સલામ એ ગુજરાતી જવાંમર્દ એકલવીરને !
અધ્ધર આકાશમાં કોઈ પ્લેન હાઈજેક થાય ત્યારે મોટાભાગે સશસ્ત્ર આતંકવાદી અપહરણકર્તા સામે કોઈ કંઈ કરી શકતા નથી, પણ આવી જ એક તાજી ઘટનામાં ગંભીર ઘવાયા હોવા છતાં એક ગુજરાતી પાઈલટ સ્મિત મચ્છરે ગજબની જવાંમર્દી દેખાડી એક આતંકી સહ -પાઈલટનો સામનો કરીને 170થી વધુ પેસેન્જર્સને આબાદ ઉગારી લીધા હતા... આ તબક્કે આપણે નીડર એર હોસ્ટેસ નિરજા ભનોટને પણ યાદ કરવી જોઈએ, જેણે એકલવીર બનીને પોતાના પ્રાણ ગુમાવીને પણ 357 પ્રવાસીના જીવ બચાવ્યા હતા.
- વિજય વ્યાસ
વિજય વ્યાસ, નિરજા ભનોટ
‘ફ્લાયદુબઈ એરલાઈન્સ’ની ફ્લાઇટ ઋણ1073ના કેપ્ટન સ્મિત મચ્છર ગંભીર ઈજાઓના કારણે લોહીલુહાણ થયા હોવા છતાં 174 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સના જીવ બચાવીને હીરો બની ગયા છે. કેપ્ટન સ્મિતે બહાદુરી ના બતાવી હોત તો તેમના સાથી એવા ઓમાની સહ-પાઈલટે પ્લેન પર કબજો કરીને શું કર્યું હોત તેની કલ્પના પણ થઈ શકે તેમ નથી...
થોડાં વર્ષ પૂર્વે અમેરિકામાં 9/ 11ના હુમલામાં પાંચ હજારથી વધારેનાં મોત થયાં હતાં. ઓમાની પાઈલટ 9/11ની જેમ જ આ પ્લેન ક્રેશ કરીને વિનાશ વેરવા માગતો હતો એ જોતાં કેપ્ટન સ્મિતે હજારો લોકોના જીવ બચાવ્યા છે એમ કહીએ તો તેમાં જરાય અતિશયોક્તિ નથી.
આ ફ્લાઈટ ઈઝરાયલની રાજધાની તેલ અવીવ જઈ રહી હતી અને એમાં મોટાભાગના પેસેન્જર ઈઝરાયલી હતા. ઓમાનના એ આતંકવાદી પાઈલટનો ઈરાદો તેલ અવીવમાં જ કોઈ સ્થળે પ્લેન ક્રેશ કરવાનો હતો. એનો બદઈરાદો સફળ થયો હોત તો આ આતંકવાદી હુમલો જ ગણાયો હોત એ સંજોગોમાં ઝનૂની ઈઝરાયલે તેની સામે કેવાં પ્રત્યાઘાત આપ્યા એની કલ્પના માત્રથી ધ્રુજારી છૂટે છે. આ અગાઉ પેલેસ્ટાઈની આતંકી સંગઠન ‘હમાસે’ ઈઝરાયલ પર આતંકવાદી હુમલો કરીને 1200 લોકોની હત્યા કરી તેમાં તો ઈઝરાયલે આખી ગાઝા સ્ટ્રીપને તબાહ કરી નાખી હતી. એટલું જ નહીં, ઈરાન, સીરિયા, લેબેનોનમાં પણ ભારે તબાહી મચાવી દીધી હતી.. 9/11 જેવો હુમલો તેલ અવીવ પર થયો હોત તો ઈઝરાયલ આરબ દેશોની ઓકાત બગાડી નાખત એ જોતાં કેપ્ટન સ્મિતે દુનિયાને વધુ એક ભયંકર યુદ્ધમાંથી ઉગારી લીધી છે એમ જરૂર કહી શકાય.
આપણે ફિલ્મોમાં હીરોને અકલ્પનિય પરાક્રમો કરતાં જોઈએ છે, પણ કેપ્ટન સ્મિતનું પરાક્રમ ફિલ્મી હીરોને પણ ઝાંખા પાડી દે એવું છે. દુબઈથી ઇઝરાયલના તેલ અવીવ જઈ રહેલી ફ્લાઇટમાં ઉડાનના લગભગ બે કલાક પછી સહ-પાયલટે અચાનક કેપ્ટન સ્મિત પર હુમલો કરતાં કેપ્ટન સ્મિત નીચે પડી ગયા અને એ વખતે વિમાન આશરે 34,000 ફૂટની ઊંચાઈએ હતું, પણ હુમલાને કારણે વિમાન અચાનક હજારો ફૂટ નીચે ખાબકવા લાગ્યું હતું. કેપ્ટન સ્મિતે લોહીલુહાણ હાલતમાં નીચે પડેલા હોવા છતાં હાઈજેકનું સિગ્નલ મોકલી દીધું. તેના કારણે સહ-પાઈલટનું ધ્યાન એ તરફ ગયું પછી કેપ્ટન સ્મિતે પેલા આતંકવાદી સામે ઝઝૂમતા પણ કોકપિટનો દરવાજો ખોલી નાખ્યો. સ્મિતે દરવાજો ના ખોલ્યો હોત તો કોકપિટમાં શું ચાલી રહ્યું છે તેની કોઈને ખબર જ ના પડી હોત ને આતંકવાદી ઓમાની પાઈલટ સરળતાથી પ્લેનને ક્રેશ કરીને મોટી તબાહી સર્જી શક્યો હોત કેમ કે ગંભીર ઘવાયેલા કેપ્ટન સ્મિત તો દરવાજો ખોલીને તરત બેહોશ થઈ ગયા હતા.
