અમદાવાદઃ શહેરમાં બાળકો અને યુવાનો-વિદ્યાર્થીઓ સાથેના ગુનાઓંમાં વધારો નોંધાઈ રહ્યો છે. શહેરની સિલ્વર ઓક કૉલેજના વિદ્યાર્થી અને પૂર્વીય વિસ્તાર ઈસનપુરમાં રહેતા જીગર સોલંકી નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસ તપાસ શરૂ થઈ છે.
જીગરની હત્યા પણ ખૂબ ક્રૂર રીતે થઈ હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી હતી. મળતી વિગતો અનુસાર ઈસનપુર વિસ્તારમાં અજાણ્યા લોકો દ્વારા કોઈ ભારે સાધનનો ઉપયોગ કરી જીગરની હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ તેના મૃતદેહને નગ્ન હાલતમાં ફેંકી દેવામાં આવ્યો હતો.
જીગર મૂળ ભાવનગરનો હતો અને અહીં મામાના ઘરે રહી અભ્યાસ કરતો હતો. શુક્રવારે તે પોતાના મિત્રોને મળવા ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ તેને ઢોરમાર મારી, બોથડ પદાર્થથી તેના પર વાર કરવામાં આવ્યો હતો અને તેના ઘર પાસે જ તેના મૃતદેહને ફેંકી દેવામાં આવ્યો હતો.
તેને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. યુવકના મામાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ રીતે દીકરાની હત્યાએ પરિવારને સ્તબ્ધ કરી નાખ્યો હતો.