મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી યામી ગૌતમ અને ફિલ્મમેકર આદિત્ય ધરને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. એક રિપોર્ટ અનુસાર, કપલે મુંબઈ છોડીને હિમાચલ પ્રદેશને પોતાનું કાયમી ઠેકાણું બનાવી લીધું છે. મુંબઈની ભાગદોડ અને સતત લાઈમલાઈટથી દૂર શાંતિપૂર્ણ જીવન જીવવાની ઈચ્છાને કારણે બંનેએ આ નિર્ણય લીધો હોવાનું કહેવાય છે. જોકે, ફિલ્મી કામકાજના કારણે બંનેનું મુંબઈ આવવા-જવાનું ચાલુ રહેશે.
એક રિપોર્ટ અનુસાર, યામી માટે હિમાચલ પ્રદેશ માત્ર ફરવા માટેનું સ્થળ નથી, પરંતુ તેની સાથે તેનો ઊંડો પારિવારિક અને ભાવનાત્મક સંબંધ છે. 37 વર્ષની યામીનો જન્મ હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં થયો હતો. લગ્ન પહેલાં જ તેણે મંડીના ગોહરમાં આશરે 25 એકર જમીન પર બનેલું 100 વર્ષ જૂનું હેરિટેજ ઘર ખરીદ્યું હતું. જે તેના બાળપણની યાદોથી જોડાયેલું છે.

આ ઘર કપલ માટે ખાસ પણ છે, કારણ કે 4 જૂન 2021ના રોજ બંનેએ આ જ હિમાચલી પ્રોપર્ટીમાં લગ્ન કર્યા હતા. લાકડા અને પથ્થરથી બનેલું આ ઘર હરિયાળી અને બગીચાઓથી ઘેરાયેલું છે. અહીં સફરજન, બટાકા, આલૂબુખારા અને આદુ જેવી વસ્તુઓનું ઉત્પાદન પણ થાય છે. રિપોર્ટ અનુસાર, યામી અને આદિત્યએ આ મિલકતને ભવ્ય સેલિબ્રિટી હાઉસમાં ફેરવવાને બદલે તેની સાદગી અને કુદરતી સ્વરૂપ જાળવી રાખ્યું છે. તેઓ કથિતરીતે ત્યાં જ કાયમી રહેવા માટે શિફ્ટ થઈ ગયા છે.
મુંબઈમાં રહેતા સમયે યામી અને આદિત્ય ખાર વેસ્ટ વિસ્તારમાં એક મોટા ભાડાના એપાર્ટમેન્ટમાં રહેતા હતા. ‘ધુરંધર’ના પ્રમોશન દરમિયાન આદિત્યએ પોતાના મુંબઈના ઘરના સરનામા સાથે જોડાયેલી મજાક પણ કરી હતી, કારણ કે તેમનું ઘર ચિત્રકાર ધુરંધર માર્ગ પર હતું. અહેવાલો અનુસાર, કપલે આ એપાર્ટમેન્ટ લાંબા સમય માટે ભાડે લીધું હતું અને બાદમાં ‘ધુરંધર’ની સફળતા પછી તેને ખરીદ્યું હોવાની પણ ચર્ચા થઈ હતી.
યામી અને આદિત્ય છેલ્લા કેટલાક સમયથી પોતાની અંગત જિંદગી ખાનગી રાખવા માટે જાણીતા છે. ‘ધુરંધર’ અને ‘ધુરંધર 2: ધ રિવેન્જ’ની સફળતા બાદ આદિત્યની લોકપ્રિયતા વધી હોવા છતાં તે જાહેરમાં બહુ ઓછા જોવા મળે છે. તાજેતરમાં ગુજરાતના એકતા નગરમાં યોજાયેલા નેશનલ ફિલ્મ અવોર્ડ સમારોહમાં બંને નજરે પડ્યા હતા. અહીં યામીને ‘આર્ટિકલ 370’ માટે બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ અવોર્ડ, જ્યારે આદિત્યને આ ફિલ્મના નિર્માતા તરીકે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.
આ કપલ બે વર્ષ પહેલાં માતા-પિતા પણ બન્યું હતું. યામીએ મે 2024માં પુત્ર વેદાવિદને જન્મ આપ્યો હતો. બંનેએ પોતાના બાળકને સતત લાઈમલાઈટથી દૂર રાખ્યું છે. સપ્ટેમ્બર 2025માં યામીએ પુત્ર સાથેની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી, પરંતુ તેમાં પણ વેદાવિદનો ચહેરો છુપાવવામાં આવ્યો હતો.
રિપોર્ટમાં યામી અને આદિત્યની સંયુક્ત નેટવર્થ આશરે 100થી 125 કરોડ રૂપિયા હોવાનો જૂના અહેવાલોને આધારે ઉલ્લેખ છે. યામીની વ્યક્તિગત નેટવર્થ આશરે 90 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે, જે મુખ્યત્વે એક્ટિંગ અને જાહેરાતોમાંથી થયેલી કમાણી સાથે જોડાયેલી છે. જ્યારે ‘ઉરી’ ફેમ નેશનલ એવોર્ડ વિનર આદિત્ય ધરની સંપત્તિ અગાઉ 20 કરોડ રૂપિયાથી 60 કરોડ રૂપિયા વચ્ચે આંકવામાં આવી હતી. ‘ધુરંધર’ ફ્રેન્ચાઇઝીની સફળતા બાદ તેમની સંપત્તિમાં વધારો થયો હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.