કોકપિટનો દરવાજો ખુલ્યો એટલે પ્રવાસીઓ અને ક્રૂ મેમ્બર્સને અંદર હુમલો થયો છે તેની ખબર પડી. તરત જ કેટલાક સાહસિક મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ અંદર ઘૂસ્યા અને હુમલાખોર કો-પાઇલટને કાબૂમાં લઈ લીધો. યાનિવ હાયુન નામના ઈઝરાયલી પ્રવાસીને પ્લેન ચલાવતાં આવડતું હોવાથી તરત પ્લેનને કાબૂમાં લઈ લીધું. પ્લેનમાં વળતી ફ્લાઈટ માટેના બે પાઈલટ પણ હાજર હતા તેથી પ્લેનને ક્રેશ ના થવા દીધું અને છેવટે સઉદી અરેબિયાના તાબુક એરપોર્ટ પર પ્લેનનું સફળતાપૂર્વક ઉતરાણ કરાવ્યું. ઝડપાયેલા હુમલાખોર પાઈલટની અત્યારે સઉદી પોલીસ તથા ઈઝરાયેલ ગુપ્તચર ટીમની ઊલટતપાસ ચાલી રહી છે. આબાદ ઉગરી ગયેલા પ્રવાસીઓ આજે પોતપોતાને ઘેર પણ હેમખેમ પહોંચી ગયા છે. કેપ્ટન સ્મિતને પણ સઉદીથી દુબઈ મોકલી દેવાયા છે. કેપ્ટન સ્મિતની ઈજાઓ જીવલેણ નહોતી તેથી એ ખતરાની બહાર છે. આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેપ્ટન સ્મિત સાથે વાત પણ કરીને સ્મિતની જવાંમર્દીને બિરદાવી છે.
કેપ્ટન સ્મિતની બહાદુરીએ લોકોને નિરજા ભનોટની યાદ અપાવી દીધી છે. નિરજા ભનોટે પણ કેપ્ટન સ્મિતની જેમ 40 વર્ષ પહેલાં એકલવીર બનીને 357 પ્રવાસીના જીવ બચાવ્યા હતા. નિરજા અમેરિકન એરવેઝ ‘પેન એમ’ની એર હોસ્ટેસ હતી. 5 સપ્ટેમ્બર, 1986ના રોજ ‘પેન અમેરિકન વર્લ્ડ ઍરવેઝ ફ્લાઇટ 73’ મુંબઈથી કરાચી અને ફ્રેન્કફર્ટ થઈને ન્યૂ યોર્ક જઈ રહી હતી ત્યારે કરાચીમાં 360 મુસાફરો અને 19 ક્રૂ મેમ્બર્સ સાથે વિમાનને હાઇજેક કરવામાં આવ્યું હતું. ઝાયેદ હસન અબ્દુલ-લતીફ મસૂદ અલ-સફરિની સહિત 4 પેલેસ્ટાઈની આતંકીઓએ અપહરણ કરેલું. આ આતંકીઓ અબુ નિદાલના ગ્રૂપના હતા.
નિરજા આ જ પ્લેનમાં ફરજ બજાવતી હતી અને તેણે જ સૌથી પહેલાં વિમાનનું અપહરણ થયું હોવાની જાણ પાઈલટ્સને કરી હતી. તરત જ પાઇલટ, કો-પાઇલટ અને ફ્લાઇટ ઍન્જિનિયર ઇમરજન્સી ઍક્ઝિટ દ્વારા વિમાનમાંથી નીકળી જતાં પ્રવાસીઓ અને ક્રૂ મેમ્બર્સ અપહરણકારોની ચુંગાલમાં ફસાઈ ગયા હતા.
