે 2.25 કરોડ રૂપિયાની નેટ કમાણી કરી હતી. ભારતમાં ફિલ્મનું કુલ ગ્રોસ કલેક્શન 379.96 કરોડ રૂપિયા અને નેટ કલેક્શન 321.73 કરોડ રૂપિયા થઈ ગયું છે. માત્ર 2 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે પોતાના બજેટની સરખામણીએ લગભગ 161 ગણો બિઝનેસ કર્યો છે.
હવે ‘હનુમાન અંશ’ની નજર સની દેઓલ અને વરુણ ધવનની ‘બોર્ડર 2’ ના રેકોર્ડ પર છે. ‘બોર્ડર 2’એ ભારતમાં 341.70 કરોડ રૂપિયાનો નેટ બિઝનેસ કર્યો હતો અને 2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડ ફિલ્મ છે. ‘હનુમાન અંશ’ હાલમાં આ રેકોર્ડથી આશરે 20 કરોડ રૂપિયા દૂર છે. બીજી તરફ, આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ તરીકે આદિત્ય ધરની ‘ધુરંધર 2: ધ રિવેન્જ’ છે, જેણે ભારતમાં 1,108.90 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું હતું.
બીજી તરફ સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયા સ્ટારર ફિલ્મ 'ધ વન' એ ફક્ત 58.85 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે. નવી રિલીઝ ‘પ્રેમ કીટાણુ’ની સ્થિતિ વધુ ખરાબ છે. આ ફિલ્મે બીજા દિવસે માત્ર 65 લાખ રૂપિયાની નેટ કમાણી કરી, બીજી તરફ નાનીની તેલુગુ ફિલ્મ ‘ધ પેરેડાઇઝ’ ફિલ્મે 115.56 કરોડ રૂપિયાની નેટ કમાણી કરી હતી. આ તમામ આંકડા દર્શાવે છે કે ‘દૃશ્યમ 3’ના જોરદાર આગમન વચ્ચે પણ ‘હનુમાન અંશ’ લાંબી રેસનો ઘોડો સાબિત થઈ રહી છે.