ગાંધીનગરઃ રાજ્યના એસ.ટી. બસ સ્ટેશનો પર મુસાફરોને વધુ સારી અને આધુનિક સુવિધાઓ મળી રહેવાની છે. ખાસ કરીને શૌચાલયની સુવિધા અપગ્રેડ થવાની છે. સ્વચ્છ શૌચાલયની પ્રવાસીઓની વર્ષો જુની માગ પૂરી થવા જઈ રહી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા એક મહત્વપૂર્ણ ઝુંબેશ શરૂ થવા જઈ રહી છે. મુસાફરી દરમિયાન નાગરિકોને સ્વચ્છતા અને પાયાની સગવડો બાબતે કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે નિગમ દ્વારા રાજ્યના 56 બસ સ્ટેશનોના ટોયલેટ બ્લોક રીન્યુએશન અને રિપેરીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીના રાજ્યના મોટા બસસ્ટેન્ડ સિવાય પણ મહત્ત્વના અને ક્નેક્ટિંગ પોઈન્ટ તરીકે જાણીતા બસ સ્ટેન્ડ પર હવે ચોખ્ખા ટોયલેટ બાથરૂમ મળવાના છે.
શૌચાલય અપગ્રેડેશન થશે
એસ.ટી. નિગમ દ્વારા સમગ્ર રાજ્યમાં કુલ 56 બસ સ્ટેશનો પર રીપેરીંગ અને ટોયલેટ બ્લોક અપગ્રેડેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાંથી અત્યાર સુધીમાં 6 બસ સ્ટેશનો પર રીપેરીંગની કામગીરી ખતમ થઈ ચૂકી છે. જેમાં સાવરકુંડલા, વાંસદા, ધંધુકા, ઉમરાળા, પાલિતાણા અને ઢસા બસ સ્ટેશનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 17 બસ સ્ટેશનો પર કામ અત્યારે ચાલું છે જે આવનારા ટૂંક જ સમયમાં ખતમ થશે. બાકીના 33 બસ સ્ટેશનો પર રીપેરીંગની કામગીરી આગામી 8 થી 12 મહિનાની અંદર પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ વિશેષ ડ્રાઈવ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોને સ્વચ્છ, આરોગ્યપ્રદ અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે.
સર્વેના આધારે કામગીરી
અગાઉ કરવામાં આવેલા સર્વેના આધારે એસ.ટી. નિગમે ’બસ સ્ટેશન બેઝીક ફેસીલીટી અપગ્રેડેશન પ્લાન’ તૈયાર કર્યો હતો. ખાસ કરીને લાંબા અંતરની મુસાફરી કરતા મુસાફરો, મહિલાઓ અને વડીલો માટે બસ સ્ટેશન પર પૂરતી સ્વચ્છતા અને સુવિધાઓ હોવી અનિવાર્ય છે. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જ્યાં જરૂર જણાઈ છે તેવા ટોયલેટ બ્લોક્સનું આધુનિકીકરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઝુંબેશ હેઠળ ટોયલેટ બ્લોક્સમાં પ્લમ્બિંગ, નવા યુરિનલ્સ અને ડબલ્યુ.સી. પાન બદલવા, બારી-દરવાજાનું રિપ્લેસમેન્ટ, આકર્ષક ફ્લોરિંગ, ઇલેક્ટ્રિફિકેશન, મજબૂત ડ્રેનેજ સિસ્ટમ અને કલરકામ જેવી કામગીરી કરવામાં આવશે. આ અપગ્રેડેશન દરમિયાન મહિલા મુસાફરોને ધ્યાનમાં રાખીને સ્થળની સ્થિતિ મુજબ અંદાજિત 25 યુરિનલ્સ, 20 જનરલ ડબલ્યુ.સી. અને 25 જેટલા મહિલા ડબલ્યુ.સી. વધારવાનું આયોજન છે.