નિરજાએ હાઈજેકર્સ સાથે ઘર્ષણ કરીને મોટા ભાગના પ્રવાસીઓને સુરક્ષિત રાખ્યા હતા. 16 કલાકના સંઘર્ષ પછી અંધારું થયું ત્યારે નિરજાએ વિમાનનો ઇમર્જન્સી દરવાજો ખોલીને મુસાફરોને બહાર કાઢવા માંડ્યા હતા. બધા મુસાફરો બહાર નીકળી ગયા હતા પણ ત્રણ નાનાં બાળકો વિમાનમાં ફસાયેલાં હતાં. નિરજા તેમને તેમના ભાગ્ય પર છોડીને નીકળી ગયાં હોત તો પોતે બચી ગયાં હોત, પણ તેના બદલે એ બાળકોને લેવા ગયાં. નિરજા બાળકોને બહાર લઈ જઈ રહ્યાં હતાં ત્યારે હાઇજેકર્સે તેમને જોઈ લેતાં ગોળીઓ છોડી નિરજાની હત્યા કરી નાખી. એ પહેલાં એણે બાળકોને બચાવી લીધેલાં. આ હાઈજેકની ઘટનામાં કુલ 22 લોકોના મોત થયાં પણ બીજાં 358 લોકો બચી ગયાં તેનું કારણ નિરજા ભનોટ હતાં.
ઓળખો, અન્ય અનામી એકલવીરોને...
કેપ્ટન સ્મિત અને નિરજા ભનોટની બહાદુરી એ રીતે મહત્ત્વની છે કે,પ્લેન હાઈજેકની મોટા ભાગની ઘટનાઓમાં પ્રવાસીઓ અને ક્રૂ મેમ્બર્સ પણ ડરીને બેસી રહે છે અને સશસ્ત્ર આતંકવાદીઓ સામે લડવાની હિંમત બતાવતાં નથી. અપહરણકારો સામે લડવાની હિંમત બતાવી હોય એવી બહુ ઓછી ઘટનાઓ નોંધાઈ છે. વિદેશમાં સલામતીનાં કારણોસર આવા હીરોનાં નામ જાહેર પણ નથી કરાતાં પણ તેથી આપણને તેમનાં નામ ખબર નથી છતાં કેટલીક આવી ઘટનાઓ પર નજર નાખવા જેવી છે.
2023માં આવી જ ઘટનામાં ‘હોરિઝન એર ફ્લાઈટ 2059’માં જોસેફ ડેવિડ એમર્સન નામના પાઈલટે એન્જિન ફાયર એક્સ્ટિંગ્વિશર હેન્ડલ ખેંચીને ફ્યુઅલ સપ્લાય બંધ કરવાનો પ્રયત્ન કરેલો, પણ બીજા પાઈલટે ક્રૂ મેમ્બર્સને બોલાવીને તેને કાબૂમાં લઈને દુર્ઘટના ટાળી હતી. 2021માં અમેરિકાના અલાસ્કામાં ‘રયાન એર સર્વિસ’ની ફ્લાઈટમાં પણ એક વ્યક્તિએ પાઈલટ પર હુમલો કરતાં વિમાન નીચે ખાબકવા માંડેલું પણ પાઈલટે હાથાપાઈ કરીને અપહરણકારને પછાડીને ફરી પ્લેન પર કંટ્રોલ કરી લેતાં વિમાન બચી ગયું હતું. 2011માં ઓસ્લોથી ઈસ્તંબુલ જતી ‘ટર્કિશ એરલાઈન્સ’ની ફ્લાઈટને હાઈજેક કરવાનો પ્રયત્ન થયેલો, પણ એક પ્રવાસીએ અપહરણકાર પર હુમલો કરીને એને પછાડી દીધો અને પ્લેનને હાઈજેક થતાં બચાવી લીધું.
2012માં તો ચીનના ‘તિયાનજિન એરલાઈન્સ’ની ફ્લાઈટને 6 અપહરણકારોએ હાઈજેક કરેલી. આ વિમાનમાં સાદા ડ્રેસમાં છ પોલીસ અધિકારીઓ પણ મુસાફરી કરી રહ્યા હતા. તેમણે તમામ 6 હાઈજેકર્સને પછાડીને પ્લેનને મુક્ત કરાવ્યું હતું.
2001માં ઈસ્તંબુલથી મોસ્કો જતી ફ્લાઈટનું અપહરણ થયું પછી ફ્લાઈટને સઉદી અરેબિયાના મદીનામાં લેન્ડ કરવામાં આવી ત્યારે એક ફ્લાઈટ એટેન્ડન્ટ યુલિયાએ ઈમર્જન્સી એક્ઝિટ ખોલી દઈને સઉદી પોલીસને અંદર ઘૂસવાનો રસ્તો કરી આપ્યો હતો. હાઈજેકર્સના ધ્યાનમાં આ વાત આવી જતાં તરત ગોળી મારીને યુલિયાની હત્યા કરી,પણ પોલીસે પ્રવાસીઓને બચાવી લીધા.
આ તો છેલ્લા અઢી દાયકાના એકલવીરોની વાત કરી કે જેમણે જીવની પરવા કર્યા વિના બીજાને બચાવવા માટે અદ્ભુત સાહસ બતાવ્યું. અપહરણની ઘટના બને ત્યારે મોટા ભાગનાં લોકો બઘવાઈ જતા હોય છે. પણ કેપ્ટન સ્મિત, નિરજા કે યુલિયા જેવાં બહુ ઓછાં લોકો હોય છે કે જે ત્વરિત પ્રક્રિયા આપે છે ને લોકોને બચાવી લે છે. આવા એકલવીરોને આપણી સલામ!