ગૉલઃ લસિથ મલિન્ગા, મુથૈયા મુરલીધરન, કુમાર સંગકારા, થિસારા પરેરા સહિત શ્રીલંકાના ઘણા ખેલાડીઓ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં રમી ચૂક્યા છે, પરંતુ 138 આંતરરાષ્ટ્રીય મૅચના અનુભવી 33 વર્ષીય વિકેટકીપર-બૅટ્સમૅન નિરોશાન ડિકવેલાની ઈચ્છા હજી અધૂરી છે જે પૂરી કરવાનો સંકેત તેણે ગૉલમાં ભારત સામેની ટેસ્ટ મૅચમાં બુધવારના છેલ્લા દિવસે બૅટિંગ દરમ્યાન આપ્યો હતો, પરંતુ એ જ સંકેત તેની વિકેટ માટે નિમિત્ત બની ગયો હતો.
શ્રીલંકા ઉપરાંત અમેરિકા, યુએઇ, બાંગ્લાદેશ તેમ જ વેસ્ટ ઇન્ડિઝની ટી-20 લીગમાં રમી ચૂકેલા ડિકવેલાને આઇપીએલમાં રમવાની તીવ્ર ઇચ્છા છે જેનો ઉલ્લેખ તેણે ભારત સામેની ટેસ્ટની બૅટિંગ દરમ્યાન યશસ્વી જયસ્વાલ સાથેની હળવી વાતચીતમાં વ્યક્ત કર્યો હતો. જોકે એ મજાકિયા વાતાવરણમાં તેણે વિકેટ ગુમાવવી પડી હતી. તે પ્રથમ દાવમાં 80 રન બનાવ્યા બાદ પ્રસિદ્ધ ક્રિષ્નાના બૉલમાં વિકેટકીપર રિષભ પંતના હાથમાં કૅચઆઉટ થયો હતો અને બુધવારે ફક્ત 10 રનના સ્કોર પર ક્રિષ્નાના બૉલમાં પંતને જ કૅચ આપી બેઠો હતો.
યશસ્વીએ ડિકવેલાને લલચાવ્યો
Yashasvi Jaiswal unsettles Niroshan Dickwella, and on the very next delivery Prasidh Krishna dismisses him 😂#INDvsSL pic.twitter.com/CbITv8DnN3
— Ak (@AkashRa29975360) August 19, 2026
ભારતીય લેફ્ટ-હૅન્ડ ઓપનર યશસ્વી શ્રીલંકાના લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન ડિકવેલાની ખૂબ નજીક સ્ક્વેર લેગના સ્થાને ઊભો હતો. યશસ્વી મજાકના મૂડમાં હતો અને ડિકવેલા સાથે તેની થોડી દોસ્તી પણ થઈ ગઈ હતી એટલે યશસ્વી સતતપણે તેને કહી રહ્યો હતો કે `તેં પ્રથમ દાવમાં 80 રનની ધૈર્યપૂર્ણ ઇનિંગ્સમાં જે પ્રકારના શૉટ માર્યા હતા એવા શૉટ મારે ફરી જોવા છે.'
શ્રીલંકાની ઇનિંગ્સની 60મી ઓવર ક્રિષ્નાએ કરી હતી. યશસ્વી સતતપણે ડિકવેલાને કહી રહ્યો હતો કે `શૉર્ટ બૉલમાં તું હૂક શૉટ બહુ સરસ ફટકારે છે. મારે એવો શૉટ જોવો છે. પેલા ગૉલ મ્યૂનિસિપલ સ્ટૅન્ડ તરફ હૂક શૉટ ફટકારી દે. જો મારું કહ્યું માનીશ તો હું સંગા (રાજસ્થાન રૉયલ્સના હેડ-કોચ કુમાર સંગકારા)ને જરૂર ભલામણ કરીશ.'
ડિકવેલાએ તરત તેને મજાકમાં `ઓકે' કહ્યું હતું. પછી ડિકવેલાએ તેને કહ્યું, `હું કંઈ જયસ્વાલ નથી. મને હૂક શૉટ ખાસ કંઈ ફાવતા નથી. હા, તું મને આઇપીએલમાં લઈ જવાનો હોય તો એકાદ હૂક મારી દઉં.'
ડિકવેલાની એકાગ્રતા તૂટી
PRASIDH KRISHNA WINS THE BATTLE AGAIN v DICKWELLA.
— Maina Singh (@Maina_Singhx77) August 19, 2026
- Prasidh dismissed Dickwella in both innings. pic.twitter.com/dJwB2JSkD9
યશસ્વી (Yashasvi)એ તરત તેને કહ્યું, `100 ટકા હું તને લઈ જઈશ.' ક્રિષ્નાના પછીના બૉલને ડિકવેલાએ ડીપ પૉઇન્ટ તરફ મોકલ્યો અને બે રન લઈ લીધા હતા. પછીના બૉલમાં ડિકવેલા (Dickwella) હૂક શૉટ મારવા નહોતો માગતો, પણ ફરી ડીપ પૉઇન્ટ તરફ મોકલવા માગતો હતો અને (યશસ્વી સાથેની વાતચીતને કારણે તેની એકાગ્રતા તૂટી હતી અને...) વિકેટકીપર રિષભ પંતને કૅચ આપી બેઠો હતો. ડિકવેલા આઉટ થયા પછી યશસ્વી સાથીઓ પાસે જઈને ખૂબ હસ્યો હતો.
ડિકવેલાની વિદાય બાદ ધબડકો
ડિકવેલાની છઠ્ઠી વિકેટ પડવાની સાથે શ્રીલંકાની પૂંછડિયાઓની હરોળ તૂટવાની શરૂ થઈ હતી. જોત જોતામાં સ્પિનર માનવ સુથારે છેલ્લી ચારેય વિકેટ લઈને તેમની બૅટિંગ લાઇન-અપ સાફ કરી નાખી હતી.
સાથીઓની સલાહ છતાં ન માન્યો
ડિકવેલાને રમત દરમ્યાન સાથીઓ કે હરીફો સાથે વાતચીત કરવાની આદત છે. અગાઉ 2017માં તેણે આ જ રમૂજી પળોમાં વિકેટ ગુમાવી દીધી હતી. સાથી ખેલાડીઓએ તેને સલાહ આપી હતી કે તું ઓછું બોલ, પણ ડિકવેલાએ તેમને કહેલું, `ચિંતા ન કરો, હરીફ ખેલાડીઓ મારી સાથે વાતચીત કરીને સમય બગાડતાં હોય છે અને એમાં હું તેમને મદદ કરતો હોઉં છું.'